કોરોનાના કાળમાં સપડાતું સૌરાષ્ટ્ર-કચ્છ: 33ના મોત: 803 નવા કેસ

મહામારીનો રાજકોટમાં કહેર -શહેર જીલ્લામાં 385 કેસ : તંત્રની દોડધામ છતાં વકરતો કોરોના : સરકારી ચોંપડે નોંધાતા દર્દી અને વાસ્તવીક આંકમાં ભારે તફાવતની માત્રા : સૌરાષ્ટ્ર કચ્છના ગામે ગામ પહોંચતો વાયરસ

યુવાને લીધી કોરોનાની રસી… મેસેજ આવ્યો ‘સ્વોબનું સેમ્પલ લેવાઇ ગયું છે, આઇસોલેટ થઇ જાવ!’

પોરબંદર તા. 6
રાણાવાવના બાોપદર ગામે રહેતા રામભાઇ લખમણભાઇ બાપોદરાના નામના યુવાને આપેલ માહિતી મુજબ તેણે તા. ર એપ્રિલના રોજ બાપોદર સબ સેન્ટર ખાતે કોરોનાની રસી લીધી હતી સાંજે પ વાગ્યે ગોળી પીધી, તાવ ઉતર્યો ત્યારબાદ તા. 3 ના રોજ તાવ જેવું જણાતા આ યુવાને રાણાકંડોરણા પી.એચ.સી. સેન્ટર ખાતે દવા લીધી હતી અને ત્રણ દિવસની દવા લખી દેતા દવા લઇને પરત આવી ગયો હતો. ત્યારબાદ તા. 4 ના રોજ તેના મોબાઇલમાં એકાએક એવો મેસેજ આવ્યો હતો કે, તેના સ્વોબનું સેમ્પલ લેવામાં આવ્યું છે જે જામનગરની એમ.પી.શાહ મેડીકલ કોલેજ ખાતે મોકલાયું છે અને આ મેસેજમાં આઇસોલેટ થવા પણ જણાવ્યું હતું તેઓએ રાણાકંડોરણા પીએચસી ખાતે સંપર્ક કરતા સ્ટાફે તેને સેમ્પલ આપવા જણાવ્યું હતું પરંતુ રામભાઇની તબીયત સારી હોવાથી તેણે ટેસ્ટ કરાવવા ઇન્કાર કર્યો હતો તેમ છતાં ગઇકાલથી આરોગ્ય વિભાગ દ્વારા તેને સેમ્પલ આપી જવા ફોન આવતા હોવાનું પણ રામભાઇએ જણાવ્યું હતું. આ અંગે ડીડીઓ વી.કે. અડવાણીનો સ:પર્ક કરતા તેઓએ એવું જણાવ્યું હતું કે, સેમ્પલ આપ્યા વગર મેસેજ આવે તેશકય નથી તેમ છતાં સમગ્ર મામલાની તપાસની ખાતરી આપી છે.

