કોરોનામાં મૃતકોને 4-4 લાખની સહાય આપો

(પ્રતિનિધિ)
અમદાવાદ તા.10
રાજ્યમાં કોરોનાવાયરસથી કેસ ઘટ્યા છે, પરંતુ ગામડાંમાં સ્થિતિ ખૂબ જ ગંભીર બની રહી છે. ટેસ્ટિંગની સુવિધા તથા સારવારના અભાવે ગામડાંમાં કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. બીજી તરફ સરકાર દ્વારા કોરોનાથી થઈ રહેલાં મોતના આંકડાઓ સાચા ન બતાવાતા હોવાના ઘણા આક્ષેપો થઈ ચૂક્યા છે. ત્યારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા દ્વારા પ્રેસ-કોન્ફરન્સ કરીને સરકાર પર આક્ષેપો કરવામાં આવ્યા છે. એમાં સરકારના સરકારનો અણઘડ વહીવટને કારણે રાજ્યમાં ભય અને અંધાધૂંધીનો માહોલ સર્જાયો હોવાનો આરોપ કરાયો છે, સાથે જ આખા રાજ્યમાં 2 લાખ જેટલા લોકોનાં મોત થયાં હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. અમિત ચાવડાએ પ્રેસ-કોન્ફરન્સમાં સરકાર પર આક્ષેપ કરતાં કહ્યું છે, ગુજરાતમાં કોરોનાની ગંભીર પરિસ્થિતિ છે, ભય અંધાધૂંધી છે. બેડ, ઓક્સિજન, વેન્ટિલેટર ખૂટી પડ્યાં છે. આ માટે સરકારનો અણઘડ વહીવટ અને સંકલન જવાબદાર છે. દરેક ડિઝાસ્ટર એક્ટનાં બે પાસાં હોય છે, જેમાં શિક્ષાત્મક પાસું અને કલ્યાણ પાસું. નેશનલ ડિઝાસ્ટર એક્ટ મુજબ કુદરતી આપદા હોય અને લોકો મૃત થાય તો સહાય કરવામાં આવે છે.
કોરોના મહામારીમાં 13 મહિનામાં જેટલા લોકોનાં મૃત્યુ થયાં છે તે તમામના પરિવારને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ મુજબ સરકાર 4 લાખની સહાય જાહેર કરે એવી માગ છે. સાચી હકીકત કંઈ અલગ છે. સરકાર નિષ્ઠુર બની મોતના આંકડા છુપાવી રહી છે. લોકોનાં મોત સામે સરકાર રમત રમી રહી છે. ગુજરાત કોંગ્રેસ કોરોનાથી થયેલાં મોતના પરિવારની માહિતી મેળવશે. ગૂગલ ફોર્મમાં માહિતી ભરી આપશે, એના આધારે કોંગ્રેસ સરકારમાં રજૂઆત કરશે.

રિલેટેડ ન્યૂઝ