ભાજપના જન્મ દિવસે પણ સાંસદ વસાવાએ કોઠી ધોઇ કાદવ કાઢ્યો

નર્મદા કેનાલના સમારકામમાં પાંચ કરોડના ભ્રષ્ટાચારનાં પક્ષનાં જ નેતા સામે આક્ષેપો

કોંગ્રેસની જેમ હવે ભાજપવાળા ભાગલા પાડો ને રાજ કરો..માં માનવા લાગ્યા છે: મનસુખ વસાવા

(પ્રતિનિધિ દ્વારા) ભરૂચ,તા.6
ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના વિવાદાસ્પદ નિવેદનોને કારણે સતત ચર્ચામાં રહે છે. અને ભાજપના સ્થાપના દિવસે પણ મનસુખ વસાવાએ પોતાના ભાષણમાં વિવાદસ્પદ નિવેદન આપ્યું હતું. આ વખતે વસાવાએ ભાજપના નેતાઓ ઉપર જ આકરાં પ્રહાર કર્યા હતા. અને ભાજપના નેતાએ કેનાલના સમારકામમાં પાંચ કરોડનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આરોપ લગાવ્યો હતો.
ભાજપ સ્થાપના દિવસે ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ પોતાના ભાષણમાં પક્ષના નેતાઓ પર આક્ષેપ કર્યા હતા. મનસુખ વસાવાએ કહ્યું કે નર્મદા ભાજપના એક નેતાએ 1995માં કેનાલ સમારકામમાં 5 કરોડનો ભ્રષ્ટાચાર કર્યો છે. એલ એન્ડ ટી સાથે રહીને 4 આદિવાસીઓ કમાયા છે અને ઉપર કહે છે કે આદિવાસીઓ કમાયા છે. મનસુખ વસાવા ખોટું બોલે છે એવું કહે છે. હું પણ કરજણ ડેમનો અસરગ્રસ્ત છું.
મનસુખ વસાવા પાર્ટી થકી મોટો માણસ થયો છું. પણ હું ગરીબ પ્રજાને મદદરૂપ ના થાવ તો સાંસદ સભ્ય શું કામનું? બે નંબરીયા અધિકારી અને આપણા જ બે નંબરીયા નેતાઓને ખુલ્લા પાડવા પડશે. આ બાબતે મારી પાસે ખુલાસા પણ માંગશે, પણ મને વાંધો નથી. ખુશામત કરીને મોટા પદ પર આવી જાય, અને પછી કહે કે જિલ્લાના લોકોના પેટમાં તેલ રેડાયું છે.
લોકલ નેતાઓને કહ્યું કે તમે પ્રધાનમંત્રી બનો તો અમને કોઈ ફર્ક નથી પડવાનો. સ્ટેચ્યુ ઓફ યુનિટીને કારણે ખૂબ મોટો વિકાસ થવાનો છે. વડોદરામાં જે ઇન્ટવ્યુ રાખ્યું હતું તે બંધ કરાવ્યું હતું અને જે હવે કેવડિયામાં થવાનો છે. જો આપણા આદિવાસીઓમાં જો લાયકાત નહીં હોય તો બહારના લોકોને નોકરી મળી જશે. આવનારા દિવસોમાં હિસાબ કિતાબ થવાનો છે. પેટમાં તેલ રેડાયું છે તો બહાર આવશે જ ને બધું. જો કોઈ ગરીબોને દબાવવાનું કામ કરશે તમને અમે ઉઠવા નહીં દઈએ. એ પાર્ટી નો નેતા હોઈ કે કોઈ અધિકારી હોઈ
કેવડીયાનું નામ નહીં બદલાય
આ ઉપરાંત વસાવાએ કહ્યું કે પહેલાં કોંગ્રેસના લોકો ભાગલાં પાડો ને રાજ કરતાં હતા. હવે આપણા લોકો ભાગલા પાડોને રાજ કરો કરે છે. વડોદરાનો રસ્તા નવો બન્યો છે પણ આસપાસના રસ્તાઓ પણ સારા હોવા જોઈએ. અધિકારીઓ જે અપડાઉન કરે છે તેમને પણ હવે અહીં કેવડિયામાં રહેવું પડશે. કેવડિયાનું નામ નહીં બદલાય. એકતાનગરી નામ નહીં થાય થાય તેવું વસાવાએ કહ્યું હતું. આ ઉપરાંત નીચેના અવળચંડા અધિકારી સામે પણ થવું પડશે અને મેં મારા સ્વાર્થ માટે કોઈ વાત નથી કરી તેમ મનસુખ વસાવા કહ્યું હતું.

રિલેટેડ ન્યૂઝ