(પ્રતિનિધિ દ્વારા)
રાજકોટ તા. 6
સૌરાષ્ટ્ર-કચ્છમા કોરોનાની મહામારીએ ભયંકર સ્વરૂપ ધારણ કર્યું હોય તેમ દિનબદીન પોઝિટિવ કેસો અને મૃત્યુઆંકમા ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે.કોરોનાનું કાળ તાંડવ શરૂ થયું હોય તેમ 24 કલાકમાં 33 દર્દીના મોત નીપજ્યા હોવાનું તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટમાં 19 અને જામનગરમાં 14 દર્દીએ સારવારમાં દમ તોડ્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં ફરી સંક્રમણ વધતા 24 કલાકમાં વધુ 803 નવા કેસ નોંધાયા છે.જેમાં રાજકોટમાં 385, જામનગરમાં 151, અમરેલીમાં 24, ગીરસોમનાથમાં 10, જૂનાગઢમાં 37, મોરબીમાં 32, ભાવનગરમાં 94, દેવભૂમિ દ્વારકામાં 15, સુરેન્દ્રનગરમાં 12, પોરબંદરમાં 1, બોટાદમાં 7 અને કચ્છમાં 35 વ્યક્તિ કોરોના સંક્રમિત થયા છે. જ્યારે કોરોનાની સારવાર લઈ રહેલા 490 દર્દી સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
રાજકોટ
રાજકોટ શહેર-જિલ્લામાં હાહાકાર મચાવતા કોરોનામાં સતત ઉતાર ચડાવ વચ્ચે કોરોનાએ રફતાર પકડી હોય તેમ આજે રાજકોટ શહેર-જીલ્લામાં 19 દર્દીના મોત નીપજ્યા છે.જ્યારે 24 કલાકમાં નવા 385 કેસ નોંધાયા છે. જેમાં શહેરના 321 અને ગ્રામ્યના 64 દર્દીનો સમાવેશ થાય છે. જ્યારે રાજકોટમાં કોરોનાની સારવાર લઈ રહેલા 197 દર્દી સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.રાજકોટમાં કોરોનાનું સંક્રમણ અને મત્યુઆંક વધતા લોકોમાં ફફડાટ અને તંત્રમાં દોડધામ મચી ગઇ છે.
જામનગર
જામનગર શહેર જિલ્લા માં કોરોના નુ ભયાનક સ્વરૂપ જોવા મળી રહ્યું છે. છેલ્લા 24 કલાકના સમયગાળા દરમિયાન સરકારી જી.જી હોસ્પિટલ માં વધુ 14 દર્દીઓ ના કોરોના ના કારણે મૃત્યુ નીપજયા છે.ઉપરાંત કોરોના ના કેસોમાં પણ જબરો ઉછાળો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના 151 પોઝિટિવ કેસ નોંધાયા છે.
જ્યારે જામનગર શહેરના 59 જ્યારે ગ્રામ્ય વિસ્તારના 30 દર્દીઓ સહિત કુલ 89 દર્દીઓ સાજા થતાં તેઓને રજા મળી છે. જામનગર મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા ટેસ્ટિંગ ની પ્રક્રિયા પણ વધારી દેવામાં આવી છે, જામનગર શહેરમાં આજે સમગ્ર દિવસ દરમિયાન 2,118 લોકોનું કોરોના પરીક્ષણ કરી લેવામાં આવ્યું છે, જ્યારે જામનગર ગ્રામ્ય વિસ્તારમાં 1,832 સહિત સમગ્ર જિલ્લામાં 3950 લોકોનું કોવિડ પરીક્ષણ કરી લેવાયું છે અને છેલ્લા 24 કલાક દરમિયાન જામનગર શહેરના 86 પોઝિટિવ કેસ નોંધાયા હોવાથી જામનગર શહેરનો કુલ કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો 8,781 નો થયો છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારના 65 પોઝિટિવ કેસ નોંધાયા હોવાથી જામનગર ગ્રામ્યનો કુલ આંકડો 2,952 નો થયો છે. ઉપરાંત છેલ્લા 24 કલાક દરમિયાન જામનગર શહેરના 59 અને ગ્રામ્યના 30 મળી 80 દર્દીઓને રજા આપવામાં આવી છે.
ભાવનગર
ભાવનગર જિલ્લામા આજરોજ 94 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 7,343 થવા પામી છે. જેમા ભાવનગર શહેરી વિસ્તારમાં 42 પુરૂષ અને 23 સ્ત્રી મળી કુલ 65 લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે તાલુકાઓમાં ગારીયાધાર ખાતે 1, ઉમરાળા તાલુકાના લંગાળા ગામ ખાતે 15, ઉમરાળા તાલુકાના રંઘોળા ગામ ખાતે 3, ઘોઘા તાલુકાના નથુગઢ ગામ ખાતે 1, પાલીતાણા તાલુકાના મોટી રાજસ્થળી ગામ ખાતે 1, ભાવનગર તાલુકાના શામપરા ગામ ખાતે 1, તળાજા તાલુકાના ટીમાણા ગામ ખાતે 1, સિહોર તાલુકાના સોનગઢ ગામ ખાતે 1, સિહોર ખાતે 1, તળાજા તાલુકાના પીપરલા ગામ ખાતે 1, સિહોર તાલુકાના ઝરીયા ગામ ખાતે 1, સિહોર તાલુકાના ભડલી ગામ ખાતે 1 તેમજ વલ્લભીપુર તાલુકાના કાળાતળાવ ગામ ખાતે 1 કેસ મળી કુલ 29 લોકોના કેસ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે.
