સૌરાષ્ટ્ર-કચ્છમાં વકરતી મહામારીને રોકવા તંત્ર ઉંધા માથે છતાં વધતા દર્દીઓ

રાજકોટમાં 385, જામનગરમાં 151, ભાવનગરમાં 94, કચ્છ-મોરબી અને જૂનાગઢમાં 30થી વધુ કેસ નોંધાતા ભય

સુરેન્દ્રનગર પાલિકાના 12 કર્મચારી કર્મચારી કોરોના પોઝીટીવ
સુરેન્દ્રનગરમાં કોરોનાએ વિકરાળ રૂપ ધારણ કર્યું છે. સુરેન્દ્રનગર પાલિકામાં 12થી વધુ કર્મચારીઓને કોરોના આવતા સુધરાઈ દ્વારા ઈમરજન્સી સિવાય તમામ કાર્યો બંધ છે પાલિકાએ આવતા લોકોને પુછપરછ કરી પ્રવેશ અપાય સુરેન્દ્રનગર પાલિકામાં હાઉસટેક્ષ, પાણીકર, વ્યવસાય વેરો, શોપ લાયસન્સ સહિતના વિભાગની કામગીરી બંધ કરવામાં આવી. અત્યાર સુધી 22 કેસ કોરોના પોઝીટીવ આવતા આજે 25થી વધુ કેસ નોંધાયા છે.
ભાવનગરમાં કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખીને મેરૂ નર્સિંગ હોમ અને નવજીવન મેડિકલ સેન્ટરને કોવિડ-19 હોસ્પિટલ તરીકે ચલાવવાની મંજૂરી અપાઈ
કોરોનાનું સંક્રમણ રાજ્યમાં ધીમે ધીમે વધી રહ્યું છે તેને ધ્યાનમાં રાખીને ભાવનગર શહેર-જિલ્લામાં અગમચેતી રૂપે કોરોનાના કેસના પ્રમાણમાં જરૂરી બેડ ઉપલબ્ધ બને તે માટે જિલ્લા વહીવટી તંત્ર અને ભાવનગર મહાનગરપાલિકા દ્વારા મેરૂ નર્સિંગ હોમની કોરોનાના બેડ વધારવાની મંજૂરી સંદર્ભે જરૂર જણાય તો બેડ વધારવાની પરવાનગી સાથે કોવિડ-19 હોસ્પિટલ તરીકે ચલાવવાની મંજૂરી આપવામાં આવી છે. તેવી જ રીતે નવજીવન મેડિકલ સેન્ટર, ભાવનગરને પણ આરોગ્ય વિભાગની જોગવાઈઓ મુજબ કોવિડ-19 હોસ્પિટલ તરીકે ચલાવવાની મંજૂરી આઇસોલેશન અને સારવાર માટે આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ રીતે હવે ભાવનગર જિલ્લામાં 14 હોસ્પિટલોને કોવિડ-19 હોસ્પિટલ તરીકે માન્યતા છે જેમાં જનરલની 91, એચ.ડી.યુ.ની 129, આઈ.સી.યુ.ની 59, એન.આઈ.સી.યુ.ની 3 મળી કુલ 282 બેડ કોરોના માટે આરક્ષિત રખાયા છે. ઉપરોક્ત હોસ્પિટલોમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની જોગવાઈઓ મુજબ નિર્ધારિત કરેલ દરે સારવાર આપવામાં આવશે. તેનાથી વધુ દર લઇ શકાશે નહીં. જો આવી જોગવાઈઓનું ઉલ્લંઘન થતું જણાશે તો આવી સંસ્થા કે વ્યક્તિ ભારતીય દંડ સંહીતા- 1860 ની કલમ-45 હેઠળ દંડને પાત્ર ઠરશે.
