ગુજરાતમાં 24 કલાકમાં 1100ને કોરોના ‘વળગ્યો’

(પ્રતિનિધિ દ્વારા) ગાંધીનગર તા.17
રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણનું પ્રમાણ ધીરે ધીરે ફરી વધી રહ્યું હતો તેવું લાગી રહ્યું છે. ત્યારે આજે રાજ્યના વિવિધ જિલ્લામાં કુલ 1122 દર્દીઓ નોંધાયા હતા. તેની સામે 775 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. જ્યારે અમદાવાદ, સુરત અને વડોદરામાં એક-એક એમ કુલ ત્રણ વ્યક્તિના મોત થયા છે. જો કે, રાજ્યમાં કોરોનાનો કુલ આંક 2,81,173 પર પહોંચી ગયો છે. જ્યારે કુલ રિકવર દર્દીઓ 2,71,433 છે. આ સાથે કોરોનાથી દર્દીઓનો મૃત્યુઆંક 4,430 પર પહોંચ્યો છે.
કોરોનાના કેસ વધતાં રાજ્ય સરકાર એક્શનમાં આવી ગઈ છે. 4 મહાનગરોમાં સચિવોને મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. અમદાવાદ મનપાની જવાબદારી રાજીવ ગુપ્તાને, વિનોદ રાવ અને મીલિંદ તોરવણેને વડોદરાની જવાબદારી, રાહુલ ગુપ્તાને રાજકોટની જવાબદારી સોંપવામાં આવી છે. એન થેન્નારરસનને સુરતની જવાબદારી સોંપાઈ છે. સરકારે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સની અમલવારી પણ કરાવાશે. આજે ની અધ્યક્ષતામાં મળેલ કોર કમિટીમાં નિર્ણય લેવાયો છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની મહત્વપૂર્ણ બેઠકમાં રાજ્યમાં કોરોના સંક્રમણની વર્તમાન પરિસ્થિતિ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાજ્યોના મુખ્ય મંત્રીઓની યોજેલી વીડિયો કોન્ફરન્સમાં આપેલા દિશા નિર્દેશનો અંગેની વિસ્તૃત ચર્ચા અને સમીક્ષા લંબાણપૂર્વક હાથ ધરવામાં આવી હતી. આ કોર કમિટીની બેઠકમાં વધુ મહત્વપૂર્ણ નિર્ણયો લઇને રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણ માટેના ઉપાયો સઘન બનાવવાની સૂચનાઓ આપવામાં આવી હતી.
મહત્વના નિર્ણયો અનુસાર રાજ્યમાં કોરોના ટેસ્ટીંગની સંખ્યા વધારવા તેમજ કોન્ટેક ટ્રેસિંગ ઉપર વિશેષ ધ્યાન આપવા અને કંન્ટેનમેન્ટ ઝોન જરૂર જણાય ત્યાં વધારવાની સૂચના આપવામાં આવી છે. મુખ્યમંત્રીએ રાજ્યમાં કોરોના વેકસીનેશનની કામગીરીનો વ્યાપ વધારવા વધુ સેન્ટરો ખોલવા માટે અને કોરોના વેકસીનેશન સેન્ટરનો સમય રાત્રે 9.00 વાગ્યા સુધીનો રાખવા માટે પણ આ બેઠકમાં સૂચનાઓ આપી હતી. તેમણે કહ્યું કે, હાલ સરેરાશ રોજના દોઢ લાખ લોકોનું વેકેસીનેશન થાય છે તે વધારીને ત્રણ લાખ સુધી કરવામાં આવશે.
વિજય રૂપાણીએ સમગ્ર રાજ્યમાં ફરજીયાત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું કડકાઇથી પાલન થાય અને નિયમોના ભંગ સામે ગૃહ વિભાગ કડક કાર્યવાહી કરે તેવી પણ સૂચનાઓ આપી છે. રાજ્યમાં ચાર મહાનગરોમાં કોરોના સંક્રમણના વધતા જતા કેસોને ધ્યાનમાં લઇને આ મહાનગરોમાં કોરોના સંક્રમણ નિયંત્રણ અને સારવારના ઉપાયો માટે સ્થાનિક તંત્રના માર્ગદર્શન અંગે ચાર વરિષ્ઠ સચિવઓને તાકીદના ધોરણે આ શહેરોની જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં અધિક મુખ્ય સચિવ ડો. રાજીવ ગુપ્તાને અમદાવાદ, શિક્ષણ સચિવ વિનોદ રાવ અને નાણા સચિવ (ખર્ચ) મિલીન્દ તોરવણેને વડોદરા તેમજ ઉદ્યોગ કમિશનર રાહુલ ગુપ્તાને રાજકોટ અને જીઆઇડીસીના મેનેજિંગ ડિરેકટર એન. થેન્નારસનને સુરતની જવાબદારી સોંપવામાં આવી છે.
કોર કમિટીની આ લંબાણપૂર્વક ચાલેલી બેઠકમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, મુખ્ય સચિવ અનિલ મુકીમ, મુખ્ય મંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર, મુખ્ય મંત્રીના અધિક મુખ્ય સચિવ મનોજકુમાર દાસ, આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ, શિક્ષણ અગ્ર સચિવ અંજુ શર્મા અને વરિષ્ઠ સચિવો પણ જોડાયા હતા.
રાજ્યમાં તમામ મહાનગરપાલિકામાં કોવિડ-19 રસીકરણ દ્વારા વધુમાં વધુ લાભાર્થીઓને સમય-મર્યાદામાં આવરી લેવાય તે હેતુસર તમામ મહાનગરપાલિકામાં કોવિડ-19 વેક્સીનેશન માટે ગાઇડ લાઇન મુજબ વધુમાં વધુ સેશનનું આયોજન કરવામાં આવશે. કોવિડ વેક્સીનેશન સેન્ટર ખાતે રાત્રિના 9.30 વાગ્યા સુધી કોવિડ રસીકરણ કરવામાં આવશે.

રિલેટેડ ન્યૂઝ