એક તરફી પ્રેમમાં મહિલાને છરી ઝીંકનારા શખ્સને 10 વર્ષની કેદ

પાલીતાણાની ઘટનામાં પાટણના શખ્સને સજા ફટકારતી ભાવનગર કોર્ટ

(પ્રતિનિધિ દ્વારા)
ભાવનગર તા.9
ભાવનગર જિલ્લાના તિર્થ નગરી પાલિતાણામાં મોહનબાગ ધર્મશાળામાં રહેતા મુળ પાટણના વતની એવા અલ્પેશ ભીખાભાઇ ખાખડીયા ઠાકોર ઉ.વ.30નામના શખ્સે એક તરફી પ્રેમમાં પાગલ બની મહિલાને છરીઓના ઘા ઝીંકી દઇ ઇજા કરવાના બનાવનો કેસ ભાવનગર ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં ચાલી જતા આરોપીને દસ વર્ષની સજા ફટાકારી હતી.
બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ પાલિતાણા મોહનબાગ ધર્મશાળામાં રહેતા અલ્પેશ ભીખાભાઇ ખાખડીયા ઉ.વ.30નામનો યુવાન એક મહિલા સાથે એક તરફી પ્રેમમાં પાગલ બનેલ અને ગત તા. 09-10-2013ના રોજ સાંજના સમયે રસ્તામાં મહીલાને ઉભી રાખી, ધાક-ધમકી આપી, બળજબરી કરી, છરીઓના ઘા ઝીંકી ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયેલ. બનાવ અંગે મહિલાના પતિએ અલ્પેશ વિરુધ્ધ ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરેલ. આ બનાવ અંગેનો કેસ આજરોજ ભાવનગર ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ વિપુલ દેવમુરારીની દલીલો અને આધાર, પુરાવા, સાક્ષી ગ્રાહ્ય રાખી ડિસ્ટ્રીક્ટ જજ આર.ટી. વાચ્છાણીએ ગુનો સાબિત માની આરોપી અલ્પેશને કસુરવાર ઠેરવી દસ વર્ષની સજા અને રોકડ રૂા. 10 હજારનો દંડ ફટકાર્યો હતો.

રિલેટેડ ન્યૂઝ