જામનગર જિલ્લા જેલના 4 કેદીઓ કોરોના સંક્રમિત
જામનગર માં કોરોના નું સંક્રમણ દિન પ્રતિદિન વધતું જાય છે. જે જિલ્લા જેલ સુધી પણ પહોંચી ગયું છે. જામનગરની જિલ્લા જેલમાં રહેલા ચાર કેદીઓ કોરોના સંક્રમિત બની ગયા છે, અને ચારેય ને જામનગરની જી.જી હોસ્પિટલ ના પ્રિઝનર કોવિડ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. જેના પર પોલીસ પહેરો પણ ગોઠવી દેવામાં આવ્યો છે. જામનગરની જિલ્લા જેલમાં કાચા કામના કેદી તરીકે રહેલા ગુજસીટોક ના આરોપી પ્રફુલ પોપટ કે જેનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે, અને હાલ જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જામનગર જિલ્લા જેલના અધિક્ષક પરાક્રમસિંહ જાડેજા દ્વારા જેલની અંદર આર.ટી.પી. સી. આર તેમજ એન્ટીજન ટેસ્ટ માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, અને ફુલ 36 સેમ્પલ લેવામાં આવ્યા હતા. જે પૈકીના ગુજસીટોક ના આરોપી કાચા કામના કેદી પ્રફુલ પોપટ નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
આ ઉપરાંત જામનગરના દુષ્કર્મ કેસનો એક આરોપી કેદી રાજેશ બાબુભાઈ જ્યારે રાજકોટથી શિફ્ટ થઇ ને જામનગર ની જેલ માં આવેલા રાજપાલસિંહ સુરપાલસિંહ ,અને જામનગર નો અન્ય એક કેદી હુસેન દાઉદ ચાવડા કે જેને બે દિવસ માટે પેરોલ ફર્લો ની રજા પર મુક્ત કરવામાં આવ્યો હતો. જે જિલ્લા જેલમાં પરત આવ્યા પછી તેનો આર. ટી.પી. સી. આર. ટેસ્ટ કરાયો હતો. ઉપરોક્ત ચારેય ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હોવા થી તાત્કાલિક અસરથી જીજી હોસ્પિટલના પ્રિઝનર કોવિડ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. અને હાલ ચારેય ની સારવાર ચાલી રહી છે.
ધોરાજી શહેર અને તાલુકાના કુલ મળી બે દિવસમાં 115 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા તંત્રમાં દોડ ધામ વધી
ધોરાજી તાલુકા શહેર વિસ્તાર માં કોરોના પોઝીટીવ 115 કેસો નોધાતા આરોગ્ય તંત્ર માં દોડધામ મચી જવા પામી છે. ધોરાજી પથંક માં કોરોના ની બીજી લહેર શરૂ થતાં કોરોના સંકમણ નો રાફડો ફાટ્યો છે ધોરાજી શહેર મા જૂદા જૂદા વિસ્તારો 49 તથા તાલુકા ના ગામીણ વિસ્તારો માં 66 કેસો સહિત કૂલ 115 કેસો નોધાતા આરોગ્ય તંત્ર દાવરા દદી ઓ ને કોરોનટાઈન કરાયા છે ધોરાજી માં કોરોના પોઝીટીવ કેસો 2500 ને આસપાસ પહોંચી ગયા છે બે દદી ઓ ના મોત નિપજયા છે ધોરાજી માં કોરોના પોઝીટીવ સંકમણ વધતાં સરકારી હોસ્પિટલમાં રાજ્ય સરકાર દ્વારા કોવીડ દદી ઓ માટે 70 બેડ ની સારવાર માટે ની યવસથા કરાઈ છે ધોરાજી કોવિડ હોસ્પિટલ ખાતે હાલ 41 જેટલા કોવિડ દદી ઓ ની સારવાર ચાલી રહી છે ખાનગી હોસ્પિટલ કોવીડના દર્દીઓથી ફૂલ ભરાઈ ગયેલ છે દરરોજ ધોરાજી પંથક માં કોરોના પોઝીટીવ કેસો નૂ સંકમણ વધતાં લોકોમા ફફડાટ યાપી ગયેલ છે.
