હાલારમાં તોફાની વરસાદમાં છ ને કાળ ભેટયો

જામનગરના દરિયામાં વહેણ તાણી જતાં બે માછીમાર ભાઇઓ ગુમ : પરિવારજનો ચિંતીત

(પ્રતિનિધિ દ્વારા)જામનગર તા 14,
જામનગર શહેર જિલ્લામાં ગઈકાલે પડેલા તોફાની વરસાદના કારણે છને કાળ ભેટયો હતો તો દરિયામાં બે માછીમાર લાપતા થતાં અરેરાટી વ્યાપી ગઇ છે.
જામનગર શહેર અને જિલ્લામાં ગઈકાલે પડેલા ભારે વરસાદના કારણે જામજોધપુર-ધ્રોળ અને જોડિયા પંથકમાં ચાર વ્યક્તિના વરસાદી પાણીમાં ડૂબી જવાના કારણે અથવા તો તણાઈને મૃત્યુ નિપજયા છે. આ ઉપરાંત જામનગર શહેરમાં વરસાદી પાણીના નિકાલ સમયે સામાન ફેરવતાં તેમજ પગ લપસી જતાં બે વ્યક્તિના મૃત્યુ નીપજયા છે.
જામનગર જિલ્લામાં ગઈકાલે પડેલા ભારે વરસાદના કારણે જામજોધપુર પંથકમાં ચાલુ વરસાદે પોતાની કારમાં બેસીને પસાર થઇ રહેલા દંપત્તિ રમેશભાઈ અને તેમના પત્ની મનીષાબેન અઘેરાના પૂરના પાણીમાં તણાઈ જવાના કારણે મૃત્યુ નિપજયા હતા.
ત્યાર પછી વરસાદી પાણીમાં ડૂબી જવાનો અને તણાઇ જવાનો વધુ એક બનાવ ધ્રોલ પંથકમાં બન્યો હતો. જોડીયા તાલુકાના ભીમકટા ગામમાં રહેતો વિનોદ ઉર્ફે પીન્ટુ વાલજીભાઈ શેખવા નામનો 21 વર્ષનો રિક્ષાચાલક યુવાન ગઇકાલે બપોરે પોતાની રિક્ષામાં સીએનજી ભરાવવા માટે ધ્રોળ પંથકમાં આવ્યો હતો. જે દરમિયાન વાગુદડ પાસે ધસમસ્તા પાણીના પ્રવાહમાં પોતે રિક્ષા સહિત તણાઈ ગયો હતો, અને ડૂબી જવાના કારણે તેનું મૃત્યુ નીપજયું હતું. રોડ પોલીસે તપાસ હાથ ધરી છે.
આ ઉપરાંત જોડીયા માં પણ વરસાદના કારણે મૃત્યુ નો એક બનાવ બન્યો છે. જોડિયાના મફતીયા પરા વિસ્તારમાં રહેતો મોહંમદ નામનો અઢી વર્ષનો બાળક ગઇકાલે રમતા રમતા ચાલુ વરસાદે પાણીમાં ડૂબી ગયો હતો, અને તેનું મૃત્યુ નીપજયું હોવાનું જાહેર કરાયું છે.
આ ઉપરાંત જામનગર ના કાલાવડ નાકા બહાર હૂસેનીચોક નજીક ખાટકીવાડ વિસ્તારમાં રાહેતા ઈકબાલભાઈ આમદભાઈ ખાટકી (ઉંમર વર્ષ 51) કે જેઓ પોતાના ઘરમાં વરસાદી પાણી ભરાયા હતા, અને પરિવારના સભ્યો ઉપરના માળે હતા. દરમિયાન તેનો એકાએક પગ લપસી જતાં નીચે પાણીમાં પડી ગયા હતા, અને ડૂબી જવાના કારણે તેનું મૃત્યુ નીપજયું છે.
આ ઉપરાંત જામનગરમાં ગાંધીનગર નજીક પુનિત નગર શેરી નંબર ત્રણ માં રહેતો હરેન્દ્રસિંહ અભયસિંહ જાડેજા નામનો 32 વર્ષનો યુવાન વરસાદના પાણી ભરાયા હોવા થી પોતાના ઘરમાંથી સામાન બહાર કાઢી રહ્યો હતો, જે દરમિયાન અચાનક તેને લોહીની ઊલટીઓ થઈ હતી, અને બેશુદ્ધ બની ગયો હતો. જેને સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં લઈ જવાયા પછી તેનુ મૃત્યુ થયું હતું.
બે માછીમાર ભાઈઓ
જામનગર ના બેડી વિસ્તારમાં રહેતા અને માછીમારી કરતા બે સગા ભાઈઓ યુનૂશ કક્કલ અને હનીફ કકકલ ગઈ કાલે સવારે માછીમારી કરવા માટે જામનગર નજીકના દરીયા વિસ્તારમાં ગયા હતા, અને દરિયાના વહેણ પાસે પગપાળા ચાલીને ગયા હતા. પરંતુ બંને લાપતા બની ગયા છે.
રણજીત સાગર ડેમ અને કંકાવટી ડેમ ઓવરફ્લો થઈ જવાથી રંગમતી નાગમતી નદી બે કાંઠે થઈ જતાં ઓચિંતા પ્રવાહમાં તણાઈ ને એકાએક લાપતા બની ગયા છે, અને હજુ સુધી પરત ફર્યા નથી. જેથી પરિવારજનોમાં ઘેરી ચિંતા પ્રસરી છે.
આ બાબતે સ્થાનિક કોર્પોરેટર નુરમામદ પલેજા સહિતના આગેવાનોએ બંન્ને માછીમારો ભાઈઓના પરિવારની મુલાકાત લીધી હતી, અને બંને ને શોધવા માટે વહીવટીતંત્રને જાણ કરવામાં આવી છે.

રિલેટેડ ન્યૂઝ