કાલે 16 નવા મંત્રી સાથે પટેલ-સરકારના શપથ

રૂપાણી સરકારના કેબિનેટના 9 અને રાજય કક્ષાના 7 સહિત 16 (નબળા) મંત્રી પડતા મૂકાશે

નવું મંત્રીમંડળ ઘણા નવા ચહેરા અને પ્રયોગોવાળું હશે
સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, ભૂપેન્દ્ર પટેલનું આ મંત્રીમંડળ ઘણા નવા ચહેરા અને પ્રયોગોવાળું હશે. હાલ જ્યાં મંત્રીમંડળમાં એક જ મહિલા ધારાસભ્ય છે, એને સ્થાને બેથી ત્રણ મહિલા મંત્રી એમાં હોઈ શકે છે. ભાજપની સરકાર સામે એન્ટી-ઇન્કમ્બન્સી ફેક્ટર છે, એને ખાળવા માટે જ ખૂબ જરૂરી એવા સભ્યોને બાદ કરતાં મોટા ભાગના ચહેરા નવા અને અમુક તો પહેલી ટર્મમાં જ મંત્રી બની જાય એવા હશે. આ ઉપરાંત સ્વાભાવિકપણે જ જ્ઞાતિ અને પ્રદેશનું સંતુલન જળવાશે.

(પ્રતિનિધિ દ્વારા)
ગાંધીનગર,તા.14
ગુજરાતના નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળની શપથવિધિ 16 સપ્ટેમ્બરને ગુરુવારના રોજ યોજાશે. રૂપાણી સરકારના તમામ મંત્રીઓના રાજીનામા બાદ નવી ભૂપેન્દ્ર પટેલની સરકારમાં મુખ્યમંત્રી ઉપરાંત અન્ય 16 મંત્રીઓના શપથવિધિ થવાની શક્યતાઓ છે. શપથવિધિ બાદ રાતે અમિત શાહે દિલ્હી જતાં પહેલાં અમદાવાદ શાહીબાગ સર્કિટ હાઉસમાં ભૂપેન્દ્ર યાદવ સાથે નવા મંત્રીમંડળની રચના અંગે અચાનક જ બેઠક કરી હતી, એટલે કે બુધવારે સુધીમાં નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નવી સરકારના મંત્રીઓનાં નામ જાહેર થશે અને ગુરુવારના રોજ નવા મંત્રીઓની શપથવિધિ યોજાય એવી શક્યતાઓ છે. બીજી તરફ, આનંદીબેન પટેલ પણ શનિવારે ઉત્તરપ્રદેશથી ગુજરાત આવવાના છે.
ગુજરાતમાં ગુરુવારે નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રી મંડળનો શપથવિધી યોજવામાં આવ્યો છે. ત્યારે રૂપાણી સરકારના 22 મંત્રીઓના કદને ઘટાડી 16 મંત્રીઓ શપથ લે તેવી શક્યતાઓ છે. જેમાં રૂપાણી સરકારના 11 કેબિનેટ મંત્રીઓમાંથી માત્ર દિલિપ ઠાકોર, ગણપત વસાવા, જયેશ રાદડિયાને રીપિટ કરવામાં આવે તેવી શક્યતાઓ છે. જ્યારે રાજ્યકક્ષાના રૂપાણી સરકારના 11માંથી 7ની બાદબાકી કરીને માત્ર 4 મંત્રીઓને સ્થાન આપવામાં આવી શકે છે.
નવા મંત્રીમંડળમાં પૂર્વ ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાને કેબિનેટ કક્ષાના મંત્રીનો દરજ્જો આપવામાં આવી શકે છે. પરંતુ ગૃહખાતાને બદલે પ્રદિપસિંહને અન્ય ખાતાની ફાળવણી કરવામાં આવશે. અમદાવાદના અમરાઈવાડીના ધારાસભ્ય જગદીશ પટેલને પ્રદિપસિંહ જાડેજાના બદલે રાજયકક્ષાના ગૃહમંત્રી બનાવવામાં આવે તેવી શક્યતાઓ છે. જ્યારે રાજકોટના ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલને ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના બદલે શિક્ષણખાતુ આપવામાં આવી શકે છે. ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળમાં બે મહિલાઓને પણ સ્થાન આપવામાં આવી શકે છે. નવા મંત્રીઓમાં સૌથી વધુ 60 વર્ષથી નીચેની ઉંમરના ધારાસભ્યોને મંત્રી પદ આપવામાં આવે તેવી શક્યતાઓ છે.

રિલેટેડ ન્યૂઝ