ગુજરાત ડૅન્જર હર્ડ ઈમ્યૂનિટી તરફ

વાયરસે તમામ અનુમાનો ખોટાં પાડ્યાં, તમામ સિધ્ધાંતોને ઘોળી પીધાં, વાયરસ ક્યારે પૂરો થશે કહી શકાય નહીં: ટાસ્ક ફોર્સના નિષ્ણાંત સભ્ય ડો.તેજસ પટેલ

(પ્રતિનિધિ દ્વારા)
અમદાવાદ તા.16
રાજ્યમાં કોરોના હવે કાબૂમાં રહ્યો નથી અને દિવસે ને દિવસે પરિસ્થિતિ વધુ ગંભીર બની રહી છે. હાલ દરરોજ 7000થી વધુ કેસ અને 70 વધુ લોકોનાં મોત થવા લાગ્યાં છે તેમજ કુલ કેસો 3,75,000ની નજીક પહોંચી ગયા છે, જેને પગલે હાઈકોર્ટ પણ સરકારની કામગીરીથી નારાજ છે. માર્ચથી શરૂ થયેલી બીજી લહેરે રાજ્યના આરોગ્ય સેવાની પોલ ખોલી દીધી છે. હાલ ઓક્સિજનથી લઈ રેમડેસિવિર ઈન્જેક્શન અને બેડ વિના લોકો તડપીને મોતને ભેટી રહ્યા છે. ગુજરાતની આ સ્થિતિ પાછળ કોમ્યુનિટી ટ્રાન્સમિશન જવાબદાર છે કે બીજું કંઈ?
કોમ્યુનિટી ટ્રાન્સમિશન અંગે ગુજરાત સરકારની કોવિડ ટાસ્કફોર્સના સભ્ય અને વિખ્યાત કાર્ડિયોલોજિસ્ટ ડો.તેજસ પટેલે જણાવ્યું હતું કે આપણે હવે કોમ્યુનિટી ટ્રાન્સમિશનથી આગળ જતા રહ્યા છીએ. હાલ તો એક ઘર છોડીને એક ઘરના દરવાજે કોવિડ ઊભો છે. હવે આપણે હર્ડ ઈમ્યુનિટી તરફ જઈ રહ્યા છીએ એવું લાગી રહ્યું છે. આ ખરાબ એપિસોડ પતે એટલે અમુક સમયગાળામાં દેશની 70 ટકા વસતિને કાં તો કોવિડની અસર થઈ હોય અથવા તો વેક્સિનેશન થઈ જાય, એટલે હર્ડ ઈમ્યુનિટી આવી જાય. આ વાયરસ અંગે કોઈનાં અનુમાનો સાચાં પડ્યાં નથી, વાયરોલોજીના તમામ સિદ્ધાંતો ઘોળીને પી ગયો છે. વાયરસ ક્યારે પૂરો થશે એ કહી શકાય નહીં, પણ હું ઈચ્છું કે નવા વેવ ન આવે અને આ જ ફાઈનલ વેવ હોય.
કોરોના વકર્યો એટલે કોમ્યુનિટી ટ્રાન્સમિશન થઈ રહ્યું છે: ડો.હેતલ ક્યાડા
રાજકોટમાં કોરોના બોડીની એટોપ્સી કરનાર ડો.હેતલ ક્યાડાએ ઉશદુફઇવફતસફિ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કોમ્યુનિટી ટ્રાન્સમિશનને કારણે કોરોના વકર્યો છે એવું નથી, પરંતુ કોરોના વકર્યો એટલે કોમ્યુનિટી ટ્રાન્સમિશન થઈ રહ્યું છે. હવે આટલા બધા કેસમાં કોન્ટેક્ટ ટ્રેસિંગ અશક્ય છે. પહેલા કોરોના આવતો ત્યારે ટ્રેસ કરી કોન્ટેક્ટ ખબર પડી જતા હતા. પ્રથમ લહેરમાં લોકોની આખી ટ્રાવેલ હિસ્ટ્રી પણ ચકાસવામાં આવતી. હવે આટલા બધા કેસમાં આ શક્ય જ નથી, માટે લોકો સ્વેચ્છાએ જાગ્રત બને અને પોઝિટિવ આવે તો સામેથી જ સંપર્કમાં આવેલા લોકોને કહી દે કે તમે મારા સંપર્કમાં આવ્યા હોય તો ટેસ્ટ કરાવી લેજો.
ડો. હેતલ ક્યાડાએ આગળ કહ્યું હતું કે કોમ્યુનિટી ટ્રાન્સમિશનને કારણે કોરોના વધુ ને વધુ ફેલાય છે એવું ન કહી શકાય. કોરોનાની નવી લહેર ખૂબ જ તીવ્ર છે અને ઝડપથી અસર કરે છે, જેને કારણે કોમ્યુનિટી ટ્રાન્સમિશન થાય છે, જે ચિંતાનો વિષય છે. કોમ્યુનિટી ટ્રાન્સમિશન એક પ્રકાર છે. એ વધવાનું કારણ નથી. કોમ્યુનિટી ટ્રાન્સમિશન એટલે સામુદાયિક સંક્રમણ, જેમાં તમે તેની કોન્ટેક્ટ હિસ્ટ્રી ન શોધી શકો, એટલે કે ક્યાંથી ચેપ લાગ્યો એ જાણી ન શકો એ કોમ્યુનિટી ટ્રાન્સમિશન.

રિલેટેડ ન્યૂઝ