ગુજરાતમાં રાજકીય પરિવર્તનનો ‘ખોડલ તારો ખમકારો’!

નવ-નિર્માણ: ભાજપના પાટિલિઝમ પટેલિઝમનાં નિર્ણાયક જંગનો ખોડલધામથી શંખનાદ

ગુજરાતમાં થર્ડ ફ્રન્ટ (ત્રીજો મોરચો) સફળ નથી થતો તે હકીકતને ‘આપ’ જે રીતે
કામ કરી રહી છે, પલટાવી શકે છે

હવેથી લેઉઆ-કડવા નહીં પરંતુ પાટીદાર તરીકે જ ઓળખાશે સમૂચો પટેલ સમાજ
કાગવડમાં આગેવાનોનો ઐતિહાસિક નિર્ણય

કેશુબાપા પછી કોઈ પાટીદાર નેતાને મળવાપાત્ર સ્થાન મળ્યું નથી. ગુજરાતના આગામી ઈખ પાટીદાર હોવા જોઈએ તેવું સહુ ઈચ્છે છે


(પ્રતિનિધિ દ્વારા) રાજકોટ તા,12
ઘણાં લાં…બા સમયથી જેની અટકળો વહેતી થઈ હતી તે તરફ ગંભીર સંકેત આપતાં આજે લેઉવા પાટીદારોનાં સર્વોચ્ચ નેતા નરેશભાઈ પટેલે કહ્યું હતું કે, ગુજરાતમાં રાજકીય ક્ષેત્રે થર્ડ ફ્રન્ટ (ત્રીજો મોરચો) સફળ થતો નથી તે હકીકતને આમ આદમી પાર્ટી (આપ) જે રીતે કામ કરી રહી છે તે, પલ્ટાવી શકે છે! ગુજરાતના રાજકારણમાં અત્યંત ફેરબદલ સૂચવતા નિવેદનને આગળ ધપાવતા ‘ખોડલધામ’ના પ્રણેતાએ એમપણ ઉમેર્યું હતું કે, જાહેર જીવનના તમામ ક્ષેત્રમાં પાટીદારોનું સ્વાભાવિક વર્ચસ્વ હતું, છે અને હોવું જ જોઈએ તે અંગે આજે ખોડલધામ ખાતે મળનારી લેઉવા-કડવા પાટીદાર આગેવાનોની મહત્વપૂર્ણ બેઠકમાં નિર્ણાયક ચર્ચા થશે.
આજે કાગવડ ખાતેના ‘ખોડલધામ’માં ઉમિયાધામ ટ્રસ્ટના અને સુરતના પાટીદાર સમાજના આગેવાનોની મળેલી બેઠક પૂર્વે નરેશભાઈએ સાફ સાફ કહ્યું હતું કે, સંખ્યા અને સકારાત્મક યોગદાન બન્ને દ્રષ્ટિએ ગુજરાતમાં પાટીદાર સમાજની ‘વિશાળતા’ને અવગણી કે નકારી શકાય નહીં. પરંતુ, કેશુબાપા (કેશુભાઈ સવદાસભાઈ પટેલ)ને બાદ કરતાં પાટીદારોના કોઈ નેતાને મળવાપાત્ર સ્થાન મળ્યું નથી. તેઓએ એક પ્રશ્ર્નના ઉત્તરમાં સાફ-સાફ કહી દીધું હતું કે કોણ ન ઈચ્છે કે ગુજરાતના આગામી મુખ્યમંત્રી પદે પાટીદાર નેતા જ હોવા જોઈએ!
બેઠક બાદ પત્રકારોને સંબોધતા નરેશ પટેલ સહિતના પાટીદાર અગ્રણીઓએ એક ઐતિહાસિક નિર્ણય અંગે જણાવતાં કહ્યું હતું કે, હવેથી સમૂચા ગુજરાતનો લેઉઆ-કડવા પટેલ સમાજ પોતપોતિકી અલગ ઓળખથી નહીં બલ્કે કેવળ ‘પાટીદાર’ તરીકે જ ઓળખ પ્રસ્થાપિત કરશે.
ઉલ્લેખનિય છે કે ગુજરાતમાં લગભગ અઢી દસકાથી એકહથ્થુ સત્તા પર કાબિજ ભારતીય જનતા પક્ષમાં નરેન્દ્ર મોદીના નવીદિલ્હી ગયા પછી આંતરકલહ શરૂ થયો હતો જે હવે મૂળ મરાઠી એવા સી.આર.પાટીલના ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ બન્યા પછી ચરમસીમાએ છે. એક અવધારણા મુજબ 2022ની વિધાનસભાની ચુંટણી પૂર્વે ભાજપનું મોવડીમંડળ હાલના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને બદલાવી સી.આર.પાટીલને બેસાડવા ચોગઠાં ગોઠવી રહ્યું હોઈ, પાટીદાર સમાજમાં ભારે હલચલ મચી છે. ‘ગુજરાત મિરર’ને અત્યંત વિશ્ર્વસનિય સૂત્રો દ્વારા પ્રાપ્ત સંકેત મુજબ, આગામી ચૂંટણી પૂર્વે ગુજરાતના રાજકીય ક્ષેત્રે નિર્ણાયક એવો પાટીદાર સમાજ તેની ભાજપ-કોંગ્રેસ તરફની પરંપરાગત વફાદારી છોડી નવા જ પક્ષ (મોટેભાગે: આમ આદમી પાર્ટી)ને સમર્થન જાહેર કરવા ધારે છે. જોકે અધિકૃત રીતે હજુ કોઈ જાહેરાત થઈ નથી. પરંતુ, આજની કાગવડ સ્થિત ખોડલધામ ખાતેની પાટીદારોની બેઠક બાદ યોગ્ય સમયે ઘોષણા થઈ શકે છે. આમ ગુજરાતના રાજકારણમાં સૌથી મોટા પરિવર્તનનો પવન ફૂંકાવો એવો શરૂ થયો છે કે ખોડલધામ મંદિરની ધજા જેમ જેમ ફરકતી જશે, સ્થાપિત-રાજકીય પક્ષોમાં ફફડાટ વધતો જશે.
શનિવારે ઉમિયાધામ ટ્રસ્ટના હોદ્દેદારો સહિત કડવા પાટીદાર આગેવાનો ખોડલધામ જઇ રહ્યા છે. આ વાત જાહેર થતાં જ રાજકીય વર્તુળમાં પણ તરેહ તરેહની ચર્ચા શરૂ થઇ છે. આગેવાનો સવારે 10 વાગ્યે ખોડલધામે દર્શન કર્યા બાદ બપોરના 1.30 વાગ્યા સુધી હોદ્દેદારો વચ્ચે બેઠક પણ થવાની છે, 2021માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે કોઇ ચોક્કસ રણનીતિ માટે આ બેઠક યોજાઇ રહ્યાની રાજકીય વર્તુળમાં ચર્ચા શરૂ થઇ છે, આ બેઠક પર ગાંધીનગરથી વોચ શરૂ થઇ છે અને રાજ્યની ગુપ્તચર એજન્સી પણ આ બેઠક પર નજર રાખી રહી છે.
શનિવારે ખોડલધામમાં લેઉવા અને કડવા પાટિદાર સમાજના અગ્રણીઓ એકત્ર થઇ રહ્યા છે આ ઉપરાંત આગામી સપ્તાહમાં પણ ફરી વખત એક બેઠક મળે તેવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે, આ બેઠકમાં મહિલાઓની ઉપસ્થિતિ રહે તો નવાઇ નહી.

રિલેટેડ ન્યૂઝ