વિંછિયાના ગામડાઓમાં
કોરોનાનો પગ પેશારો
કોરોનાની બીજી લહેર ખતરનાક છે. તેવા સમયે અત્યાર સુધી તાલુકા મથક વિંછીયામાં જ કોરોનાના કેસ મળતા, તાલુકાના ગામડાઓ કોરોના મુકત હતા. પણ બે દિવસથી વિંછીયા ને ખડીને આવેલા રૂપાવટી, થોરીયાળી અને ધ્રાંગધ્રા ગામોમાં કોરોનાના પોઝીટીવ કેસો મળી આવતા લોકોમાં ચિંતા સાથે ભય અને ડરનો માહોલ સર્જાય ગયો છે. જોકે કોરોનાથી બચવુ હશે તો ગ્રામ્ય પ્રજાએ માસ્ક ન પહેરવાની માનસિકતા છોડીને હાથ વગા હથિયાર સમુ માસ્ક પહેરવું જ પડશે તેમ ચર્ચાઈ રહ્યું છે.
દીવના પાડોશી રાજયોમાં વધી રહેલા કેસોને લઈ દીવ પ્રશાસને 144 લગાડી: રાત્રી કર્ફ્યુનો સમય વધારાયો
દીન પ્રતિદીન વધી રહેલા કોરોના ના કેસો ને અને લોકો ની તંદુરસ્તી ને ધ્યાન માં રાખતા દીવ કલેકટર શ્રીમતી સલોની રાય એ કર્યો આદેશ જારી જેમાં દીવ માં પહેલા રાત્રી દસ વાગ્યા થી સવાર ના પાંચ વાગ્યા સુધી કરફ્યુ નો આદેશ આપ્યો હતો. પરંતુ કોરોના ની ગંભીર પરિસ્થિતિ જોતા આજે દીવ કલેકટર સલોની રાય એ નવો આદેશ જારી કર્યો છે. લોકો કોરોના સંક્રમિત ના થાય તેને લઈ 144 ની કલમ લગાડવામાં આવી છે, આ કલમ મુતાબિક પાંચ થી વધુ લોકો એ એકઠા થવું નહિ, સાથે દીવ માં વધી રહેલ કેસો ને લીધે રાત્રે આઠ વાગ્યા થી સવારે છ વાગ્યા સુધી કરફ્યુ લાગુ કરી દેવામાં આવ્યો છે, કરફ્યુ દરમિયાન લોકો એ ઘરની બહાર નહિં નીકળવા જણાવ્યું છે, આ આદેશ મુજબ તત્કાલીન સેવાઓ ચાલુ રહેશે, જેમાં ફરજ બજાવતા કર્મચારીઓ પર આ આદેશ લાગુ નહિ પડે જેમ કે, ડોક્ટરો પોલીસ કર્મીઓ વગેરે દરેક લોકોએ કોરોનાની ગંભીરતા ને લઈ ને આ આદેશ નુ ચૂસ્તપણ પાલન કરવું, જો આ આદેશ નો ભંગ કરશે તેની ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. દીવ પ્રશાસન દ્વારા દરેક ને અપીલ કરવામાં આવી રહી છે કે, કોરોના ના સંક્રમણ થી બચવા માસ્ક ફરજિયાત પહેરવું, સેનીટાઈઝર વારંવાર કરવું, સામાજીક અંતર નો આગ્રહ રાખવો. આ આદેશ નુ પાલન બીજા આદેશ જારી થાય નહિ ત્યાં સુધી રહેશે,
મોરબી પાલિકા ઉપપ્રમુખ અને પ્રમુખના પતિ કોરોના પોઝીટીવ: સિવિલના તબીબો પણ સંક્રમિત
મોરબી જિલ્લા પંચાયતમાં ડીડીઓ, ડે.ડીડીઓ સહિતના સાતેક અધિકારીઓને કોરોના વળગ્યા બાદ હવે નગરપાલિકા અને તાલુકા પંચાયતની પણ તેવી જ સ્થિતિ બની રહી છે. નગરપાલિકામાં અગાઉ 7થી 8 સદસ્યોને કોરોનાનું સંક્રમણ લાગ્યા બાદ હવે ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, પ્રમુખના પતિ, બે સદસ્યો તેમજ અન્ય કર્મચારીને પણ કોરોના પોઝિટિવ આવ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે. ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજાએ તેઓના સંપર્કમાં આવેલા તમામ લોકોને સ્વાસ્થ્યની કાળજી રાખવા અપીલ પણ કરી છે આ ઉપરાંત તાલુકા પંચાયતમાં પણ કોરોનાએ કહેર મચાવ્યો છે. કુલ 4થી 5 સદસ્યો કોરોનાથી સંક્રમિત થયા હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે બેથી ત્રણ કર્મચારીઓ પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે. આમ સરકારી કચેરીઓમાં હવે કોરોનાના કેસો વધી રહ્યા હોય કચેરીના કર્મચારીઓએ ઉપરાંત સામાન્ય લોકોએ ખાસ તકેદારી રાખવાની તાતી જરૂર જણાય રહી છે.
