મેંદરડામાં ઝાપટા પડ્યા, લીંબડીમાં મધરાતે કરા સાથે વરસાદ પડ્યો : રાણપુરમાં ભારે પવનથી વરિયાળીનો પાક સુઈ ગયો
રાજકોટ તા. 17
રાજકોટ સહિત સૌરાષ્ટ્રના હવામાન અણધાર્યા ફેરફાર થઈ રહ્યા છે. આજે સવારે રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર, પંથકમાં ઝાકળ વર્ષા થયા બાદ બપોર પછી વંથલીમાં મુશળધાર કમોસમી વરસાદ ખાબક્યો હતો. અડધો કલાકમાં અડધો ઈંચ વરસાદ પડતા શહેરમાં ગોઠણડુબ પાણી ભરાયા હતા.
રાજકોટ શહેરમાં આજે સવારે અચાનક ભેજનું પ્રમાણ વધી ગયું હતું. સવારે ભેજનુંપ્રમાણ 91 ટકા રહેવા પામેલ હતું. ઝાંકળ વર્,ાના કારણે વ્હેલી સવારે વાહન ચાલકોને વાહન ચલાવવામાં મુશ્કેલી પડી હતી. બાદમાં બપોરે આકરો તાપ પડ્યો હતો. તે પછી ધાબડીયુ વાતાવરણ છવાયું હતું.
મેંદરડા
મેંદરડા આજરોજ વરસાદના ઝાપટા પડ્યા હતા. કેસરકેરી પાક બગીચામાં હોય તેમજ ઘઉં કાઢવાનું પણ ચાલુ છે. જેને લઈખેડુતોમાં ચિંતા તુર થયા હતા.
સુરેન્દ્રનગર
લીંબડીમાં ગઇકાલે મોડી સાંજે વાતાવરણમાં અચાનક જોરદાર પલ્ટો આવ્યા બાદ બરફના કરા અને પવનના સૂસવાટા સાથે મુશળધાર વરસાદ ખાબકતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. લીંબડી શહેર તેમજ ચુડા પંથકમાં ભારે પવન અને વાવઝોડા સાથે વરસાદ આવતા ખેતીમા ભારે નુકસાન થવાની આશંકાથી જગતના તાતની કફોડી હાલત થવા પામી હતી. જ્યારે હાઇવે ઉપર કલાકો સુધી વાહનોની મોટી લાઈનો લાગી ગઈ હતી મોટા મોટા કરા પડવાના કારણે ચારે બાજુ સફેદ ચાદર છવાઈ જેવા ભામી હતી ત્યારે હાઇવે ઉપર સતત એક કલાક સુધી વાહનો પણ થંભી ગયા હતા અને વીજળી પણ ગુલ થઈ ગઈ હતી.
ભાવનગર
ભાવનગર શહેરમાં આજે સવારે અદભુત ધુમ્મસ નો નજારો જોવા મળ્યો છે. ભાવનગરની ધરતી એ રીતસર વાદળાની ચાદર ઓઢી હતી. ધુમ્મસ થતા વાહનચાલકો લાઈટો ચાલુ રાખવાની ફરજ પડી હતી. ભાવનગર શહેર માં વાદળછાયા વાતાવરણ વચ્ચે ગાઢ ધુમ્મસ છવાયું હતું. સવારે શહેરના મુખ્ય રસ્તાઓ પર ચારે તરફ ધુમ્મસ વાળું વાતાવરણ જોવા મળતા આહલાદક નજારો જોવા મળ્યો હતો. પણ વાહનચાલકોને થોડેક અંશે મુશ્કેલીમાં મુકાયા હતા કારણકે ઘુમમ્સ એટલું ગાઢ હતું કે નજીકના અંતરે થી પણ કોઇપણ વસ્તુઓ દેખાતી ન હતી અને વાહન ચાલકોને ફરજીયાત પણે લાઈટો ચાલુ રાખી ને ધીમે ધીમે પસાર થવું પડ્યું હતું.
તળાજા
તળાજા શહેર અને આસપાસના દસેક પંદરેક કિમી દૂર ગામડાઓમાં વહેલી સવારથી વાતાવરણ ધુમ્મસ નું વાતવરણ છવાયું હતું.જેને લઇ ખાસ કરીને હાઇવે પર દોડતા વાહન વ્યવહાર ની ગતિ ને અસર થઈ હતી.ઝાંકળ વર્ષા નરી આંખે દેખાય તે રીતે વર્ષી હતી.જેને લઇ વાહન ના કાચ સાફ કરવા માટે વાયપર શરૂ કરવાની ફરજ પડી હતી.હિલ સ્ટેશન આબુ જેવું વાતાવરણ તળાજા મા જોવા મળ્યું હતું.
રાણપુર શહેર સહીત પંથકમાં વિજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર કમોસમી વરસાદ વરસતા ખેડુતો ને હાથ માં આવેલો કોળીયો ઝુટવાય ગયો છે.રાણપુર પંથકમાં પડેલા ભારે પવન સાથે પડેલા ભારે વરસાદ ને કારણે ખેડુતો ના ઉભા પાક ને ભારે નુકશાનની ભોગવવાનો વારો આવ્યો છે.તૈયાર થયેલ વળીયાળી,ઘઉં,જીરૂ જેવા ઉભા પાક ભારે પવન અને વરસાદ ને કારણે જમીન દોસ્ત થઈ ગયા છે જેના કારણે ખેડુતો ના તૈયાર થયેલ પાક ને નુકશાન થતા ખેડુતો ની ચિંતા માં વધારો થયો છે.ત્યારે સરકારી તંત્ર રાણપુર પંથકમાં થયેલ નુકશાનીનો સર્વે કરી ખેડુતો ને તાત્કાલિક સહાય આપે એવી ખેડુતોએ સરકાર પાસે માંગણી કરી છે.