જૂનાગઢમાં નરસિંહ મહેતા તળાવના વિસ્તારમાં અવરજવર પર પ્રતિબંધ

ભારે વરસાદને પગલે તંત્રનો નિર્ણય

(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા. 14
ગ્રામ્ય વિસ્તારોમાં પણ પાણી વાળા વિસ્તારોમાં પણ અવરજવર પર 16 સપ્ટેમ્બર સુધી પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પડાયું
જૂનાગઢ તા.14 જૂનાગઢ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદના પગલે નરસિંહ મહેતા તળાવના નિચાણવાળા વિસ્તારો તેમજ ઉબેણ, ઓઝત સિંચાઇ યોજના હેઠળના ગામો, હસ્નાપુર ડેમના પ્રભાવિત ગામોમાં લોકોની અવરજવર પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
છેલ્લા બે દિવસથી જૂનાગઢ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજા મન મુકીને વરસ્યા છે. ભારે વરસાદના પગલે જૂનાગઢ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. ભરાયેલા પાણીના કારણે કોઇ અકસ્માત ન સર્જાય તેની અગમચેતી તથા તકેદારીના ભાગરૂપે તાત્કાલીક અસરથી તા.16/9/2021 સુધી આ વિસ્તારોમાં લોકોની અવરજવર પર જૂનાગઢ સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ અંકિત પન્નુએ પ્રતિબંધ ફરમાવ્યો છે.
આ વિસ્તારમાં જૂનાગઢ શહેરના નરસિંહ મહેતા તળાવનો નિચાણવાળો વિસ્તાર તથા સમગ્ર પાળી, જૂનાગઢ ગ્રામ્યમાં ઉબેણ-વિયરનો કેરાળા જળાશય હેઠળનો નદી તટ વિસ્તાર તેમજ પ્રભાવિત ગામો જેવા કે, કેરાળા, મજેવડી, તલિયાધર, વધાવી, વાડાસીમડી અને વાણંદિયા ગામ વિસ્તારથી નજીકનો નિચાણવાળો નદી તટ વિસ્તાર, જૂનાગઢ ગ્રામ્યમાં ઓઝત સિંચાઇ યોજના હેઠળના નદી તટ વિસ્તારમાં પ્રભાવિત ગામો જેવા કે, બેલા, રામેશ્વર, મેવાસા (બાવાના), બાદલપુર અને આણંદપુર ગામ વિસ્તારનો નિચાણવાળો નદી તટ વિસ્તાર, જૂનાગઢ ગ્રામ્યમાં હસ્નાપુર ડેમના પ્રભાવિત ગામો જેવા કે, બામણગામ, ડેરવાણ, ગલિયાવાડ, સરગવાડા, વડાલ અને વિરપુર ગામનો નિચાણવાળો નદી તટ વિસ્તાર પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. આ જાહેરનામું નદી તટ વિસ્તાર તથા જળાશયની આજુબાજુના તટ વિસ્તાર પુરતુ મર્યાદિત રહેશે. તેમ જૂનાગઢ સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ અંકિત પન્નુ એ જણાવ્યું છે.
અત્રે નોંધનીય છે કે, આ અગાઉ જિલ્લાના અધિક ડીવીઝનલ મેજીસ્ટ્રેટ દ્વારા દામોદર કુંડ અને વિલીંગ્ડન ડેમ તથા આસપાસના વિસ્તારોમાં જવા પર પણ જાહેરનામું પ્રસિદ્ધ કરી પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે.

રિલેટેડ ન્યૂઝ