ખંભાળિયામાં 128 વર્ષ જૂની પુરુષોની પરંપરાગત ગરબીનું અનેરું આકર્ષણ

ખંભાળિયા પંથકમાં નવરાત્રિનો જામતો માહોલ
જામ ખંભાળિયા, તા.10
ખંભાળિયામાં આદ્યશક્તિની આરાધનાના પર્વ નવરાત્રીની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. કોરોના સંદર્ભે સરકારની ગાઈડલાઈન મુજબ અર્વાચીન નવરાત્રી કે ડિસ્કો ડાંડીયાના આયોજનો ન કરવામાં આવતા એક ચોક્કસ વર્ગ ખુશ થયો છે. પરંપરાગત ગરબી રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવતા અનેક માઇ ભકતોમાં આ ઉજવણી સંદર્ભે રાહત સાથે ઉમંગ જોવા મળે છે. આ સાથે શહેરના જુદા જુદા વિસ્તારોમાં ભક્તિ ભાવપૂર્વક માતાજીની આરાધના કરવામાં આવે છે.
ખંભાળિયા પંથકના જુદા જુદા વિસ્તારોમાં હાલ મર્યાદિત સંખ્યામાં પારંપરિક ગરબીના આયોજનો કરવામાં આવ્યા છે. શહેરની મધ્યમાં આવેલા નગર ગેઈટ વિસ્તાર પાસેના રામ મંદિર નજીક આ વખતે પણ પુરુષોની પરંપરાગત ગરબીનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. 128 વર્ષ જૂની આ ગરમીમાં પુરુષો પ્રાચીન દુહા, છંદ તથા ગરબા વડે માતાજીની સ્તુતિ કરે છે. સતવારા ગરબી મંડળના કાર્યકરો દ્વારા આયોજિત આ ગરબીનો લાભ મોટી સંખ્યામાં ભક્તજનો લ્યે છે.આ ઉપરાંત અહીના પોસ વિસ્તાર રામનાથ સોસાયટી ખાતે ચામુંડા ગરબી મંડળ તથા નવદુર્ગા ગરબી મંડળમાં અનેક બાળાઓ પરંપરાગત પરિવેશ ધારણ કરી અને આધ્યશક્તિની ઉપાસના કરે છે.

રિલેટેડ ન્યૂઝ