સૌરાષ્ટ્ર-કચ્છમાં દર બે કલાકે 15ને ભરખી જતી મહામારી; 178ના મોત

પોઝિટીવ કેસ બે દિવસ ઘટ્યા બાદ આજે ફરી ઉછાળો; 2978 લોકો સંક્રમિત

રાજકોટમાં 76, જામનગરમાં 71, ભાવનગરમાં 10, જૂનાગઢમાં 7, સુ.નગરમાં 4, કચ્છમાં 3, અમરેલી-દ્વારકામાં 2-2, મોરબી, બોટાદ અને સોમનાથમાં 1-1 દર્દીએ દમ તોડ્યો

(પ્રતિનિધિ દ્વારા)
રાજકોટ તા.4
સૌરાષ્ટ્ર-કચ્છમા કોરોનાની મહામારીએ ભયંકર સ્વરૂપ ધારણ કર્યું હોય તેમ દિનબદીન પોઝિટિવ કેસો અને મૃત્યુઆંકમા ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે.કોરોનાનું કાળ તાંડવ શરૂ થયું હોય તેમ 24 કલાકમાં 178 દર્દીના મોત નીપજ્યા હોવાનું તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટમાં 76, જામનગરમાં 71, કચ્છમાં 3, સુરેન્દ્રનગરમાં 4, જૂનાગઢમાં 7, ભાવનગરમાં 10, બોટાદમાં 1, અમરેલીમાં 2, દેવભૂમિ દ્વારકા 2, મોરબીમાં 1 અને ગીર સોમનાથમાં 1 દર્દીએ સારવારમાં દમ તોડ્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં ફરી સંક્રમણ વધતા 24 કલાકમાં વધુ 2978 નવા કેસ નોંધાયા છે.જેમાં રાજકોટમાં 726, જામનગરમાં 728, અમરેલીમાં 108, ગીરસોમનાથમાં 149, જૂનાગઢમાં 350, મોરબીમાં 104, ભાવનગરમાં 472, દેવભૂમિ દ્વારકામાં 57, સુરેન્દ્રનગરમાં 62, પોરબંદરમાં 37, બોટાદમાં 23 અને કચ્છમાં 162 વ્યક્તિ કોરોના સંક્રમિત થયા છે. જ્યારે કોરોનાની સારવાર લઈ રહેલા 1926 દર્દી સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
રાજકોટ
રાજકોટ શહેર-જિલ્લામાં હાહાકાર મચાવતા કોરોનાથી આજે રાજકોટ શહેર-જીલ્લામાં રેકોર્ડબ્રેક 76 દર્દીના મોત નીપજ્યા છે.જ્યારે 24 કલાકમાં નવા 726 કેસ નોંધાયા છે. જેમાં શહેરના 593 અને ગ્રામ્યના 133 દર્દીનો સમાવેશ થાય છે. જ્યારે રાજકોટમાં કોરોનાની સારવાર લઈ રહેલા 533 દર્દી સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.રાજકોટમાં કોરોનાનું સંક્રમણ અને મત્યુઆંક વધતા લોકોમાં ફફડાટ અને તંત્રમાં દોડધામ મચી ગયો છે.
જામનગર
જામનગર માં કોરોના નો કહેર હજુ પણ યથાવત જળવાયો છે, અને છેલ્લા 10 દિવસ થી કોરોના નું ભયાનક સ્વરૂપ જોવા મળી રહ્યું છે.આજે પણ કોવિડ હોસ્પિટલ મૃત્યુ આંક 71 નો નોંધાયો છે. આ ઉપરાંત કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો પણ સતત વધતો જઈ રહ્યો છે .આજે જિલ્લામાં માં 728 પોઝીટિવ કેસ નોંધાયા છે.આમ સમગ્ર જિલ્લામાં કોરોના નો વિસ્ફોટ યથાવત જોવા મળી રહ્યો છે, જેથી લોકોએ અત્યંત સાવચેત રહેવું જરૂરી છે. જોકે આજે 484 દર્દીઓ કોરોના મુક્ત બન્યા હતા. જે સારી બાબત છે.
જામનગર જિલ્લામાં કોરોના ના મૃત્યુ ના મામલે ભયાનક સ્થિતિ યથાવત રહી છે. સારવાર દરમિયાન દર એક કલાકે ત્રણ દર્દીઓ કોરોના ની સારવાર માં મૃત્યુ પામી રહયા છે. જામનગર માં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના ના કારણે સરકારી જી.જી.હોસ્પિટલમાં 71 દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે. જેથી જિલ્લામાં કુલ મૃત્યુ નો આંક 3,002 નો થયો છે. જો કે આજે સતાવાર મૃત્યુ આંક 11 નો જાહેર થયો છે.
સાથોસાથ કોરોના ના કેસો માં પણ જબરો ઉછાળો આવ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન જામનગર શહેરના 397 પોઝિટિવ કેસ નોંધાયા હોવાથી જામનગર શહેરનો કુલ કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો 16,579 નો થયો છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારના 331 પોઝિટિવ કેસ નોંધાયા હોવાથી જામનગર ગ્રામ્યનો કુલ આંકડો 8,725 નો થયો છે. અને સમગ્ર જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો 25,000 થી વધુ નો થયો છે . સાથોસાથ મૃત્યુનો દર પણ ખૂબ જ વધી ગયો છે, અને અત્યાર સુધીમાં કોરોના ના કારણે 3,002 થી વધુ દર્દીઓ કોરોના ની સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા છે.
