જામનગરના રામપરની મહિલાનું સર્પદંશથી મોત

(પ્રતિનિધિ દ્વારા)
જામનગર તા 14
જામનગરમાં તાલુકાના રામપર ગામમાં રહેતી અને ખેત મજૂરી કામ કરતી આદિવાસી શ્રમિક મહિલાને વાડીમાં ઝેરી સર્પ કરડી જતાં વિપરીત અસર થયા પછી સારવાર દરમ્યાન મૃત્યુ નિપજયું છે.
મૂળ દાહોદ ની વતની અને હાલ જામનગર તાલુકાના રામપર ગામ માં રહીને ખેત મજૂરી કામ કરતી લક્ષ્મીબેન વિનુભાઈ કટારા નામની 37 વર્ષની શ્રમિક યુવતીને પોતાની વાડીમાં ખેતી કામ કરી રહી હતી, જે દરમિયાન તેને ઝેરી સાપ કરડી જતાં વિપરીત અસર થવાથી બેશુદ્ધ બની ગઇ હતી.
જેને સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નીપજયું હતું.
સગીરા ને ભગાડી
લઈ જતો યુવાન
જામનગર નજીકના દરેડ જીઆઇડીસી વિસ્તારમાં રહેતી એક પરપ્રાંતીય સગીરાનું તેના પાડોશમાં રહેતો ઉત્તર પ્રદેશનો વતની એવો પરપ્રાંતિય શખ્સો લગ્ન કરવાના ઇરાદાથી ઉઠાવી ગયો હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે.
મૂળ મધ્ય પ્રદેશના વતની એવા શ્રમિક પરિવારની 16 વર્ષની પુત્રી કે જે હાલ દરેડ જીઆઇડીસી વિસ્તારના બ્રાસપાર્ટના એકમમાં રહીને મજૂરી કામ કરતી હતી, અને તેના પરિવાર સાથે રહેતી હતી.
જયાંથી તેણી એકાએક ગાયબ થઈ ગઈ હતી, અને પરિવારજનો દ્વારા તેણીની શોધખોળ ચલાવવામાં આવી રહી હતી. તે દરમિયાન દરેડ જીઆઇડીસી વિસ્તારમાં રહેતો મૂળ ઉત્તર પ્રદેશ નો વતની સંજય જાટવ નામનો શખ્સ સગીરાના સંપર્કમાં આવ્યા પછી લગ્ન કરવાના ઇરાદાથી અપહરણ કરી ગયો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.
જેથી ગુમ થનાર સગીરાના પિતાએ જામનગર પોલીસ મથકમાં સંજય જાટવ નામના શખ્સ સામે પોતાની પુત્રીના અપહરણની ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ શરૂ કરી છે.

રિલેટેડ ન્યૂઝ