જામનગર એરફોર્સ વનમાં ફરજ બજાવતા કર્મચારીનો આપઘાત

ફાંસો ખાઈ મોત માંગતા અરેરાટી: હાલારમાં પાંચ સ્થળે જુગારના દરોડા

(પ્રતિનિધિ દ્વારા)
જામનગર તા.23
જામનગરના એરફોર્સ-1 માં રહેતા અને કુક તરીકે ફરજ બજાવતા એરફોર્સના એક કર્મચારીએ ગઈકાલે કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી.
મૂળ હરિયાણાના વતની અને હાલ જામનગરના એરફોર્સ -1 સ્ટેશનમા રહેતા અને કુક તરીકે ફરજ બજાવતા રામચંદ્ર મહેન્દ્રસિંહ (54 ) એ ગઈકાલે પોતાના રૂમમાં કેબલ ટીવીના વાયર વડે ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લઇ પોતાની જિંદગીનો અંત લાવી દીધો છે.
આ બનાવ અંગે એરફોર્સમાં જ તેની સાથે ફરજ બજાવતા આનંદન ચંદ્રન દ્વારા પોલી સને જાણ કરવામાં આવી હતી. જેથી પોલીસ કાફલો દોડી ગયો હતો. તેણે કયા સંજોગોમાં આત્મહત્યાનું પગલું ભરી લીધું છે, તે જાણી શકાયું નથી. પરંતુ તેના પરિવારજનો વતનમાં રહેતા હોવાથી તેઓને જામનગર બોલાવી લેવાયા છે.
પાંચ સ્થળે જુગારના દરોડા
લાલપુરમાંથી જાહેરમાં ગંજીપાના વડે હારજીતનો જુગાર રમી રહેલા ઘેલુભાઈ રાયદેભાઈ બેરા, કિશોર મનસુખભાઈ કગથરા સહિત પાંચ ની પોલીસે અટકાયત કરી તેઓ પાસેથી રૂપિયા 7700ની રોકડ રકમ કબજે કરી છે.

જામનગર મા ધરારનગર વિસ્તારમાં જાહેરમાં ગંજીપાના વડે હારજીતનો જુગાર રમી રહેલા ફારુક કરીમભાઈ શેખ, અલ્તાફ ફારૂક શેખ, સહિત પાંચ આરોપીઓ ની અટકાયત કરી પોલીસે તેઓ પાસેથી રૂપિયા 13,000 ની રોકડ રકમ કબ્જે કરી છે. જોડીયા તાલુકાના બાલંભા ગામ માંથી જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા સંજયભાઈ હનુભાઈ, મહેશ ચતુરભાઈ દશકિયા સહિત છ આરોપીઓની પોલીસે અટકાયત કરી લઇ તેઓ પાસેથી રોકડ રકમ કબજે કરી છે. જામનગર શહેરમાં બેડી ગેઇટ વિસ્તારમાંથી વરલીના આંકડા લખી રહેલા રાજેશ મથુરાદાસ દાવડા ને પોલીસે વરલીના સાહિત્ય સાથે પકડી પાડયો છે, જ્યારે ખંભોત્રી ફળી વિસ્તારમાંથી વરલીના આંકડા લખી રહેલા નરશીભાઈ વેલજીભાઈ કાકુ નામના શખ્સને પણ પોલીસે પકડી પાડયો છે.

રિલેટેડ ન્યૂઝ