મધરાતથી સવાર સુધી સોમનાથ જીલ્લાને ધમરોળતા મેઘરાજા: દોઢથી સાત ઇંચ

તાલાલામાં છ ઇંચ, અન્ય તાલુકામાં પણ વ્યાપક વરસાદથી નદી – નાળા છલકાયા ડેમોની વ્યાપક નવા નીરની આવક

(પ્રતિનિધિ દ્વારા)
વેરાવળ તા.14
ગીર સોમનાથ જીલ્લાના છ તાલુકામાં સોમવારે મેઘરાજાએ હેત વરસાવ્યા બાદ ફરી સોમવારે મોડી રાત્રીથી સમગ્ર જિલ્લામાં અને ગીર જંગલ વિસ્તારમાં મેઘરાજાએ પધરામણી કરી વીજળીના ચમકારા સાથે વરસાદ વરસાવવાનું શરૂ કરેલ જે મંગળવારે સવારે પણ અવિરત ચાલુ રહ્યા બાદ નવેક વાગ્યાથી મેઘસવારી થંભી ગઇ હતી. આ દરમ્યાન સોમવારે રાત્રીના 2 વાગ્યાથી મંગળવારે સવારે 10 વાગ્યા (8 કલાકમાં) સુધીમાં જિલ્લાના વેરાવળમાં 70 મી.મી.(ત્રણ ઇંચ), તાલાલામાં 148 મી.મી. (છ ઇંચ), સુત્રાપાડામાં 37 મી.મી. (દોઢ ઇંચ), કોડીનારમાં 40 મી.મી. (દોઢ ઇંચ), ગીરગઢડામાં 40 મિમી (દોઢ ઇંચ) અને ઉનામાં 64 મી.મી. (અઢી ઇંચ)
વરસાદ વરસેલ છે જયારે સવારે 10 વાગ્યા બાદ સાંજે છ સુઘીમાં જીલ્લાના છ તાલુકામાં ઝાપટારૂપી વરસાદ વરસી રહયો હતો.
વેરાવળ-પાટણ જોડીયા શહેર તેમજ સુત્રાપાડા અને ઓધોગીક એકમો સાથે સિંચાઇને પુરૂ પાડતા હીરણ ડેમ 2 ઓવરફલો થવામાં પોણા બે ફૂટ જ બાકી હોવાનું જાણવા મળેલ છે.
ગીર પંથકમાં બે દિવસથી સતત અવિરત વરસી રહેલી મેઘસવારીના પગલે આજે સાંજ સુઘીમાં હિરણ – 2 ડેમમાં 11 ફૂટ નવું પાણી આવતા 92 ટકા જેટલો ભરાય ગયો છે. પાંચ લાખની પ્રજા અને 6 હજારથી વઘુ હેકટર ખેતીની જમીનને એક વર્ષ સુઘી પાણીની જરૂરીયાત મેઘરાજાએ એક જ ઝાટકે પુરી કરી દીઘી હોવાનું ડેમ અધિકારી એન.બી.સિંધલે જણાવેલ છે. ડેમ ઓવરફલો થવામાં પોણા બે ફૂટ જ બાકી હોવાથી ડેમની હેઠળવાસમાં આવતા 13 ગામોને એલર્ટ કરવામાં આવ્યાં છે.
ઉપરવાસમા પડેલા ભારે વરસાદના પાણીની આવક વેરાવળ શહેરની ભાગોળેથી પસાર થતી દેવકા નદીમાં ભરપૂર થતા નદી ગાંડીતૂર બની છે. દેવકા નદીમાં સવાર થી જ ઉપરવાસમાંથી મબલક પાણી આવી રહ્યું હોવાથી બપોરના સમયે નદીમાં ઘોડાપૂર આવ્યું હતું
જેના પગલે વેરાવળ શહેરના પ્રવેશદ્વારની હુડકો, સાંઇબાબા મંદિર વિસ્તાર, ડાભોર રોડ પરની શિક્ષક કોલોની, શક્તિ નગર સહિતની અનેક સોસાયટી વિસ્તારમાં દેવકા નદીના પાણી ભરાવવાનું શરૂ થતા સોસાયટી વિસ્તારોમાં એક થી દોઢ ફૂટ પાણી ભરાયેલ જેના પગલે લોકોને મુશ્કેલીમાં મુકાયેલ હતા પરંતુ ઉપરવાસમાંથી પાણીની આવક ઓછી થતા લોકોએ હાસકારો લીધેલ હતો. દેવકા નદી ગાંડીતૂર બનતાં વેરાવળ તાલુકાનું ચમોડા ગામ બેટમાં ફેરવાયુ છે. જ્યારે ચમોડા ગામમાં ગોઠણડુબ પાણી ભરાય જતા ગ્રામ્યજનો મુશ્કેલીમાં મૂકાયા છે.
ગીર જંગલ અને તાલાલા પંથકમાં ભારે વરસાદના પગલે વેરાવળથી તાલાલાને જોડતા સ્ટેટ હાઇવે પર કમ્મરડુબ પાણી ભરાયેલ જેના પગલે ટ્રાફીક થી દિવસભર ઘમઘમતા આ હાઇવે પરનો વાહન વ્યવહાર પ્રભાવિત થયો હોવાથી વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ હાઇવે પર જિલ્લા કલેક્ટર કચેરી, જિલ્લા પોલીસવડા કચેરી, જિલ્લા પંચાયત કચેરી સહિત અનેક ગામોને જોડતા મહત્વના સ્ટેટ હાઇવે પર ગોઠણડુબ પાણી ભરઇ જતા અનેક વાહનો અધવચ્ચે ફસાઇ ગયા હતા જયારે અમુક વાહનો બંઘ પડી જતા ચાલકોએ ધક્કા મારી બહાર કાઢતા જોવા મળ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