મિશ્ર હવામાન વચ્ચે જૂનાગઢમાં સતત બીજા દિવસે માવઠું

એક બાજુ તડકો અને બીજી તરફ ચાલુ હતી મેઘસવારી: સોરઠવાસીઓ કુદરતના વિચિત્ર નઝરાથી અવાચક

(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.3
જૂનાગઢમાં એક તરફ કોરોના હાહાકાર મચાવી રહ્યો છે, ત્યારે બીજી બાજુ મિશ્ર વાતાવરણ વચ્ચે આજે સાંજે સતત બીજા દિવસે માવઠું અને બપોરે જુનાગઢ મહાનગરમાં ભેદી ધડાકો થતાં જૂનાગઢવાસીઓમાં ફફડાટ સાથે ભયનો માહોલ ફેલાઈ જવા પામ્યો છે, અને કુદરત શું કરવા બેઠો છે ? તેવી અત્ર-તત્ર-સર્વત્ર ચર્ચાઓ ચાલી રહી છે.
જૂનાગઢ શહેર સહિત જિલ્લાભરમાં કોરોના એ ચારેકોર હાહાકાર મચાવ્યો છે અને સંક્રમિત દર્દીઓ તથા કોરોના ગ્રસ્ત દર્દીઓના મૃત્યુનો આંક પર સતત ઉંચો જઈ રહ્યો છે જેને લઇને જૂનાગઢ સહિત સમગ્ર જિલ્લાના લોકો કોરોનાથી ચિંતિત છે, અને કોરોનાથી ભયનો માહોલ ફેલાયો છે.
દરમિયાન આજે બપોર બાદ સવા ચાર વાગ્યાના અરસામાં ધોમ ધખતા તાપ વચ્ચે લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી રહ્યા હતા એ જ સમયે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને આકાશમાં તડકા સાથે વાદળોના કંઈક અલગ જ નજારા સાથે એકાએક વરસાદ ત્રાટક્યો હતો. આ વરસાદના કારણે રોડ ઉપરથી પાણી વહી જવા પામ્યા હતા, તો શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણીના ખાબોચિયા ભરાઈ જવા પામ્યા હતા જો કે આજના માવઠાને લઈને જૂનાગઢ મહાનગરમાં ઉનાળામાં શિયાળા જેવી ઠંડક ફેલાઈ છે,પરંતુ તેની સામે ખેડૂતોમાં પાક નિષ્ફળ જવાની ભીતિ ઊભી થવા પામી છે. હાલમાં ખેતરમાં મગ, બાજરી, તલ, ઉનાળુ મગફળી સહિતના પાક ઊભા છે ત્યારે કમોસમી માવઠું થતાં ખેડૂતોમાં ચિંતાનું મોજુ પ્રસરી વળ્યું છે.

રિલેટેડ ન્યૂઝ