મોટી પાનેલી પંથકમાં માવઠાથી પાકને વ્યાપક નુકશાન

ખેતરમાં ખેડૂતોએ રામધૂન બોલીને વરૂણ દેવને રિજવ્યા: ધારાસભ્ય પાડલીયા તેમજ જિ.પં. સભ્ય ભાલોડીયાએ કરી લેખિત રજુઆત

મોટી પાનેલી,તા.25
ઉપલેટા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની અંદર હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીને પગલે કમોસમી વરસાદ પડ્યો છે. છેલ્લા એક અઠવાડિયાથી રાજકોટ જિલ્લા સહિત તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તાર તેમજ આસપાસના પંથકમાં પડી રહેલા કમોસમી વરસાદને લઈને ખેડૂતોના ખેતરમાં પડેલી જણસીઓ તેમજ ઊભા મોલમાં વ્યાપક નુકસાની વેઠવાનો વારો ખેડૂતોનો આવ્યો છે.
રાજકોટ જિલ્લા સહિત સૌરાષ્ટ્ર પંથકની અંદર પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના મોઢે આવેલો તૈયાર કોળિયો જાણે છીનવાઈ ગયો હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. કમોસમી વરસાદ થવાના કારણે ખેડૂતોના મોલની અંદર વ્યાપક નુકસાન થયું છે. ખાસ કરીને ઘઉં, ધાણા, ચણા, જીરૂ તેમજ તૈયાર થયેલો મોલ કે જે ખેતરોની અંદર પાથરા તેમજ ઉભળા રાખવામાં આવ્યા હોય તેના પર કમોસમી વરસાદ પડતા પલળી ગયો હોવાનું અને નુકશાની હોવાનું સામે આવ્યું છે.
મોટી પાનેલીમાં ગત દિવસોની અંદર પડેલા કમોસમી અને ધોધમાર વરસાદને પગલે ખેડૂતોના ખેતરોની અંદર તૈયાર મોલ તેમજ ઉભા મોલની અંદર વ્યાપક નુકસાન થયું છે. આ નુકશાની થતાં કુદરતને પ્રાથના કરવા માટે મોટી પાનેલી ગામના ખેડૂતોએ પોતાના ખેતરની અંદર એકત્રિત થઈ અને ઢોલ, નગારા અને મંજીરાના તાલે રામધુન બોલાવી ભગવાન વરૂણદેવને પ્રાર્થના કરી હતી. ચોમાસા દરમિયાન તેમને થતી નુકસાની સહન નથી થતી ત્યારે રવિ પાકના આ મોલમાં કમોસમી વરસાદથી તેમને અત્યંત નુકસાન થયેલ છે જેથી આ ખેડૂતોએ પોતાના ખેતરમાં રામધૂન બોલાવી તેમના દ્વારા વરૂણદેવને રીઝવવા માટેનો પણ અનોખો પ્રયાસ કર્યો છે.
આ અંગે ખેડૂતોને થયેલ નુકશાની અંગે નુકશાની અંગે પોતાની વ્યથા ઠાલવતાં ખેડૂતોએ મીડિયા સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું છે કે, છેલ્લા એક અઠવાડિયાથી સૌરાષ્ટ્ર તેમજ રાજકોટ જિલ્લા અને ઉપલેટા તાલુકામાં અને આસપાસના વિસ્તારોની અંદર કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ભારે પવન અને કડાકા-ભડાકા સાથે કમોસમી વરસાદ પડતા ખેડૂતો અને પશુપાલકોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.
ખેડૂતોના ખેતરમાં રહેલા ઘઉં ઢાળી પડ્યા છે જ્યારે જીરૂના તેમજ ધાણા અને ચણાનું વાવેતર કરેલા ખેડૂતોને પણ તૈયાર મોલમાં નુકશાની થઈ છે. ખેડૂતોએ જણાવ્યું છે કે જ્યારે તેમને આ પાકને લણવાનો સામે આવ્યો તે જ સમયે વરસાદ પડતા તૈયાર થયેલો મોલ પલડી ગયો છે અને પલડેલો માલમાં નુકસાની હોવાનું જણાવે છે.
આ સાથે બીજી તરફ માલધારીઓ કે જેવો પોતાના પશુઓ માટે ઘાસચારો તેમજ પાલવ અને સૂકો ઘાસનો ચારો એકત્રિત કરી રાખતા હોય છે તેમના પણ ઘાસચારા અને પશુઓ માટે ખવડાવવાના ચારામાં વરસાદ પડતા તે પણ પલડી ગયો છે તેથી તેઓને પણ પશુઓ માટે ઘાસચારાની શું વ્યવસ્થા કરવી તેને લઈને પણ ચિંતા સતાવી રહી છે.
સૌરાષ્ટ્ર અને ખાસ કરીને રાજકોટ જિલ્લા વિસ્તારની અંદર છેલ્લા એક અઠવાડિયાથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે ત્યારે આ વરસાદના પગલે ખેડૂતોને થયેલા નુકસાન અંગે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામના જિલ્લા પંચાયતના સભ્ય દ્વારા મોટી પાનેલી તેમજ આસપાસના વિસ્તારોની અંદર પડેલા કમોસમી વરસાદમાં ખેડૂતોને થયેલી નુકસાની અંગે તાત્કાલિક અસરથી સર્વે કરાવી ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે તેવી માંગ સાથે ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયાએ કૃષિ મંત્રીને તેમજ રાજકોટ જિલ્લા પંચાયતના મોટી પાનેલી બેઠકના સદસ્ય મીરા ભાલોડીયાએ તંત્રને પત્ર લખ્યો છે. તેમને જણાવ્યું છે કે, તેમના વિસ્તારમાં થયેલ ખેડૂતોની નુકસાની અંગે સર્વે કરાવીને ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે તેવી માંગ કરી છે.

રિલેટેડ ન્યૂઝ