રાજકોટની 5 સ્ટાર હોટલના મફીન્સમાં જીવાત, ગ્રાહકે રજૂઆત કરતા મેનેજર લાજવાને બદલે ગાજ્યો

રાજકોટ મનપાનો આરોગ્ય વિભાગ શહેરીજનોને આરોગ્યપ્રદ ખોરાક મળી રહે તે માટે સતત કાર્યરત હોવાના પોકળદાવા કરતું હોય તેવી ઘટના સામે આવી છે. એક તરફ આરોગ્ય વિભાગ દ્વારા દૈનિક ખાણી-પીણીના ધંધાર્થીઓ પર દરોડા પાડી બિનઆરોગ્યપપ્રદ ખોરાકનો નાશ કરવામાં આવે છે. છતાં કહેવાતી ફાઈવ સ્ટાર હોટેલમાં ક્યારેય આરોગ્ય વિભાગ ફરકતું પણ નથી. ત્યારે રાજકોટની 5 સ્ટાર હોટલ ઈમ્પીરીયલ પેલેસમાં મફીન્સમાંથી જીવાત મળી આવી હતી. આ મામલે ગ્રાહકે હોટેલ તંત્રને રજૂઆત કરતા મેનેજરે પોતાની ભૂલ સ્વીકારવાને બદલે ગ્રાહક સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું હતું.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટની નામાંકિત હોટલ ઈમ્પીરીયલ પેલેસમાં સાગર રાઠોડ નામના ગ્રાહકે પોતાનું ઓનલાઇન પેમેન્ટનું બિલ રજૂ કરી હોટેલ તંત્રને કહે છે કે, હોટેલમાંથી લીધેલા મફીન્સમાંથી જીવાત નીકળી છે. અને તે મફીન્સ પણ હોટેલના સંચાલકોને દેખાડે છે. આ મામલે હોટેલ મેનેજર રાહુલ રાવ ત્યાં આવે છે અને ગ્રાહક સાગર સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરીને એવું કહેવામાં આવે છે કે ‘તમે અહીં કંઈ ચર્ચા ન કરો જે કંઈ વાત કરવી હોય તે મારી સાથે ઓફિસમાં કરો. અમે આ કેકની હવે કોઈ પણ પ્રકારની જવાબદારી લેવા માટે તૈયાર નથી’ જ્યારે સામે પક્ષે સાગર રાઠોડે કહ્યું હતું કે,’ તેણે આ કેકનું ઓનલાઈન પેમેન્ટ કર્યું છે તેની પાસે તેનું બિલ પણ છે. તો હોટેલ કેમ જવાબદારી લેતી નથી.’ તેના પ્રયુત્તર સ્વરૂપે મેનેજરે ધમકી આપતા કહ્યું હતું કે, અહીં બરાડા ન પાડો નહિતર પોલીસને જાણ કરવામાં આવશે. તમે અહીંથી જતા રહો.’

ગ્રાહક સાગર રાઠોડે એવો પણ દાવો કર્યો છે કે આ મફીન્સનું સેવન કર્યા બાદ તેની ભત્રીજીએ બીમાર પડી છે અને તેને ખુબ જ ઝાડા ઉલ્ટી થઈ ગયા છે. અને તેમણે આરોગ્ય તંત્રને સંબોધીને એવું કહ્યું હતું કે, તમે કોઈ વાર આવી મોટી હોટલમાં આવીને દરોડા પાડો. અમારી કેક માંથી 5 જીવાત નીકળી હોટેલના કિચનમાંથી 50 હજાર જીવાત નીકળશે.

આ સમગ્ર વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે પરંતુ અહીં રાજકોટની જનતા આરોગ્ય વિભાગને એ પ્રશ્ન પૂછવા માટે તત્પર થઈ છે કે દૈનિક બિન આરોગ્યપ્રદ ખોરાક પર કાર્યવાહી કરવામાં આવે છે તો કહેવાથી ફાઇવ સ્ટાર હોટેલમાં આટલી મોટી બેદરકારી થઈ રહી છે છતાં આરોગ્ય તંત્રના દરોડા કેમ નથી પડી રહ્યા. ? શું આરોગ્ય તંત્ર આ બાબતે હોટેલ સાથે જોડાયેલું છે ? તેવી ચર્ચા શહેરીજનો કરી રહ્યા છે. હવે જોવાનું રહેશે કે આ મામલે તંત્રવાહકો દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે.

રિલેટેડ ન્યૂઝ