વેપાર-ધંધાર્થીઓ માટે રવિવારે પણ રસીકરણ ચાલુ: નીતિન પટેલ

31મી જૂલાઈ સુધીમાં જેમને રસી લેવી ફરજિયાત છે તેમના માટે સરકારની એકસ્ટ્રા-વ્યવસ્થા

(પ્રતિનિધિ દ્વારા)
ગાંધીનગર તા.22
કોરોના વાયરસની મહામારી સામે લડવા માટે વેક્સિન જ અમોઘ શસ્ત્ર છે. જોકે રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વેક્સિનેશનની ઝડપ ઘટી ગઈ છે. બીજી તરફ, સરકારે પણ વેપારીઓ, દુકાનદારો, નોકરિયાત લોકો સહિત સુપરસ્પ્રેડર કેટેગરીમાં આવતા લોકો માટે 31મી જુલાઈ સુધી વેક્સિન લેવી ફરજિયાત કરી દીધી છે, સાથે જ સરકાર દ્વારા બુધવાર તથા રવિવારે વેક્સિનેશન બંધ રાખવામાં આવે છે, એવામાં ધંધાકીય એકમો સાથે જોડાયેલા લોકોને વેક્સિન મેળવવામાં તકલીફ પડી રહી છે. ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં રવિવારે પણ વેક્સિનેશન ચાલુ રહેશે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે જાહેરાત કરી હતી કે જેમણે 31 જુલાઈ સુધી રસી લેવી ફરજિયાત છે તેવા લોકો માટે આ રવિવારે રસીકરાણ યોજાશે. 25 જુલાઈને રવિવારના રોજ ધંધાકીય એકમો સાથે સંકળાયેલાને રસી આપવામાં આવશે. નોંધનીય છે કે વેક્સિનનો ઓછો સ્ટોક આવતો હોઈ 6 મહિનામાં પહેલીવાર 7,8 તથા 9 જુલાઈના રોજ વેક્સિનેશનની કામગીરી બંધ રહી હતી.
રાજકોટમાં ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી.પી.વૈષ્ણવે જણાવ્યું હતું કે બધાં સેન્ટર પર વેક્સિનેશન શરૂ કરી દેવામાં આવે તોપણ આપેલી મુદતમાં વેક્સિનેશન શક્ય નથી. આ તો વેપારીઓ પર દબાણ ઊભું કરવાની વાત છે. વેપારીઓ પર દબાણ ઊભું કરવાને બદલે વેક્સિનેશનનો ડોઝ ઉપલબ્ધ કરાવવા જોઇએ. જો મહાનગરપાલિકા તરફથી સાથ-સહકાર મળે તો ચેમ્બર કેમ્પ કરવા માટે તૈયાર છે.

રિલેટેડ ન્યૂઝ