ગાંધીનગરમાં રાજકોટનું રાજ ગયુ

રૂપાણી ગાંધીનગરમાં જ રહેશે
ગુજરાતના રાજકારણમાં આવેલા અણધાર્યા વળાંકના કારણે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મુખ્યમંત્રીપદ છોડવુ પડ્યુ છે પરંતુ તેમણે ગાંધીનગરને જ હેડકવાર્ટર બનાવવાની જાહેરાત કરી છે અને તેઓ ગાંધીનગરમાં જ રહેનાર હોવાથી રાજકોટ શહેર-જિલ્લાનું રાજકિય ગતવિધિઓનુ કેન્દ્ર હવે ગાંધીનગર ખાતે વિજયભાઈ રૂપાણીનું નિવાસ સ્થાન બનશે તે નિશ્ર્ચિત મનાય છે. સરકારમાં રજુ કરવાની યોજનાઓ વિજયભાઈ મારફતે રજુ કરવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.
ભાજપ-આમપ્રજામાં ભારે નારાજગી
ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષથી મુખ્યમંત્રીપદે રહેલા વિજયભાઈ રૂપાણીને અચાનક જ રાજીનામું આપવાની ફરજ પડતાતા અને સિનિયર પ્રધાનો સહિત સમગ્ર પ્રધાનમંડળને ઘેર બેસાડી દેવામાં આવતા તેમજ પ્રધાનોના બંગલા પણ રાતોરાત ખાલી કરાવી નખાતા ભાજપના કાર્યકરો અને આમ જનતામાં પણ ભારે નારાજગી જોવા મળી રહી છે. પ્રધાનમંડળની રવાનગી બાદ તેમની સાથે થયેલા વ્યવહારની લોકોમાં ભારે ટિકા થઈ રહી છે.

રાજકોટ તા,16
ગુજરાતની ભાજપ સરકારમાં અણધાર્યા ફેરફારો આવતા અને મુખ્યમંત્રી સહિત આખુ પ્રધાનમંડળ ઘરભેગુ કરી દેવામાં આવતા છેલ્લા પાંચ વર્ષથી ગુજરાતની ગાદી ઉપર રહેલો રાજકોટનો દબદબો પુરો થઈ ગયો છે. અત્યાર સુધી રાજકોટમાંથી ચૂંટાયેલા ધારાસભ્ય વિજયભાઈ રૂપાણી પાંચ વર્ષથી મુખ્યમંત્રી હતા જ્યારે જિલ્લાના બે ધારાસભ્યો જયેશ રાદડિયા અને કુંવરજીભાઈ બાવળિયા કેબીનેટ પ્રધાન હતા.
પરંતુ ભુપેન્દ્ર પટેલની સરકારમાં રાજકોટના એકમાત્ર ધારાસભ્ય અરવિંદ રૈયાણીને રાજ્યકક્ષાનું પ્રધાનપદ મળતા રાજકોટનો અર્ધાદાયકાનો દબદબો પુરો થઈ ગયો છે.
અગાઉ સરકારમાં રાજકોટનો દબદબો હતો. ગાંધીનગરમાં રાજકોટ મહાનગરપાલિકા તેમજ જિલ્લા પંચાયતના પદાધિકારીઓ માટે ગ્રીન ચેનલ એન્ટ્રી હતી અને દરેક યોજનાઓ કામો પ્રાયોરિટીના ધોરણે ફટાફટ મંજુર થઈ જતા હતા પરંતુ હવે રાજકોટ શહેર-જિલ્લાના પદાધિકારીઓને પણ ગાંધીનગરમાં વેઈટીંગમાં બેસવુ પડે તેવી સ્થિતિ છે.
વિજયભાઈ રૂપાણીના પાંચ વર્ષના મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન રાજકોટ શહેરના ધાર્યા નિશાન પાર પડ્યા છે. એઈમ્સ, ઈન્ટરનેશનલ એરપોર્ટ સહિતની મોટી યોજનાઓ પણ તેમના કારણે જ રાજકોટને મળી હતી. આજી-1 ડેમમાં ખાસ કિસ્સામાં સૌની યોજનામાં સમાવેશ પણ વિજયભાઈના કારણે જ થયો હતો. આવી અનેક યોજનાઓ રાજકોટને પાંચ વર્ષના ગાળામાં મળી હતી.
આ ઉપરાંત જેતપુર-જામકંડોરણાના યુવા ધારાસભ્ય જયેશ રાદડિયા અને જસદણના ધારાસભ્ય કુંવરજી બાવળિયા કેબીનેટ પ્રધાન હોવાથી રાજકોટ જિલ્લાના પ્રશ્ર્નોનો પણ ફટાફટ નીકાલ થતો હતો પરંતુ નવી સરકારમાં સિનારીયો બદલાયો છે. અરવિંદ રૈયાણીને રાજ્યકક્ષાનું પ્રધાનપદ મળ્યુ છે પરંતુ સરકારમાં તેનુ વજન કેટલુ રહે છે તે હાલ કહેવુ વહેલુ ગણાશે.

રિલેટેડ ન્યૂઝ