મેઘરાજાના મંગળિયા વર્તાય છે

(પ્રતિનિધિ)
અમદાવાદ તા.7
સતત બે વર્ષથી રાજ્યમાં ચોમાસા દરમિયાન સામાન્ય કરતા 30થી 35 ટકા વધુ વરસાદ નોંધાયા બાદ ચાલૂ વર્ષે ફરીએક વાર રાજ્યમાં વરસાદ સામાન્ય રહેવાની શક્યતા છે. એટલે કે આ વર્ષે રાજ્યમાં 800 મિલીમીટરથી લઈ 1000 મિલીમીટર વચ્ચે વરસાદ નોંધાય તેવી શક્યતા છે.
હવામાન એક્સપર્ટના જણાવ્યા મુજબ આ વર્ષે 26થી 29 મે વચ્ચે કેરળમાં ચોમાસુ સક્રિય થવાની શક્યતા છે. કેરળમાં ચોમાસુ સક્રિય થયા બાદ લગભગ એક અઠવાડિયા પછી ગુજરાતમાં પ્રીમોન્સુન એક્ટિવીટી શરૂ થાય છે અને 15 જૂન સુધી ચોમાસુ શરૂ થતું હોય છે. આ વર્ષે પણ નિર્ધારિત સમય મુજબ જ રાજ્યમાં 15 જૂનની આસપાસ વરસાદ શરૂ થવાની સાથે અમદાવાદમાં 20થી 25 જૂન વચ્ચે ચોમાસુ શરૂ થવાની શક્યતા છે. વધુમાં રાજ્યમાં સામાન્ય રીતે 840 મિલીમીટર જેટલો વરસાદ થાય છે. તેની સામે વર્ષ 2019 અને 2020માં રાજ્યમાં સામાન્ય કરતા 30થી 35 ટકા વધુ વરસાદ નોંધાયો હતો. પરંતુ આ વર્ષે વરસાદ સામાન્ય રહેવાની સાથે રાજ્યમાં 800થી 1000 મિલીમીટર જેટલો વરસાદ નોંધાઈ શકે છે. તેમ છતાં વાતાવરણમાં આવતા ફેરફારના કારણે ઘણીવાર અચાનક રચાતા લોપ્રેશરને કારણે પણ વરસાદમાં વધઘટ થવાની શક્યતા રહેતી હોય છે.

રિલેટેડ ન્યૂઝ