ભારતમાં આતંકવાદ નથી એ મોદીને આભારી

કેવડિયા કોલોની ખાતે ગુજરાત ભાજપની કારોબારીની બેઠકમાં રક્ષામંત્રીનું નિવેદન

(સંવાદદાતા) ગાંધીનગર,તા.2
ગુજરાત ભાજપના પ્રદેશ કારોબારીની બેઠક કેવડિયા કોલોની સ્ટેચ્યૂ ઓફ યુનિટી નજીક નર્મદા ટેન્ટ સિટી-2માં ચાલી રહી છે. કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે સવરે કેવડિયા પહોંચ્યા હતા અને ભાજપ પ્રદેશ કારોબારીની બેઠકનો પ્રારંભ કરાવ્યો હતો. કારોબારી બેઠકમાં કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જણાવ્યું હતું કે, સમગ્ર ભારતમાં આતંકવાદ નથી એ પીએમ મોદીને આભારી છે. થોડા સમયમાં હથિયાર ઉત્પાદનમાં પણ ભારત અગ્રેસર હશે. બે વર્ષમાં ભારતે 17 હજાર કરોડની નિકાસ કરી છે અને વિપક્ષો ભાજપને ચૂંટણી જીતવાનું મશીન કહે છે. ખરેખર ભાજપ પ્રજાનો વિશ્વાસ જીતવાની જમીન છે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં પણ ભાજપને સતત સફળતા મળી રહી છે, તેનું એકમાત્ર કારણ એ છે કે, ગુજરાતમાં પર્ફોમન્સનું પોલિટિક્સ છે. મુખ્યમંત્રી અને સંગઠનના લોકોએ એ કરી બતાવ્યું છે. હું સી.આર પાટીલ, વિજય રૂપાણીથી લઇને તમામ લોકોને હું તેનો શ્રેય આપુ છું. ભાજપની ગુજરાતની છબી આખા ભારતમાં જોવા મળી રહી છે, જેનો શ્રેય તમામ કાર્યકર્તા ભાઇઓ-બહેનોને જાય છે.
વિશ્વ પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે પધારેલા કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ તથા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સરદાર પટેલની વિરાટ પ્રતિમા સમક્ષ શીશ ઝૂકાવીને સ્મરણાંજલિ અર્પણ કરી હતી. સંગઠનના કાર્યકરોને માર્ગદર્શન આપવા માટે આવેલા કેન્દ્ર સરકારના મંત્રી મંડળના સદસ્યો પુરુષોત્તમ રૂપાલા, ભૂપેન્દ્ર યાદવ, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા, સાંસદ સી. આર. પાટીલ સહિતના વરિષ્ઠ આગેવાનો સાથે જોડાયા હતા. સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષવા ચાલી રહેલા વિવિધ વિકાસ કામો તથા પ્રોજેક્ટ અંગે નેતાઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.
વડાપ્રધાન મોદીના કેવડિયાને ઇલેક્ટ્રિક વાહન યુક્ત સિટી બનાવવાના ધ્યેયને કારણે મંત્રીઓ અને આગેવાનોને ગાડીઓ નહીં લાવવા કહેવામાં આવ્યું છે. આ કારોબારીમાં પદાધિકારીઓ ઉપરાંત 600 જેટલા આગેવાનો ઉપસ્થિત રહેશે. તમામને ભાજપના કારોબારી સભ્યોને જઘઙની સૂચના અપાઈ છે. જેનું પાલન કરી રહ્યા છે.
આ બેઠકમાં ભાગલેવા આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી સીધા હેલિકોપ્ટરથી કેવડિયા પહોંચ્યા છે. આ ઉપરાંત કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ પણ કેવડિયા પહોંચી ગયા છે. આ બેઠકમાં ગુજરાત ડિજિટલ ક્નેક્ટ પ્રોજેક્ટનું લોન્ચિંગ થશે. વિધાનસભાની ચૂંટણી અંગેનો રોડ મેપ તૈયાર કરવામાં આવશે. આ માટે પાટીલની જમ્બો કારોબારીમાં ચર્ચા કરવામાં આવશે. આ બેઠકના વિવિધ એજન્ડાની સાથે કારોબારી સભ્યો માટે ખાસ ગાઈડલાઈન આપવામાં આવી છે.

રિલેટેડ ન્યૂઝ