પોરબંદરના દરિયામાં ગણેશના વિસર્જન સમયે કિશોર ડુબી ગયો

ફાયર બ્રિગેડે 24 કલાક દરિયો ખૂંધ્યો પણ કિશોરની ભાળ મળી નહીં: તંત્રે બનાવેલા કુંડના બદલે અનેક દરિયામાં વિસર્જન માટે પહોંચ્યા

(પ્રતિનિધિ દ્વારા)
પોરબંદર,તા.15
પોરબંદરના અસ્માવતીઘાટ પાસે ગણેશ વિસર્જન સમયે 17 વર્ષીય કીશોર સમુદ્રમાં લાપતા બનતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.હજુ સુધી ર4 કલાક જેટલો સમય વિતવા છતાં તેનો પતો મળ્યો નથી. હેલીકોપ્ટર દ્વારા પણ કોસ્ટગાર્ડની મદદથી સર્ચ કરવામાં આવ્યું હતું પરંતુ હજુ સુધી કોઇ જ ભાળ મળી નથી.
પોરબંદરમાં પાંચ દિવસ સુધી ગણેશજીની પ્રતિમાનું રંગેચંગે સ્થાપન કરીને પૂજન-અર્ચન કર્યા પછી પોરબંદર શહેરમાં ચાર જગ્યાએ ગણેશ વિસર્જનની છુટ આપવામાં આવી હતી. ચોપાટી ઉપર ગણેશ વિસર્જનની મનાઇ હતી ત્યારે અસ્માવતીઘાટ પાસે તેનું વિસર્જન કરવા માટે મંજુરી અપાઇ હતી. પોરબંદરના અસ્માવતીઘાટ પાસે હજારોની સંખ્યામાં લોકો અસ્માવતીઘાટ પાસે પહોંચી ગયા હતા અને તંત્ર દ્વારા ખાસ કુંડની વ્યવસ્થા વિસર્જન માટે તંત્ર દ્વારા કરવામાં આવી હતી આમ છતાં હજારો લોકોની સંખ્યા હોવાથી વિસર્જનમાં મુશ્કેલી પડતી હતી જેથી અનેક ગણેશ આયોજકોએ સમુદ્રમાં ગણેશ વિસર્જન કરવાનું કાર્ય હાથ ધર્યુ હતું. એ દરમિયાન પોરબંદરના જીત નરેશ લોઢારી નામના 17 વર્ષીય કીશોર પણ ગણેશ વિસર્જનમાં જોડાયો હતો અને અચાનક સમુદ્રના તોફાની મોજામાં ખેંચાવા લાગ્યો હતો.બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડના જવાનો પણ તેની શોધખોળમાં લાગી ગયા હતા તથા માછીમાર આગેવાનોએ પણ પીલાણા સમુદ્રમાં ઉતારીને જીત લોઢારીની શોધખોળના પ્ર્યત્નો હાથ ધર્યા હતા પરંતુ તેનો અતોપતો મળ્યો ન હતો. દરમિયાનમાં સવારે ફાયર બ્રિગેડ દ્વારા લાઇફબોટ સમુદ્રમાં ઉતારવામાં આવી છે અને ગુમ થયેલા જીતની શોધખોળ કરવામાં આવી રહી છે પરંતુ આ લખાય છે ત્યાં સુધી તેનો કોઇ જ અતોપતો મળ્યો નથી. એટલું જ નહીં પરંતુ કોસ્ટગાર્ડને જાણ કરવામાં આવતા કોસ્ટગાર્ડ દ્વારા પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે પરંતુ તેમાં પણ સફળતા મળી નથી ત્યારે બનાવના ર4 કલાક પછી પણ આ ગુમ થયેલા કીશોરની ભાળ મળી નહીં હોવાથી પરિવારજનો ચિંતાતુર બની ગયા છે.

રિલેટેડ ન્યૂઝ