આરોગ્ય તંત્ર સક્રિય : સમગ્ર જિલ્લામાં 80 ટકા રસીકરણ

જિલ્લાના 7.95 લાખ લોકોએ રસીનો પ્રથમ ડોઝ મેળવ્યો

(પ્રતિનિધિ દ્વારા)
વેરાવળ તા.13
કોરોના મહામારીમાંથી બહાર આવવા માટે રસીકરણ અમોઘ શસ્ત્ર સાબિત થઇ રહ્યું છે, ત્યારે આ માટે ગીર સોમનાથ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા 100 ટકા રસીકરણ થાય તે માટે નવતર પ્રયોગો સાથે અથાગ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેના પરિણામે આજે ગીર સોમનાથ જિલ્લાના 343 ગામોમાં 100 ટકા રસીકરણ થયું છે. સાથે જ સમગ્ર જિલ્લામાં 80 ટકા જેટલું રસીકરણ થઇ ચૂક્યું છે. તેમજ રાજ્ય સરકારે પણ કોરોનાની ત્રીજી લહેર ન આવે અને કોરોના વાયરસના સંક્રમણને ખાળવા માટે મહત્તમ રસીકરણ થાય તે દિશામાં અનેક પગલાં ભર્યાં છે. તે માટે સમગ્ર રાજ્યમાં રસીકરણ મહાભિયાન પણ હાથ ધરવામાં આવ્યું.
સમગ્ર જિલ્લામાં રસીકરણની કામગીરીની વિગતો આપતા બાળ આરોગ્ય અધિકારી (આર.સી.એચ.ઓ.) અને કાર્યકારી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.અરૂણ રોયએ જણાવેલ કે, કોરોના મહામારીમાંથી બહાર આવવા માટે ઝૂંબેશ સ્વરૂપે રસીકરણની કામગીરી કરવામાં આવી રહી છે. આ માટે જિલ્લા ઓરોગ્ય તંત્રના અધિકારી-કર્મચારીઓ દિવસ-રાત સખત મહેનત કરી રહ્યા છે. તેના સારા પરિણામો પણ પ્રાપ્ત થયા છે. હાલ ગીર સોમનાથ જિલ્લામાં કુલ 7.95 લાખ જેટલા નાગરિકોએ રસીનો પ્રથમ ડોઝ લઇ લીધો છે. આમ, સમગ્ર જિલ્લામાં 80 ટકા જેટલુ રસીકરણ થઈ ચૂક્યું છે. આ ઉપરાંત 3.24 લાખ લોકોએ રસીનો બીજો ડોઝ પણ લઇ લીધો છે. આ રસીકરણની કામગીરી જિલ્લા કલેક્ટર રાજદેવસિંહ ગોહીલના વડપણ અને જિલ્લા વિકાસ અધિકારી રવીન્દ્ર ખતાલેના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહી છે. તેમજ હાલ રજા ઉપર રહેલા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી એચ.એચ.ભાયાની દોરવણી હેઠલ મહત્તમ રસીકરણની કામગીરી કરવામાં આવી છે.
જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગના અધિકારીઓ-કર્મચારીઓએ ટીમ વર્કથી કામ કરીને મહત્તમ રસીકરણ કરવામાં સફળતા મળી છે. ચૂંટાયેલી પાંખ, ધાર્મિક-સામાજિક અને સ્થાનિક અગ્રણીઓના સહયોગથી વેક્સિનેસનમાં ગીર સોમનાથ જિલ્લો અગ્રેસર રહ્યો છે. ઇન્ચાર્જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.અરૂણ રોય અને મેડિકલ ઓફિસર ડી.કે.ગોસ્વામીએ રસીકરણ માટે અપનાવેલી રણનીતિનો વિગતવાર ચિતાર આપ્યો હતો. જે નીચે મુજબ છે.
રસીકરણ માટે નવતર પ્રયોગો
ગ્રામસભા-રાત્રીસભામાં રસીકરણ અંગેની જાગૃતતાની સાથે વેક્સીનેશન કેમ્પ… :- ઘણાં રૂઢીચુસ્ત માન્યતા ધરાવતા લોકો રસી લેવાથી દૂર રહેતા હતા. તેવા સમયમાં જિલ્લા કલેક્ટર શ્રી રાજદેવસિંહ ગોહીલ અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી રવીન્દ્ર ખતાલે સહિતના અધિકારીઓ ગ્રામસભા-રાત્રીસભામાં પ્રત્યક્ષ ઉપસ્થિત રહી લોકોને સાચી જાણકારી અને સ્પષ્ટ માર્ગદર્શન આપ્યું હતું. આમ, જિલ્લાના શીર્ષ અધિકારીઓએ લોકોમાં રહેલી ગેરમાન્યતાઓ દૂર કરી, ગ્રામજનોને રસી લેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. આ ગ્રામસભા-રાત્રીસભાઓની સાથે વેક્સીનશન કેમ્પ પણ યોજવામાં આવતા હતા. જેથી લોકો સ્થળ પર જ રસી મેળવી શકે.
