જગત મંદિર, સિગ્નેચર બ્રીજ, શિવરાજપુર બીચથી દ્વારકાને આંતરાષ્ટ્રીય ઓળખ મળશે: મુખ્યમંત્રી

શિવરાજપુર બીચના વિકાસકામોનુ: રૂબરૂ નિરીક્ષણ કરતા સી.એમ.

(પ્રતિનિધિ દ્વારા)
ખંભાળિયા તા. 21
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ શિવરાજપુર બિચની મુલાકાત લઇ ત્યાં થઇ રહેલા વિકાસ કાર્યોની સમીક્ષા કરતા જણાવ્યું હતું કે રાજય સરકારે સમુદ્ર, વન, પહાડો, રણ તથા પવિત્ર દેવસ્થાનોનો સર્વાંગી વિકાસ કર્યો છે. જેના થકી પ્રવાસન ક્ષેત્રે ગુજરાત આજે હરણફાળ ભરી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે બ્લુ ફલેગનો દરજજો પામેલ શિવરાજપુર બિચનો અત્યાધુનિક સુવિધાઓ થકી વિકાસ કરવામાં આવશે. જે દેશ-વિદેશના અનેક પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે અને દ્વારકા મંદિરે દર્શનાર્થે આવતા લાખો શ્રધ્ધાળુઓને પણ આ બિચનો વિશેષ લાભ મળશે.
મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજય સરકારે 1600 કિ.મી.ના વિશાળ દરીયાકાંઠા માંથી વિકાસ માટે શિવરાજપુર બિચની પસંદગી કરી છે. જેના 20 કરોડના ખર્ચે ફેઇઝ-1ના વિકાસ કામો હાલ પ્રગતિ હેઠળ છે. તેમજ ટુંક સમયમાં ફેઇઝ-2 ના કામો રૂા.80 કરોડના ખર્ચે હાથ ધરવામાં આવશે. જેની ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવેલ છે. ફેઇઝ-1 ના કામો માર્ચ મહિનામાં પુર્ણ થશે. જયારે ફેઇઝ-2 ની આગામી ઓગષ્ટ માસથી અમલવારી શરૂ થશે. આ બિચ ખાતે વોક-થ્રુ, ચેન્જીગ રૂમ, પીવાના પાણીની વ્યવસ્થા, ખાણી-પીણીના સ્ટોલ, પ્રવાસીઓની સુરક્ષા માટેના વોચ ટાવર, એન્ટરન્સ પ્લાઝા સહિતની સુવિધાઓ સમગ્ર ત્રણ કિ.મી. ના બિચ પર ઉભી કરી બિચને અત્યાધૂનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવશે. તેમજ જયાં ક્રીક છે ત્યાં બ્રિજની સુવિધા ઉભી કરાશે. ગોવા તથા આંતરરાષ્ટ્રીય કક્ષાના બની રહેલ આ બિચ પર દારૂબંધીની કડક અમલવારી કરાશે તેમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
આમ, બાળકોથી લઇ વડિલો સુધીના તમામ લોકોને પુરતૂં મનોરંજન મળી રહે તેની રાજય સરકારે ખાસ તકેદારી લીધી છે. શિવરાજપુર બિચ તમામ પ્રકારના માપદંડો પુર્ણ કરે તે માટે આંતરરાષ્ટ્રીય સ્થળના બિચ તૈયાર કરવાનો અનુભવ ધરાવતી એજન્સીને બિચના વિકાસનું કામ સોંપવામાં આવ્યું છે. આવનારા દિવસોમાં સમગ્ર ઓખામંડળ એ દ્વારકા મંદિર, સિગ્નેચર બ્રિજ તથા શિવરાજપુર બિચ થકી શોભી ઉઠશે.
શિવરાજપુર બિચ ખાતે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીને આઇ.એન.આઇ.ના આર્કિટેક શ્રી હર્ષ ગોયલ દ્વારા પ્રેઝન્ટેશન મારફતે બિચ ખાતે થઇ રહેલા તમામ વિકાસ કામોથી માહિતગાર કરાયા હતા. જયાં મુખ્યમંત્રીશ્રીએ નિર્માણાધિન અદ્યતન ભવનો, બ્રિજ, મુસાફરો માટેની સુવિધાઓ, પાર્કિંગ વ્યવસ્થા, લોકર રૂમ, ચેન્જ રૂમ, શાવર બ્લોક, કેન્ટીન, સ્કુબા ડ્રાઇવીંગ સહિતની વિગતો મેળવી જરૂરી માર્ગદર્શન પુરૂ પાડયું હતું અને આ તમામ વ્યવસ્થાઓ વાવાઝોડા જેવી આપદાઓ સામે પણ મજબુતીથી ટકી રહે તેવી બનાવવાનું સંવેદનશીલ સુચન કર્યું હતું.
(તસવીર : કુંજન રાડિયા, ખંભાળિયા)

રિલેટેડ ન્યૂઝ