જ્યારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમા 32 અને તાલુકાઓમાં 13 કેસ મળી કુલ 45 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. આમ જિલ્લામા નોંધાયેલા 7,343 કેસ પૈકી હાલ 580 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે જિલ્લામા 73 દર્દીઓનુ અવસાન થયેલ છે.
પોરબંદર
પોરબંદર જીલ્લામાં છેલ્લા ર4 કલાકમાં 448 લોકોના કોરોના ટેસ્ટ થયા હતા તે પૈકી એક મહીલાનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા કોવિડ હોસ્પિટલમાં લવાઇ છે.
આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડા પ્રમાણે 448 ટેસ્ટમાંથી 447 નેગેટીવ આવ્યા છે અને ઠક્કરપ્લોટમાં રહેતા 39 વર્ષીય મહીલાનો રીપોર્ટ પોઝીટીવ આવતા કોવિડહોસ્પિટલે લવાયેલ કુલ 124919 ટેસ્ટમાંથી કુલ કોરોના પોઝીટીવ 974 થયા છે. હાલ કોવિડ હોસ્પિટલમાં 8 લોકો કોરોનાની સારવાર લઇ રહ્યા છે.
દેવભૂમી દ્વારકા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા એકાદ સપ્તાહથી કોરોનાના કેસો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. આજરોજ મંગળવારે નોંધપાત્ર એવા ખંભાળિયાના 13 સહિત કુલ 17 નવા પોઝિટિવ કેસ જિલ્લામાં નોંધાયા છે. આ વચ્ચે છ દર્દીઓને ડિસ્ચાર્જ કરાતા જિલ્લામાં 88 એક્ટિવ કેસ સારવાર હેઠળ છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચિંતાજનક મનાતા આ નવા આંકડાઓ સાથે રાજ્યમાં પણ કોરોના સંક્રમણ ભયજનક રીતે વધી રહ્યું હોવાથી આગામી દિવસોમાં લોક ડાઉન આવશે તેવી અફવાઓએ ખંભાળિયામાં આજે આખો દિવસ વ્યાપક જોર પકડ્યું હતું. જેના કારણે આજે શહેરમાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ વેચતા વેપારીઓને ત્યાં મોટી સંખ્યામાં ગ્રાહકોની ભીડ જોવા મળી હતી.
આટલું જ નહી, આ અગાઉના લોક ડાઉનમાં ભારે કફોડી હાલતમાં મૂકાઈ ગયેલા તમાકુ, ગુટકા, બીડીના બંધાણીઓ એ આજે બપોરથી જ શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલા પાન- ગુટકા વિગેરે વિક્રેતાઓને ત્યાં દોડી ગયા હતા અને જરૂરિયાત મુજબ આવી ચીજ વસ્તુઓનો જથ્થો લઈ લેવા લાઈનો લગાવી હતી. બંધાણીઓના વધતા જતા ધસારાના કારણે તમાકુના વિક્રેતાઓએ ઢળતી સાંજે દુકાનો બંધ કરી દેવાની ફરજ પડી હતી.
આમ, ખંભાળિયામાં કોરોનાના વધતા સંક્રમણએ લોકોની ચિંતામાં વધારો કર્યો છે. સાથે- સાથે લોક ડાઉન સહિતની વ્યાપક અફવાઓએ જોર પકડતાં લોકોની મુશ્કેલી બેવડાઈ છે.
અમરેલી
અમરેલીમાં કોરોનાએ ફરી રફતાર પકડી હોય તેમ આજે એક દર્દીનું મોત નીપજ્યું છે જ્યારે આજે 25 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાની સારવાર લઈ રહેલા 33 દર્દી કોરોના સામેનો જંગ જીતી જતા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અમરેલીમાં હાલ 221 દર્દી કોરોનાની સારવાર લઈ રહ્યા છે. અમરેલી પંથકમાં અત્યાર સુધીમાં 42 દર્દીના કોરોનાથી મોત નિપજ્યા છે. અમરેલી પંથકમાં હાલમાં કોરોનાનું સંક્રમણ મહદઅંશે ઘટતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.

રિલેટેડ ન્યૂઝ