સોરઠમાં વધુ સાત ઈંચ સુધી હેત વરસ્યું

માંગરોળ 7, કેશોદ 5, જૂનાગઢ-માળિયા-વંથલીમાં 4, માણાવદર-મેંદરડા બે અન્યત્ર ઝાપટાંથી એક ઈંચ વરસાદ

(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.14
જૂનાગઢ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસ દરમિયાન કુલ 90 ઇંચ જેટલો અનરાધાર વરસાદ ખાબકી પડતા જિલ્લાની તમામ નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. તો જૂનાગઢ શહેરને પાણી પૂરા પાડતા હશનાપુર ડેમ, વિલીંગ્ડન ડેમ અને આણંદપુર ડેમ ઓવરફ્લો થયા છે, જ્યારે બાંટવા ખારો ડેમના 3, ઓજત શાપુર ડેમના 8 દરવાજા અને ઓજત વંથલી વિવર ડેમના 10 દરવાજા, ઓઝત -2 ના 6 દરવાજા ખોલવામાં આવ્યા છે, જેને લઈને જિલ્લાના 41 ગામોને એલર્ટ કરાયા છે, બીજી બાજુ સાવચેતીના ભાગરૂપે આમ જનતાને વિલીંગ્ડન ડેમ અને દામોદર કુંડ તથા ડેમ નીચે આવતા ગ્રામ્ય પંથકમાં નદી વિસ્તારોમાં જવા પર 16 તારીખ સુધી પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
દરમિયાન આજે કેશોદમાં 5 ઈંચ, જૂનાગઢમાં 4 ઇંચ, ભેસાણ માં 1 ઇંચ, મેંદરડામાં 2 ઈંચ, માંગરોળમાં 7 ઈંચ, માણાવદરમાં 2 ઇંચ, માળિયામાં 4 ઈંચ, વંથલીમાં 4 ઇંચ અને વિસાવદરમાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.
જૂનાગઢ શહેરમાં પણ વ્યાપક વરસાદની સાથે ગિરનાર તથા દાતારના ડુંગર અને આસપાસના જંગલ વિસ્તારમાં પણ ભારે વરસાદ થવાથી જૂનાગઢ મહાનગરને પાણી પુરુ પાડતાં હશનાપૂર ડેમ, વિલીંગ્ડન ડેમ અને આણંદપુર ડેમ ગઈકાલે જ ઓવરફલો થઈ જવા પામ્યા છે. તો શહેરની મધ્યમાં આવેલા નરસિંહ મહેતા તળાવ પણ ઓવરફ્લો વહી રહ્યું છે, જ્યારે જૂનાગઢ જિલ્લાની તમામ નદીઓ અત્યારે બે કાંઠે વહી રહી હોવાનું અને ભારે પાણી ચાલી રહ્યા હોવાના સમાચારો પણ મળી રહ્યા છે.
આ સાથે સવારે જોષીપરાનો અંડર બ્રિજ પૂરેપૂરો પાણી ભરાઈ જતાં છેલ્લા 62 કલાકથી આ રસ્તો બંધ કરાયો છે. જ્યારે જીલ્લાના હશનાપૂર ડેમ, વિલીંગ્ડન ડેમ અને આણંદપુર ડેમ ઓવરફલો થઈ જવાની સાથે બાંટવાનો ખારો ડેમના 3, તો શાપુર વિવર ડેમના 8 અને વંથલી વિવર ડેમના 10, ઓઝત -2 ના 6 તથા ધ્રાફળ ડેમના 2 દરવાજા ખોલવામાં આવતા જિલ્લા 41 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા હતા.
આજે જૂનાગઢ શહેરમાં સવારથી બપોર સુધી અવિરત વરસ્યો હતો. ત્યારે શહેરમાં અત્ર, તત્ર, સર્વત્ર, પાણી પાણી થઇ જવા પામ્યું હતું, તેની સાથે જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસવાનું અવિરત ચાલુ જ હોવાના વાવડ મળી રહ્યા છે, તો તંત્ર પણ ભારે વરસાદથી હરકતમાં આવી ગયું છે, જિલ્લા કલેકટર ઋચિત રાજે વરસાદની પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને સમગ્ર તંત્ર એલર્ટ રખાયું છે.

રિલેટેડ ન્યૂઝ