વાસુ હેલ્થકેરે ગ્રામીણ વિસ્તારમાં ડિજિટલ શિક્ષણને પ્રોત્સાહન આપવા જૂનાગઢની ભંડુરી પ્રાથમિક શાળાને 10 કમ્પ્યૂટર સિસ્ટમ્સ પૂરી પાડી

(પ્રતિનિધિ દ્વારા) જુનાગઢ,તા.21
ગ્રામીણ વિસ્તારમાં વિદ્યાર્થીઓને ટેક્નોલોજીની મદદથી ગુણવત્તાસભર શિક્ષણ મળી રહે તેવા ઉદ્દેશ્યથી વડોદરા સ્થિત વાસુ હેલ્થકેર પ્રાઈવેટ લિમિટેડે જૂનાગઢ જિલ્લાની ભંડુરી પ્રાથમિક શાળાને 10 કમ્પ્યૂટર સિસ્ટમ્સ ભેટ આપી છે. હર્બલ અને આયુર્વેદના ક્ષેત્રે અગ્રણી સ્થાન ધરાવતી વાસુ હેલ્થકેરે સ્કૂલમાં 2,700 ચોરસ ફૂટનો પ્રાર્થના હોલ પણ બનાવી આપ્યો છે. કંપની ગ્રામીણ વિસ્તારોમાં ગુણવત્તાપૂર્ણ શિક્ષણ અર્થે વધુ પહેલ આદરવા અને ’બેટી બચાવો’ અભિયાનને ટેકો આપવા માટે પ્રતિબદ્ધ છે.
ભંડુરી પ્રાથમિક શાળા જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીયા તાલુકાની ટોચની પાંચ શાળાઓમાં સ્થાન ધરાવે છે. આ શાળા આઠમા ધોરણ સુધી વિદ્યાર્થીઓને પ્રાથમિક શિક્ષણ પૂરું પાડે છે. શાળામાં 192 છોકરા અને 155 છોકરીઓ સહિત 347 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. શાળા દ્વારા ગુણવત્તા શિક્ષણ પૂરું પાડવાના લીધે જ આ વર્ષે ખાનગી શાળાઓમાંથી લગભગ 25 વિદ્યાર્થીઓએ આ શાળામાં પ્રવેશ લીધો છે. વિદ્યાર્થીઓમાં વાંચન પ્રવૃત્તિ વધારવા માટે શાળામાં 1,200 પુસ્તકોનું પુસ્તકાલય
પણ છે.
સમાજ પ્રત્યેનું ઋણ અદા કરવાની પરંપરાને આગળ ધપાવતા વાસુ હેલ્થકેરે સમાજના બહોળા હિતમાં, ખાસ કરીને શિક્ષણ, બેટી બચાવો અભિયાન, આરોગ્ય, ગ્રામીણ વિકાસ, મહિલા સશક્તિકરણ અને પર્યાવરણ ક્ષેત્રે અનેક પહેલ આદરી છે. પોતાના વતનમાં ગ્રામીણ વિકાસને સહાયરૂપ થવા માટે વાસુ પરિવાર દ્વારા આ પહેલ આદરવામાં આવી છે.
વાસુ હેલ્થકેર પ્રાઈવેટ લિમિટેડના સીએમડી હરિભાઈ પટેલે આ પહેલ અંગે જણાવ્યું હતું કે શિક્ષણ એ કોઈપણ સમાજનો પાયો છે અને આર્થિક તથા સામાજિક વિકાસ માટે મહત્વનું પરિબળ છે. સમાજના વિકાસ તથા સુખાકારી તેના શિક્ષણની ગુણવત્તા પર આધાર રાખે છે.

રિલેટેડ ન્યૂઝ