વેરાવળથી અંબાજી, નાથદ્વાર, સાળંગપૂર, નારાયણ સરોવરની બસ શરૂ કરવા માંગ

(પ્રતિનિધિ દ્વારા) વેરાવળ તા.16
ગીર સોમનાથ જીલ્લાના મુખ્ય મથક વેરાવળ એસ.ટી. ડેપો ખાતેથી સોમનાથ-અંબાજી, નાથદ્રારા, સાળંગપુર, નારાયણ સરોવર, માતાના મઢ સહીતની લાંબા રૂટની તથા નાશીક, શીરડી, મુંબઇ સુધીની બસ સેવા બંધ હોય તે ચાલુ કરવા જીલ્લા વિશ્વ હિન્દુ પરીષદ દ્વારા વાહન વ્યવહાર નિગમના અધિકારીને લેખીત રજૂઆત કરેલ છે.
વિશ્વ હિન્દુ પરીષદના ગોવિંદભાઇ ભાનુશાળી તથા અભિનેત્રી મીના પંજાબી, હીરાબેન સતીકુંવર સેવા સમિતિ સહીતના દ્વારા કરાયેલ રજૂઆતમાં જણાવેલ કે, પ્રથમ જયોતિર્લીંગ ભગવાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાંથી એસ ટી બસો શરૂ કરવા બાબતે કોઇ નકકર પગલા લેવામાં આવતા નથી અને જે બસો ચાલુ હતી તે ટ્રાફીક ન મળવાના બ્હાના હેઠળ બંધ કરાયેલ છે. જૂનાગઢ વિભાગના માંગરોળ જેવા એસ ટી બસ ડેપોને નારાયણ સરોવર, અંબાજી જેવા રૂટોની એસ ટી બસોની ફાળવણી કરવામાં આવેલ છે. વેરાવળ-સોમનાથ ખાતેથી પર્યટકોની સુવિધા અર્થે ધાર્મીક સ્થળોની સાથે મુંબઇ નાસીક, શીરડી માટે ખાનગી બસો ચાલી રહેલ છે ત્યારે સોમનાથ થી જરૂરી રૂટની બસો ચાલુ કરવા કોઇ પણ જાતની તસ્દી અધિકારીઓ દ્વારા લેવામાં આવતી નથી.
આ રજૂઆતમાં વધુમાં જણાવેલ કે, વેરાવળ ડેપો ઉપરથી ઉપડતી બસોના રૂટોમાં અધિકારીની મનમાની થતી હોવાનું જણાવેલ છે અને આ બાબતે રાજકીય નેતાઓને પણ રજૂઆત કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરેલ છે.

રિલેટેડ ન્યૂઝ