મંત્રીઓનાં ઑફિસ-બંગ્લા ખાલી કરાવાતાં ખળભળાટ

CMO સહિતના સ્ટાફની પણ બાદબાકી: નવા મંત્રીમંડળ માટે પણ 70 નવા અધિકારી

(પ્રતિનિધિ દ્વારા)ગાંધીનગર તા. 15
ગુજરાતમાં વિજય રૂપાણીએ રાજીનામું આપ્યા બાદ નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોમવારે શપથ લીધા હતા. તેમણે શપથ લીધા બાદ હવે નવા મંત્રીમંડળની શપથવિધિની તૈયારીઓ કરવામાં આવી છે. ત્યારે નવા મંત્રીઓમાં ’નો રિપીટ’ ની પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે.
ત્યારે સ્વર્ણિમ સંકુલમાં સિનિયર મંત્રીઓએ નિવાસસ્થાન ખાલી કરવાની શરૂઆત કરી દીધી છે. મંત્રીઓના કાર્યાલયમાં જૂની ફાઈલ અને ડોક્યુમેન્ટ સહિત ઓફિસનો સામાન ખાલી કરવામાં આવી રહ્યો છે. નવા મંત્રીઓની જાહેરાત અને શપથ બાદ નવા મંત્રીઓને ઓફિસ સોંપવામાં આવશે.
રાજ્યમાં મુખ્યમંત્રીના સેક્રેટરી અને અધિક મુખ્ય સચિવના પદને લઇને સૌથી મોટા સમાચાર સામે આવ્યાં છે. સીએમ ભૂપેન્દ્ર પટેલના સેક્રેટરી તરીકે અવંતિકા સિંઘ અને સીએમના અધિક મુખ્ય સચિવ તરીકે પંકજ જોશીની નિયુક્તિ કરાઇ છે. નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ પકજ કુમાર ને સીએમઓમાં મૂકવામાં આવ્યાં.આ ઉપરાંત ભરૂચના કલેક્ટર એમ.ડી.મોડિયાની બદલી કરીને તેમની સ્પેશિયલ ડ્યુટી મુખ્યમંત્રી ઓફિસ ખાતે કરાઈ છે અને એન.એન દવે કે જેઓ અમદાવાદ મનપામાં ડેપ્યુટી મ્યુ કમિશનર હતાં તેઓની પણ બદલી કરીને તેમને સીએમઓમાં મુકવામાં આવ્યાં છે.
ગુજરાતમાં નવી સરકારની રચના બાદ મંત્રીઓને ઓફિસ અને સ્ટાફની ફાળવણી કરવામાં આવશે, પણ નવા મંત્રીઓ સાથે તેમના અંગત સ્ટાફની નિમણૂક ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા કરવામાં આવશે, જેની તૈયારીઓ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. નવા મંત્રીમંડળના કાર્યાલય માટે અંગત સચિવ અને અંગત મદદનીશની નિમણૂક કરવા માટેની કાર્યવાહી સામાન્ય વહીવટ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે, જેમાં વચગાળાની વ્યવસ્થા કરવાના ભાગરૂપે શરૂ કરેલી આ પ્રક્રિયામાં સેકશન અધિકારી અને નાયબ સેક્શન અધિકારી વર્ગના કુલ 70 અધિકારીનાં નામની યાદી તૈયાર કરી દીધી છે.
સામાન્ય વહીવટ વિભાગ દ્વારા નવા મંત્રીઓના કાર્યાલય માટે વચગાળાની વ્યવસ્થા શરૂ કરી દીધી છે, જેમાં 35 જેટલા સેકશન અધિકારીની અંગત સચિવની કામગીરી માટે નિમણૂક કરવામાં આવશે તેમ જ નાયબ સેક્શન અધિકારીની અંગત મદદનીશ તરીકેની કામગીરી કરવા માટે નિમણૂક કરવામાં આવશે અને આ માટે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા રાજ્ય સરકારના અલગ-અલગ વિભાગોના 70 જેટલા સેક્શન અધિકારી અને નાયબ સેક્શન અધિકારીઓનાં નામની યાદી બનાવી દીધી છે, જ્યારે મંત્રીમંડળની શપથવિધિ પછી બે મહિનામાં જ નિયમિત સ્ટાફની નિમણૂક કરવામાં આવશે. જોકે પ્રક્રિયાના ભાગરૂપે તમામ સેક્શન અધિકારી અને નાયબ સેક્શન અધિકારીઓની ખાસ બેઠક મળી હતી, જેમાં નિશ્ચિત કરેલા અધિકારીઓને નિમણૂકપત્રો આપવાની કામગીરી કરવામાં આવી રહી છે.

રિલેટેડ ન્યૂઝ