કોરોનાની બેકાબુ સ્થિતી વચ્ચે જામનગરની સરકારી હોસ્પિટલમાં નર્સીંગ સ્ટાફની ભરતી
જામનગર ની સરકારી જી.જી હોસ્પિટલ માં આરોગ્યલક્ષી સેવા માં નર્સિંગ સ્ટાફની મોટા પ્રમાણમાં ઘટ્ટ ઉભી થઇ રહી છે. ત્યારે આઉટ સોર્સિંગ મારફતે ભરતીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે, અને 200 જેટલા નર્સિંગ સ્ટાફની ભરતી કરવામાં આવનાર છે. જામનગર માં કોરોના નું સંક્રમણ વધી ગયું હોવાથી જી.જી.હોસ્પિટલ પર ભારણ વધ્યું છે. હોસ્પિટલ ના કોવિડ બિલ્ડીંગ તેમજ જુના અલગ-અલગ વોર્ડમાં દર્દીઓની સંખ્યા દિનપ્રતિદિન વધતી જાય છે. જેને લઇને પેરામેડિકલ સ્ટાફની ભારે અછત વર્તાઈ રહી છે. આ સ્થિતિ ને પહોંચી વળવા માટે જી.જી હોસ્પિટલ ના તંત્ર દ્વારા નર્સિંગ સ્ટાફની ભરતી ની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી રહી છે. એમ જે સોલંકી નામની ખાનગી પેઢી દ્વારા આઉટ સોર્સિંગ થી હોસ્પિટલ માં નર્સિંગ સ્ટાફની હંગામી ધોરણે ભરતી કરવામાં આવી રહી છે. જેઓ ને પ્રતિમાસ 13,000 ના પગાર ધોરણથી હોસ્પિટલમાં સેવા આપવા માટેના કોલલેટર અપાઈ રહ્યા છે. જેના ભાગરૂપે આજે 58 નર્સિંગ સ્ટાફ કે જેઓએ (જી.એન.એમ) નર્સિંગનો કોર્સ કરેલો હોય અથવા બીએસસી થયેલા હોય તેવા તમામ ઉમેદવારોને ભરતી કરવામાં આવી રહ્યા છે, અને આ પ્રક્રિયા અવિરત ચાલુ રાખવામાં આવી છે. જેઓ પાસેથી બે સપ્તાહ માટે કોવિડ બિલ્ડિંગમાં જ્યારે બે સપ્તાહ માટે જનરલ વિભાગમાં સારવાર માટેની કામગીરી કરાવવામાં આવશે. કુલ 200 થી વધુ નર્સિંગ સ્ટાફની ભરતી પ્રક્રિયા હાથ ધરાશે.
