અમૂલ બ્રાન્ડના ધીમાં મિલાવટનો પર્દાફાશ 19 ડબામાં ભેળસેળ ખુલતા પોલીસ ફરિયાદ

અમૂલ બ્રાન્ડથી ઉત્પાદન સાબરકાંઠામાં થતુ હોવાનું બહાર આવતા ફુડ વિભાગે કાર્યવાહી કરી

દિવેલના નામે ખોટા ઘીનો મોટો વેપલો
રાજકોટ શહેરમાં ડેરીઓ તેમજ સ્પેશિયલ શુધ્ધ ઘીની દૂકાનોનો રાફડો ફાટ્યો છે. ભેળસેળયુકત ઘી વેચવુ ગુનો બને છે. પરિણામે નિયમોની છટકબારીનો લાભ લઈ અનેક વેપારીઓ દિવેલ એટલે કે દિવો પ્રગટાવવા ઉપયોગમાં લેવાતું ઘી અમારે ત્યાંથી મળે છે તેવું બોર્ડ લગાવી મફતના ભાવમાં ભેળસેળયુકત ઘી વેંચી રહ્યા છે. જેનો ઉપયોગ મધ્યમ તેમજ ગરીબ પરિવાર ખાવામાં કરી રહ્યા હોય આ પ્રકારના વેપારીઓ લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરી રહ્યા હોવા છતાં મનપાના ફૂડ વિભાગ દ્વારા આજ સુધી એકપણ દિવેલ વેચતા વેપારીઓને ત્યાં ચેકીંગ કામગીરી હાથ ધરી નથી. જેનું મુખ્ય કારણ મોટા હપ્તા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.

રાજકોટ તા.3
રાજકોટ શહેરમાં વેચાતા ખાદ્યપદાર્થોમાં મોટી ભેળસેળ થતી હોવાનું અનેક વખત બહાર આવ્યું છે. જેમાં બ્રાન્ડેડ વસ્તુઓમાં પણ વેપારીઓ ઘાલ-મેલ કરતાં હોવાનું ફરી એક વખત ફૂડ વિભાગે સાબિત કર્યું છે. અમૂલ બ્રાન્ડના ઘીમાં મિલાવટ કરી સસ્તા ભાવે વેંચાણ કરતા હોવાની ફરિયાદો ઉઠતાં ફૂડ વિભાગે ગત માસે એક પેઢીમાંથી અમૂલ બ્રાન્ડના શંકાસ્પદ બિલ વગરના 19 ડબ્બા સીઝ કરી તમામના સેમ્પલ લઈ પૃથ્થકરણ અર્થે લેબમાં મોકલાવેલ જેનો રિપોર્ટ આવતાં ઘીમાં ભેળસેળ હોવાનું સાબિત થતાં ફૂડ વિભાગે વેપારી વિરુધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. રાજકોટ મનપાની આરોગ્ય શાખા દ્વારા બે માસ પૂર્વે જુના યાર્ડની સોની ટ્રેડર્સ નામની પેઢીમાં દરોડો પાડી અમુલ પ્યોર ઘીના 15 કિલોના 19 શંકાસ્પદ ડબ્બા કબજે કર્યા હતા જેના રીપોર્ટમાં ઘી ભેળસેળવાળું હોવાનું આવતા ફૂડ સેફ્ટી ઓફિસરે વેપારી સામે બી ડીવીઝન પોલીસમાં છેતરપીંડી અંગે ફરિયાદ નોંધાવી છે.
મહાનગરપાલિકામાં ફૂડ સેફ્ટી ઓફિસર તરીકે નોકરી કરતા ચંદ્રકાંતભાઈ દેસાભાઈ વાઘેલાએ જુના માર્કેટિંગ યાર્ડમાં સોની ટ્રેડર્સ નામે પેઢી ધરાવતા ગોરધનભાઈ મુરલીધરભાઈ સુમનાણી સામે બી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત 5 જુલાઈના રોજ દરોડો પાડ્યો હતો ત્યારે પેઢીમાંથી અમુલ પ્યોર ઘીના 15 કિલોના 19 ટીન મળી આવ્યા હતા. જેનું ઉત્પાદન સાબરકાંઠાનું હોવાનું જોવા મળ્યું હતું વેપારીએ મહેસાણાના માતૃ કૃપા પ્રોડક્ટવાળા નૌશાદભાઈ પાસેથી લીધાની કબુલાત આપી હતી પરંતુ કોઈ બીલ નહિ હોવાથી શંકાસ્પદ ઘીના નમુના લઇ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા જેનો વડોદરાથી 12 તારીખે રીપોર્ટ આવ્યો હોય જેમાં ઘીમાં ભેળસેળ હોવાનું સામે આવતા પોલીસ કમિશ્નરને અરજી કર્યા બાદ વેપારી સામે છેતરપીંડી અંગે ફરિયાદ નોંધાવી હતી.
રાજકોટ મહાપાલીકા દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ તે પહેલા રાજ્ય સરકારની ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમ પણ માર્કેટિંગ યાર્ડ ખાતે ચેકિંગ માટે દોડી આવી હતી અને તપાસણી કરી મનપાની ટીમને નમૂના લેવા જણાવ્યું હતું. આ નમૂનાના પૃથક્કરણમાં નિષ્ફળ જતા વેપારીને નોટીસ ફટકારી પોલીસ ફરિયાદ પણ નોંધાવાઈ છે.

રિલેટેડ ન્યૂઝ