આજી-1 ડેમમાં નર્મદાના નીર ભરવાની કામગીરી શરૂ

રાજકોટ તા.23
રાજકોટ શહેરને દૈનિક પીવાના પાણી માટે આજી-1 ડેમમાં સૌની યોજના મારફત જળ જથ્થો આપવાનો નિર્ણય કરી તા.21/ 02/2023ના રોજ આજી ડેમ ખાતે સૌની યોજનાનું પાણી પહોંચી ગયેલ છે. જે બદલ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો મેયર ડો.પ્રદિપ ડવ સહિતના પદાધિકારીઓએ આભાર વ્યક્ત કર્યો છે. મેયર ડો.પ્રદિપ ડવ, ડે.મેયર અને ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, શાસક પક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળા, વોટર વર્કસ સમિતી ચેરમેન દેવાંગભાઈ માંકડ એક સંયુક્ત યાદીમાં જણાવે છે કે, રાજકોટ શહેરને દૈનિક 20 મિનિટ પીવાનું પાણી આપવામાં આવે છે. સ્થાનિક જળાશયો આજી, ન્યારી, ભાદર અને નર્મદા પાઈપલાઈન દ્વારા આશરે 350 એમએલડી પાણી મેળવી વિતરણ કરવામાં આવે છે. આગામી ઉનાળાની ઋતુમાં 20 મિનિટ પાણી પુરવઠો જાળવી રાખવા સ્થાનિક આજી-1 ડેમ માટે સરકારમાં 1080 એમસીએફટી પાણી જાન્યુઆરી માસમાં ફાળવવા માંગણી સાથે વિનંતી કરાયેલ. જેના અનુસંધાને સરકાર દ્વારા તા.21/ 01/2023ના રોજ આજી-1 ડેમ ખાતે સૌની યોજનાનું પાણી પહોંચી ગયેલ છે. જે બદલ ગુજરાત રાજ્યના માન.મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો પદાધિકારીઓએ આભાર વ્યક્ત કરેલ છે. આજી-1માં કુલ 29 ફૂટની સપાટી છે. જેમાં સૌની યોજનાનું પાણી આવ્યા પહેલા 376 એમસીએફટી પાણીનો જથ્થો હતો. જે ધ્યાનમાં રાખી સૌની યોજનાનું પાણીની માંગણી કરવામાં આવેલ. સરકાર દ્વારા પ્રથમ તબક્કામાં આશરે 600 એમસીએફટીથી વધુ પાણી ફાળવશે. ત્યારબાદ મે- જુનમાં જરૂરીયાત મુજબ ફરીને જથ્થો આપવામાં આવશે. સને 2017થી આજી-1ને નર્મદા સાથે જોડી અત્યાર સુધીમાં 27 વખત સૌની યોજનાનું પાણી આજી-1 ડેમમાં ઠાલવેલ છે. જ્યારે જયારે રાજકોટને પાણીની જરૂરીયાત ઉભી થઈ છે ત્યારે સરકાર દ્વારા સૌની યોજનાનું પાણી ફાળવવામાં આવેલ છે. તેમ, અંતમાં પદાધિકારીઓએ જણાવેલ છે.

રિલેટેડ ન્યૂઝ