ઓક્સિજન પૂરો પાડો, નહીંતર લાશોના ઢગલા થશે: અખઅ

મુખ્યમંત્રીને અમદાવાદ મેડિકલ એસો.નો ગંભીર પત્ર

(પ્રતિનિધિ દ્વારા)
અમદાવાદ તા.15
ગુજરાતની સાથે દેશભરમાં કોરોનાથી સ્થિતિ ગંભીર બની છે. તેમાં અમદાવાદ શહેર પણ બાકાત રહ્યું છે. અમદાવાદ, સુરત, વડોદરા તથા રાજકોટ શહેરમાં ડોક્ટરો ઓક્સિજનની અછતથી દર્દીઓની સારવાર કરવામાં લાચાર બન્યા છે. એવામાં અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને વિનંતી
કરવામાં આવી છે કે ઓક્સિજન સપ્લાયનો 100 ટકા જથ્થો હેલ્થ સેક્ટરને પૂરો પાડવામાં આવે નહીંતર શહેરના મૃત્યુદરમાં હજુ પણ વધારો થઈ શકે છે.
અમદાવાદ મેડિકલ એસોસિયેશનના પ્રેસિડેન્ટ ડો. કિરીટ ગઢવી, સેક્રેટરી ડો. ધીરેન મહેતા તથા પૂર્વ પ્રેસિડેન્ટ ડો. મોના દેસાઈ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખીને તાત્કાલિક ઓક્સિજન સપ્લાય આપવા માટે વિનંતી કરાઇ છે.
અમદાવાદ મેડિકલ એસોસિયેશનના પત્રમાં લખાયું છે કે, દેશભરમાં કોરોના વાયરસની મહામારીથી સ્થિતિ ગંભીર છે, જેમાંથી આપણું અમદાવાદ પણ બાકાત નથી. એક એસોસિએશન તરીકે અમે મેડિકલ સમાજનું પ્રિતિનિધિત્વ કરતા તમને તાત્કાલિક ઓક્સિજન સપ્લાયની અછતના મામલામાં ધ્યાન આપવા વિનંતી કરી રહ્યા છીએ. દરેક હોસ્પિટલમાં દર્દીને ત્યારે જ દાખલ કરાયે છે જ્યારે ઓક્સિજન લેવલ ઓછું થાય. પરંતુ કોવિડ હોસ્પિટલોમાં ઓક્સિજનની અછતના કારણે ડોક્ટર્સ દર્દીઓની સારવાર કરવામાં અસમર્થ છે.
પત્રમાં આગળ કહેવાયું છે કે, જો આગળ આવી જ સ્થિતિ રહી તો મૃત્યુઆંક વધશે અને ડોક્ટર્સ પરના હુમલાના બનાવો પણ વધશે એવામાં ડોક્ટર્સે ઓક્સિજનના સપ્લાયની અછતના કારણે તેમની હોસ્પિટલ બંધ કરવી પડશે અને પરિણામે સ્થિતિ વધુ ખરાબ થશે. ઉપરની સ્થિતિને ધ્યાનમાં રાખીને અમે તેમને વિનંતી કરીએ છીએ કે મેન્યુફેક્ટરોને પ્રોડક્શનના 100 ટકા ઓક્સિજન સપ્લાય હેલ્થ સેક્ટરમાં પ્રાયોરિટી સાથે આપવાના આદેશ આપવામાં આવે અને બીજે ક્યાંય નહીં, કારણ કે માણસનું જીવન મહત્વનું છે.
નોંધનીય છે કે, થોડા દિવસો પહેલા જ અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ એસોએશનના વોટ્સએપ ગ્રુપમાં ડોકટરો દર્દીઓ માટે ઓક્સિજન મેળવવા એકબીજાની મદદ માગી રહ્યા હતા. કોરોનાની સારવાર લઈ રહેલા મોટી સંખ્યામાં દર્દીઓને ઓક્સિજનની જરૂરિયાત ઉભી થતા અનેક હોસ્પિટલમાં ઓક્સિજનની ઉણપ વર્તાઈ રહી છે.
એક ડોક્ટરે ઓક્સિજનની માગણી કરતા સામેથી જવાબ મળ્યો, 2 થી 3 કલાકમાં ઓક્સિજન પૂર્ણ થઈ જશે, બીજો કોઈ વિકલ્પ નથી. આમ તેઓ મદદ માટે ગુહાર લગાવી રહ્યા છે.

રિલેટેડ ન્યૂઝ