મોરબીની સરકારી-ખાનગી હોસ્પિટલોમાં લાગવગીયાઓને દાખલ કરાતા હોવાની રાવ
મોરબી જીલ્લામાં કોરોના ભયંકર રૂપ ધારણ કરી ચૂક્યો છે ત્યારે મોરબીની 100 બેડની સિવિલ હોસ્પિટલના તમામ બેડ કોરોનાના દર્દીઓથી ભરાઈ ગઈ છે તો ખાનગી હોસ્પિટલમાં પણ બધા બેડ ભરાઈ જતા કોઈ દર્દી કોરોના પોઝિટિવ હોય અને એને ઓક્સિજનની જરૂર હોય તો ભગવાન ભરોસે હોય તેવી સ્થિતિ ઉભી થઇ ચૂકી છે એટલું જ નહીં આવડા મોટા જીલ્લાની સિવિલ હોસ્પિટલમાં ફક્ત 10 વેન્ટિલેટર ની સુવિધાઓ જ છે જે અત્યંત શરમજનક બાબત ગણી શકાય તેમ છે. બીજી બાજુ જીલ્લામાં જેટલા કેસ છે એમાં અડધા પણ તંત્ર દ્વારા બતાવવામાં આવતા નથી અને તંત્ર ફક્ત મોટા મોટા બણગાં મારી સંતોષ માની લે છે જેમાં બે દિવસ પૂર્વે જિલ્લા કલેકટરે પત્રકાર પરિષદ યોજી કોરોના પેશન્ટ માટે 500 બેડની સુવિધા ઉપલબ્ધ કરવાનો વાયદો આજે ખોખલો સાબિત થયો છે જેના કારણ કે ઘુંટુ સ્થિત કોવિડ કેર સેન્ટરમાં પણ ઓક્સિજન સહિતની કોઈ સુવિધા ઉપલબ્ધ ન હોય કોરોનાના ગંભીર દર્દીઓને હવે અન્ય શહેરમાં દોડી જવું પડે તેવી નોબત આવી છે, જો કે રાજકોટમાં પણ ગંભીર સ્થિતિ હોય દર્દીઓને ખાનગી કે સરકારી દવાખાનામાં સારવાર માટે અત્યંત મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તો જિલ્લા આરોગ્ય તંત્ર ના અધિકારીઓ પણ કોવિડ પોઝિટિવ આવતા એક બીજા પર પાણી ઢોર કરી રહ્યા છે હાલમાં સરકાર દ્વારા નવો નિયમ અમલી બનાવી કોરોનાનો આરપીટીસીઆર પોઝિટિવ રિપોર્ટ હોય તેવા દર્દીઓને જ સંજીવની સમાન રેમડીસીવીર ઇન્જેક્શન આપવાનો શિરસ્તો અપનાવતા અનેક એવા દર્દી પરેશાન થઈ રહ્યા છે કે જેમનો રિપોર્ટ હજુ આવવો બાકી છે પરંતુ તેમની હાલત નાજુક છે, આ સંજોગો રાજ્ય સરકાર સત્વરે આ નિયમ માં બદલાવ લાવે તે જરૂરી હોવાનું ખુદ તબીબી વર્તુળો જણાવી રહ્યા છે. મોરબી જિલ્લામાં હાલ તો જિલ્લા આરોગ્ય વિભાગના આંકડા છૂપાવવાના ખેલમાં કોરોના વિસ્ફોટ થતા સમગ્ર આરોગ્ય તંત્ર, સિવિલ હોસ્પિટલ તંત્ર, કલેકટર સહિતના જિલ્લાના ઉચ્ચ અધિકારીઓએ છેલ્લા પંદર દિવસમાં ગંભીર બનેલી પરિસ્થિતિને હળવાશથી લેતા આજે કોરોના યમરાજ બનીને અટ્ટહાસ્ય કરી રહ્યો છે અને આ પરિસ્થિતિ માટે જીતના જશન મનાવવા ભીડ ભેગી કરનાર નબળી નેતાગિરી પણ એટલી જ જવાબદાર હોવાનું આજે સ્પષ્ટ બન્યું છે.ત્યારે હવે મોરબી વાસીઓ જાય તો ક્યાં જાય એ પણ મોટો પ્રશ્ન ઉભો થયો છે મોટા મોટા કાર્યક્રમોમાં હાજરી આપતા બાબુઓ કેમ દેખાતા નથી આવા સવાલો મોરબી વાસીઓ સોશ્યલ મીડિયામાં પણ લોકો કરી રહ્યા છે ત્યારે મોરબીની પ્રજામાં ભારે રોષ અને નારાજગી જોવા મળી રહી છે.

રિલેટેડ ન્યૂઝ