કેજરીવાલ સોમવારે ગુજરાત આવશે: ઈશરદાન ‘આપ’માં ?

ઈશરદાન ગઢવી ‘આપ’નો ચહેરો બનશે કે પાટીદારોનું મ્હોરું ?

(પ્રતિનિધિ દ્વારા) રાજકોટ, તા.12
ગુજરાતના રાજકારણમાં નવા જૂનીનાં એંધાણ વર્તાઈ રહ્યાં છે. ગુજરાતમાં 2022ની વિધાનસભાની ચૂંટણી માટે દરેક પક્ષ અત્યારથી કમર કસી રહ્યો છે. ગઈકાલે જ ગુજરાત ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ ગુજરાતના 3 દિવસના પ્રવાસે આવ્યા છે. આગામી 15મી જૂને ભાજપની સંગઠનની બેઠક મળવાની છે. એ પહેલાં જ આજે પાટીદાર સમાજની મળેલી બેઠકમાં નરેશ પટેલે ’આપ’નું ભવિષ્ય ઉજ્જવળ હોવાનું નિવેદન આપ્યું હતું. બીજી બાજુ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટીના નવા કાર્યાલયનું ઉદઘાટન કરવા માટે 14મી તારીખે અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે. એવામાં રાજ્યમાં મોટી રાજકીય ઊથલપાથલના સંકેત મળી રહ્યા છે.
ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ અત્યારથી તૈયારીઓ આરંભી દીધી છે. અમદાવાદના નવરંગપુરામાં 14મી જૂને આમ આદમી પાર્ટીના નવા કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવશે, જેના ઉદઘાટન માટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાત આવી રહ્યા છે. કેજરીવાલનું સવારે 10.20 કલાકે અમદાવાદમાં આગમન થશે. ત્યાર બાદ બપોરે તેઓ વલ્લભસદન ખાતે પ્રેસ-કોન્ફરન્સ કરશે. આ દરમિયાન ભૂતપૂર્વ પત્રકાર ઈશુદાન ગઢવી સહિતના આગેવાનો આપમાં જોડાવાની શક્યતા છે અને સાંજે કેજરીવાલ દિલ્હી પરત ફરશે.
વી-ટીવીના વિખ્યાત એન્કર પદેથી રાજીનામું આપી ‘લોક-હિત’માં કામ કરવાની જાહેરાત કરનારા ઈશરદાન ગઢવી વિશે પણ તરેહ-તરેહની ચર્ચાએ જોર પકડ્યું છે. તેમણે 20 જૂલાઈ સુધીમાં ખૂલાસો થઈ જશે તેવી વાત કરી છે. ઉલ્લેખનીય છે કે તા.14ને સોમવારે કેજરીવાલ ગુજરાતમાં એક દિવસની મુલાકાતે આવી રહ્યા હોય તે દિવસે ઇશરદાન પત્તા ખોલશે. હાલમાં મળતાં સંકેત મુજબ ઈશરદાન ગઢવી ગુજરાતમાં કાડૂં કાઢી રહેલી આમ આદમી પાર્ટીનો ચહેરો બને તેવી સંભાવના વચ્ચે નવી ચર્ચા મુજબ ઈશરદાન પાટીદારોનું રાજકીય મ્હૉરું પણ બને તો નવાઈ નહીં! ઈશરદાન ગુજરાતના ગ્રામિણ વિસ્તારોમાં ખાસ કરીને ખેડૂત આલમમાં અતિ લોકપ્રિય હોઈ, પાટીદારો તેમને કોઈપણ રીતે આગળ ધરી નવું રાજકીય ખેડાણ કરી શકે છે.

રિલેટેડ ન્યૂઝ