રાજકોટની શાળા નં.93માં તોડફોડ મામલે વાલીઓ અને વિદ્યાર્થીઓએ રસ્તા પર બેસી ધરણા કર્યા

રાજકોટની શાળા નંબર 93માં થયેલો વિવાદ દિવસેને દિવસે વકરી રહ્યો છે. આ વિવાદ વકર્યા બાદ આજે વાલીઓ અને વિદ્યાર્થીઓ મોકાજી સર્કલ પાસે રોડ પર ધરણા પર બેસી ગયા હતા. ધરણા પર બેઠેલા વાલીઓની એક જ માગ છે કે, દત્તક આપવાના નામે શાળા ઉપર કબજો કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આથી મોટી સંખ્યામાં વાલીઓ અને શિક્ષણ સમિતિના શાસકોના આ શિક્ષણ વિરોધી નિર્ણયનો વિરોધ કરવા રસ્તા પર ઉતરી આવ્યા હતા.

આ મુદ્દે વિદ્યાર્થીઓ અને વાલીઓએ એવો આક્ષેપ કર્યો છે કે, શિક્ષણ પ્રધાન તપાસના આદેશને તંત્ર ઘોળીને પી ગયું છે. સમગ્ર મામલો વધારે ઉગ્ર બનતા વિદ્યાર્થી અને વાલીઓ મોકાજી સર્કલ ઉપર રસ્તા ઉપર ઉતર્યા અને ચક્કાજામ કર્યો હતો. વિદ્યાર્થી અને વાલીઓની એક જ માંગ છે કે, શાળાના MOU રદ કરવામાં આવે.

આજે શાળા નંબર 93ના આચાર્યા વનિતાબેન રાઠોડે સર્વ ફાઉન્ડેશના ટ્રસ્ટી વિરુદ્ધ મીડિયા સમક્ષ નિવેદન આપ્યું છે કે, શાળા નંબર 93 ગત જાન્યુઆરીથી સર્વ ફાઉન્ડેશનને દત્તક આપવામાં આવી છે. આ ફાઉન્ડેશને શાળામાં વિકાસના બદલે તોડફોડ કરી નાખી છે, નવો રંગ રંગાવી શાળામાં રંગ બદલાવવામાં આવ્યો હતો. આ તમામ બાબતો અમારા નીતિ નિયમ વિરૂદ્ધ છે. સરકારી શાળા ખૂબ સારી રીતે સંચાલિત થતી હતી. છતાં આ શાળા દત્તક દેવામાં આવી છે. આજે DEO પાસે અમે સમગ્ર મામલે રજૂઆત કરી હતી. ત્યારે આ મુદ્દે આજે વાલીઓએ રસ્તા પર ઉતરીને ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો.

રિલેટેડ ન્યૂઝ