રસીકરણ માટે મસ્જિદના માઈક પરથી એલાન… :- કોરોના વાયરસ સામે સુરક્ષા કવચ પુરી પાડતી રસી અંગે લોકોમાં ઘણી ગેરમાન્યતાઓ પ્રવર્તીતી હતી. સાથે જ એટલી અફવાઓ પણ ફેલાવવામાં આવતી હતી. ત્યારે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા રાજકીય, ધાર્મિક, આગેવાનોને સાથે રાખી રસીકરણ અંગેની ગેરમાન્યતાઓ દૂર કરતાં સંદેશાઓને મસ્જિદના માઈક પરથી એલાન કરવામાં આવ્યા હતા. જેનો લોકોમા પણ સારો પ્રતિસાદ સાપડ્યો હતો. આમ, વ્યાપક જનજાગૃતિના પગલે વધુ રસીકરણ કરવામા સફળતા મળી હતી.
ગીર જેવા દુર્ગમ વિસ્તારમાં મોબાઈલ વેન દ્વારા ડોર-ટુ-ડોર રસીકરણ… ગીર અભ્યારણ્યના ઘણા ભૂભાગનો ગીર સોમનાથ જિલ્લામાં સમાવેશ થાય છે. આ અભ્યારણ્યમાં મહંદઅંશે માલધારી સમાજ વસવાટ કરે છે. ત્યારે આ વિસ્તારના જુદા-જુદા નેસ અને અન્ય દુર્ગમ સ્થળોએ પણ મોબાઈલ વેન દ્વારા ડોર-ટુ-ડોર રસીકરણ આરોગ્ય કર્મીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. આમ, આંતરયાળ વિસ્તારમાં પણ જિલ્લાનો કોઈ પણ નાગરિક રસીથી વંચિત ન રહે તે માટે ઓરોગ્ય તંત્ર દ્વારા અથાગ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
સાગરખેડૂઓનુ રસીકરણ… રાજ્યના મુખ્ય બંદરો પૈકીમાના એક વેરાવળ બંદરોનો સમાવેશ થાય છે. અહીં મોટી સંખ્યામાં સાગરખેડૂઓ વસવાટ કરે છે. તેઓને વ્યવસાય અર્થે લાંબા સમય સુધી દરિયાઈ સફરે જવુ પડતુ હોય છે. જેથી આ સાગરખેડૂઓ સરળતાથી રસી મેળવી શકે તે માટે તેઓના આગેવાનો-પટેલો સાથે રાખીને જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા બોટ પર પણ જઈ રસીકરણની કામગીરી કરી હતી. આમ, સારગરખેડૂઓ માટે પણ અલાયદા વેક્સીનેશનના કેમ્પ રાખવામાં આવ્યા હતા.
જાહેરરજામાં પણ રસીકરણ… લોકો જાહેર રજાના દિવસોમાં પણ રસી લઈ શકે તે માટે રવિવાર સહિતની જાહેર રજાના દિવસોમાં પણ રસીકરણની કામગીરી ચાલુ રાખવામાં આવી હતી. જેથી નોકરિયાત અને શ્રમિકો સહિતના વર્ગો પણ સરળતાથી રસી મેળવી શકે.
રસીનો બીજો ડોઝ લઈ જાવ… લોકોને ફોન કરીને અપાઈ જાણકારી… રસીનો પ્રથમ ડોઝ લીધા પછી ઘણાં નાગરિકો બીજો રસીનો ડોઝ લેવાનુ મુદત-સમય ભૂલી જતા હોય છે. ત્યારે જિલ્લા ઓરોગ્ય તંત્ર દ્વારા જે લોકોને રસીનો બીજો ડોઝ લેવાનો સમય થઈ ગયો હોય, તેવા નાગરિકોને વ્યક્તિગત ફોન કરીને રસીનો બીજો ડોઝ લેવા માટે ટેલિફોનિક જાણકારી આપવામાં આવે છે.
રસીકરણ માટે સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ… જિલ્લામાં મહત્તમ રસીકરણ થાય તે માટે સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો હતો. કંઈ રસી, ક્યા સેન્ટર પર ઉપલબ્ધ છે ? જેવી તમામ વિગતોને વિવિધ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મથી પર શેર કરવામાં આવી હતી. જેથી લોકોને રસી અંગેની જાણકારી સરળતાથી મળી રહે.
આમ, વ્યાપક જનજાગૃતિ અને જિલ્લા આરોગ્ય તંત્રના તાલુકા આરોગ્ય અધિકારી, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર, ખઙઇંઠ, ઋઇંઠ, આશા ફેસિલીટેટર, આશા બહેનો સહિતના આરોગ્યકર્મીઓ સખત પરિશ્રમના પગલે મહત્તમ રસીકરણ કરવામાં સફળતા મળી છે.

રિલેટેડ ન્યૂઝ