પોરબંદરમાં વરસાદી પાણીનો નિકાલ કરવામાં પાલીકાનું તંત્ર નિષ્ફળ

ગંદા પાણીના તળાવમાં ઝેરી જીવજંતુનો ત્રાસ વઘ્યો : કોંગ્રેસ દ્વારા રોષ પૂર્ણ રજુઆત

(પ્રતિનિધિ દ્વારા)
પોરબંદર તા 3
પોરબંદર શહેરમાં છેલ્લા 3 દિવસમાં 6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. ત્યારે વરસાદી પાણીના નિકાલ માટે નગરપાલીકાના તંત્ર દ્વારા કોઇ જ વ્યવસ્થા કરવામાં આવી નહી હોવાથી ચારે બાજુ પાણી પાણી જોવા મળી રહ્યું છે. ત્યારે કોંગ્રેસ દ્વારા આક્રોશ સાથે તંત્રને રજુઆત કરીને વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ થઇ છે.
પોરબંદર શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલભાઇ કારીયાએ તંત્રને કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે, છેલ્લા 3 દિવસમાં પોરબંદર શહેરમાં માત્ર 6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. તેમ છતાં ચારેબાજુ ગંદા પાણીના તળાવડા ભરાઇ ગયા છે. પાણીના નિકાલ માટે નગરપાલીકાના તંત્ર દ્વારા નકકર આયોજન કરવામાં આવ્યું નથી. જેથી પ્રજાને હાલાકી વેઠવી પડે છે. તંત્રએ ચોમાસા પૂર્વે લાખો રૂપિયાના ખર્ચે સાંઢિયા ગટરની સફાઇ કરાવી હતી. અત્યારની પરિસ્થિતિ જોતા એવું જણાઇ રહ્યું છે કે એ કામગીરી માત્ર કાગળ પર જ થઇ હતી. નગરપાલીકાના તંત્રએ ચોમાસા પૂર્વે એવો દાવો કર્યો હતો કે, પોરબંદરમાં સાંઢિયા ગટરની 100 ટકા સફાઇ થઇ છે જો પાલીકાનો આ દાવો સાચો હોય તો અત્યારે શહેરમાં વરસાદી પાણી ભરાયા છે તેનો સાંઢિયા ગટરમાં સીધેસીધો નિકાલ કેમ થતો નથી ? તેવો સવાલ ઉઠાવવામાં આવી રહ્યો છે. પોરબંદર શહેરમાં માત્ર થોડો વરસાદ થયો છે. ત્યાં શહેરના લાતી બજાર તરફ જતો રસ્તો લાતી બજારમાં હરિશ ટોકીઝ નજીકનો વિસ્તાર, શીતલા ચોક નજીક ખાઇ કાઠા રોડ, મુખ્ય એમ.જી.રોડ, એસવીપી રોડ, પ્લાઝા રોડ, છાંયા ચોકીથી બિરલા ફેકટરી તરફ જતો રસ્તો વગેરે વિસ્તારોમાં હજુ પણ ગંદા પાણીના તળાવ ભરેલા નજરે ચડી રહ્યા છે. જેથી આ વિસ્તારમાં રહેતા લોકોને ખરીદી કરવા છતા ગ્રાહકોને ખુબ જ પરેશાનીનો સામનો કરવો પડયો છે.
અતુલભાઇ કારીયાએ કરેલી રજુઆતમાં એમ પણ જણાવ્યું છે કે જો નગરપાલીકાનું તંત્ર હવે સમયસર પાણીનો નિકાલ નહી કરે તો રોગચાળો ફેલાવવાની શકયતા વધી જશે કારણ કે, ધાબડીયા વાતાવરણમાં ગંદા પાણીના તળાવડામાં મચ્છર સહીત ઝેરી જીવજંતુનો ઉપદ્રવ વઘ્યો છે. અને જો સમયસર આ પાણીનો નિકાલ નહી થાય તો તેનાથી રોગચાળો ફાટી નીકળે તેવી પરિસ્થિતિ જણાય રહી છે. તેથી પાલીકાએ તેમાં જંતુનાશક દવાનો છટકાવ કરવો જોઇએ.
પોરબંદર શહેરમાં ભાજપ શાસિત નગરપાલીકા સાંઢિયા ગટર જ નહી પરંતુ ભુગર્ભ ગટરની સફાઇની કામગીરીમાં પણ નિષ્ફળ ગઇ છે. જેને કારણે ભુગર્ભગટરના પાણીમાં પીવાના પાણી ભળી ગયા છે. અનેક જગ્યાએ ભૂગર્ભ ગટરની ચેમ્બરો જામ થઇ ગઇ છે. માટે તંત્રએ સાંઢિયા ગટર ભુગર્ભગટરની વ્યવસ્થિત સફાઇ કરવા અને વરસાદી પાણીનો નિકાલ સમયસર કરવો જોઇએ તે ઇચ્છનીય છે.

રિલેટેડ ન્યૂઝ