ઉપરાંત છેલ્લા 24 કલાક દરમિયાન જામનગર શહેરના 301 અને ગ્રામ્યના 183 મળી 484 દર્દીઓને રજા આપવામાં આવી છે.
ભાવનગર
ભાવનગર જિલ્લામા આજરોજ 472 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 15,487 થવા પામી છે. જેમા ભાવનગર શહેરી વિસ્તારમાં 251 પુરૂષ અને 140 સ્ત્રી મળી કુલ 391 લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે તાલુકાઓમાં ભાવનગર તાલુકામાં 38, ઘોઘા તાલુકામાં 4, તળાજા તાલુકામાં 2, મહુવા તાલુકામાં 12, ઉમરાળા તાલુકામાં 2, સિહોર તાલુકામાં 19, જેસર તાલુકામાં 3 તેમજ ગારીયાધાર તાલુકામાં 1 કેસ મળી કુલ 81 લોકોના કેસ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે.
આજરોજ ભાવનગર શહેર ખાતે રહેતા પાંચ કોરોના પોઝિટિવ દર્દીઓ તેમજ ગારીયાધાર ખાતે રહેતા એક દર્દી, ભાવનગર તાલુકાનાં વરતેજ ગામ ખાતે રહેતા એક દર્દી, ઘોઘા ખાતે રહેતા એક દર્દી, તળાજા તાલુકાનાં ટીમાણા ગામ ખાતે રહેતા એક દર્દી અને તળાજા તાલુકાનાં સોસીયા ગામ ખાતે રહેતા એક દર્દી મળી કુલ 10 દર્દીઓનું સારવાર દરમ્યાન અવસાન થયેલ છે.
જ્યારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમા 193 અને તાલુકાઓમાં 83 કેસ મળી કુલ 276 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ 7 દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.
આમ જિલ્લામા નોંધાયેલા 15,487 કેસ પૈકી હાલ 4,502 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે જિલ્લામાં 186 દર્દીઓનુ અવસાન થયેલ છે.
ગીર સોમનાથ
કોરોના મહામારીની બીજી લહેરમાં છેલ્લા ઘણા દિવસોથી ગીર સોમનાથ જિલ્લામાં કોરોના કેસો દિન-પ્રતિદિન નવા રેકર્ડ સર્જી રહ્યાં છે. આજે ફરી કેસોની સંખ્યામાં વઘારો નોંઘાયો છે. જિલ્લામાં આજે નવા 144 કેસો નોંધાયા છે. જેમાં વેરાવળમાં 37, સુત્રાપાડામાં 21, કોડીનારમાં 11, ઉનામાં 30, ગીરગઢડામાં 15, તાલાલામાં 30 કેસો નોંઘાયા છે. આજે જીલ્લામાં કોડીનાર ખાતે એક દર્દીનું સારવાર દરમ્યાન મૃત્યુ નોંઘાયેલ છે. આજે સારવારમાં રહેલા એક પણ દર્દીઓએ રજા આપવામાં આવેલ નથી.
જિલ્લામાં એક તરફ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. બીજી તરફ રસીકરણની કામગીરી પણ પુરજોશમાં ચાલી રહી છે. અત્યાર સુઘીમાં ગીર સોમનાથ જિલ્લામાં 1 લાખ 71 હજાર 037 લોકોને કોરોના રસીથી સુરક્ષિત કરાયા છે. જ્યારે આજે વઘુ 629 લોકો ને જ રસીકરણ આપવામાં આવેલ છે.
જીલ્લામાં કોરોનાની વેકસીનનો જથ્થો પણ ખલાસ
વેરાવળમાં સીનીયર સીટીઝન ચેરીટેબલ ટ્રસ્ટ તથા લોક જાગૃતિ મંચ દ્વારા આરોગ્ય વિભાગના સહયોગથી કોરોનાની વેકસીનના બીજા ડોઝનું આયોજન તા.5 થી તા.7 સુધી બજરંગ વાડીમાં કરવામાં આવેલ પરંતુ જીલ્લા આરોગ્ય વિભાગ પાસે હાલ વેકસીન ઉપલબ્ધ ન હોવાથી આ રસીકરણ આપવાનો કાર્યક્રમ મુલત્વી રાખવામાં આવેલ હોવાનું દીપકભાઇ ટીલાવતે એક યાદીમાં જણાવેલ છે.
ગીર-સોમનાથ જીલ્લામાં કોરોના વેકસીનનો જથ્થો ઓછો હોવાથી જીલ્લામાં અનેક સેન્ટરો આજે બંધ રહેલ હતા જયારે અમુક સેન્ટરો પર મર્યાદીત લોકોને જ વેકસીનેશન આપેલ હતું. આમ, જીલ્લામાં કોરોનાની સંક્રમણની સંખ્યામાં વધારાની સાથે વેકસીનનો જથ્થો પણ ખુટવા લાગતા કામગીરી ખોરંભે પડેલ છે ત્યારે સરકાર જીલ્લામાં જરૂરી વેકસીનનો જથ્થો ફાળવે તેવી માંગ લોકોમાંથી ઉઠી છે.
સુરેન્દ્રનગર
પાટડીયાના જાણીતા ડોકટર નટવરલાલ સોનાી જેઓ દર્દીઓના ખુબ સારી સારવાર કરતા હતા તેમણું કોરોનાથી મોત થતા ભારે શોક ફેલાયો છે. જ્યારે ધ્રાંગધ્રા નાયબ કલેકટર ભાવેશભાઇ દવેએ જણાવેલ છે કે હાલ કોરોના દર્દીઓની રીકવરી રેટ વધતો જાય છે. પહેલા કરતાં કોરોનાના પોઝીટીવ કેસ ઘટતા હોવાનું આરોગ્ય વિભાગે જણાવેલ છે.

રિલેટેડ ન્યૂઝ