ખંભાળિયાનું સીટી સ્કેન સેન્ટર અનેક દર્દીઓ માટે આશીર્વાદરૂપ

દૈનિક 200 જેટલા દર્દીઓના સીટી સ્કેન મારફતે થાય છે ચોક્કસ નિદાન

ખંભાળિયા, તા.3
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું એક માત્ર સીટી સ્કેન સેન્ટર કે જે જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં કાર્યરત છે, અહીં દૈનિક આશરે 200 જેટલા દર્દીઓના સીટી સ્કેન મારફતે ચોક્કસ નિદાન મેળવી દર્દીઓને ભારે સુગમતા સાથે રાહત બની રહે છે. ખંભાળિયામાં છેલ્લા આશરે પાંચેક વર્ષથી કાર્યરત નિદાન ઇમેજિંગ સેન્ટર કે જ્યાં વિવિધ પ્રકારના રોગોની સોનોગ્રાફી તપાસ ઉપરાંત છેલ્લા આશરે ત્રણેક વર્ષથી અહીં સીટી સ્કેન સેવા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. આ સેન્ટરના મુખ્ય સંચાલક ડો. ભાવેશ ધારવિયા દ્વારા હાલની વિકટ પરિસ્થિતિમાં પણ દિવસ-રાત જોયા વગર અવિરત રીતે દર્દીઓના સીટી સ્કેન તથા નિદાન કરવામાં આવે છે. અહીં વિવિધ પ્રકારના રોગો ઉપરાંત મુખ્યત્વે કોરોના માટે એચ.આર.સી.ટી. ચેસ્ટ અંગે નિદાન મેળવી તેના પરથી દર્દીઓની ત્વરિત સારવાર શક્ય બની છે. અત્રે આવેલા જિલ્લાના એકમાત્ર સીટી સ્કેન સેન્ટરમાં મુખ્ય સંચાલક ડોક્ટર ભાવેશ ધારવીયા તથા વિશાળ સ્ટાફ કોરોના મહામારી વચ્ચે પણ પોતાની પરવા કર્યા વગર નૈતિક જવાબદારી સમજી, અવિરત રીતે કામગીરી કરે છે. આ નિદાન સેન્ટરમાં સંચાલક ડોક્ટર ભાવેશભાઈ દ્વારા માનવતાવાદી અભિગમ દાખવી દિવસ રાત કામ કરી રહેલા સ્ટાફની પણ સુરક્ષા સાથે તેઓને સંપૂર્ણ પણે વળતર આપવામાં આવે છે. એટલું જ નહીં, તેમના દ્વારા સામાજિક સેવા કાર્યોમાં પણ સહયોગ અને અનુદાન આપવામાં આવે છે. હાલની પરિસ્થિતિમાં જિલ્લાનું એકમાત્ર સીટી સ્કેન સેન્ટર કે જે કોઇપણ જાતનો ભાવ વધારો ન લઈ અને દિવસ-રાત જોયા વગર તથા સરકારના નિયમ મુજબ સાથે ગરીબ દર્દીઓને રાહત પણ આપે છે. આ સેન્ટર જિલ્લાના હજારો દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થયું છે.

રિલેટેડ ન્યૂઝ