રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગરમાં પારો 40 ડિગ્રીની આસપાસ: તાપ ઘટતા લોકોને હાશકારો: 28મીથી ત્રણ દિ વરસાદની આગાહી
રાજકોટ,તા.25
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં તેજ પવનની આંધી વચ્ચે આજે તાપમાનનો પારો બેથી ત્રણ ડિગ્રી નીચે સરકી જતા કાળઝાળ ગરમીથી લોકોમાં હાશકારો થયો છે. કચ્છમાં બે વ્યકિતના લુના કારણે ભોગ લેવાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આજે સૌરાષ્ટ્રમાં પવનનું જોર વધ્યું હતું. તેના કારણે તાપ ઘટયો હતો. હવામાન વિભાગે આગામી 48 કલાક સુધી તાપમાન યથા સ્થિતિમાં રહેવા આગામી કરી છે. જો કે તા.28થી ત્રણ દિવસ અમરેલી, ભાવગનર, રાજકોટ સહીત ગુજરાતના જિલ્લામાં વરસાદ પડવાની આગાહી કરી છે.
સૌરાષ્ટ્રમાં આજે અમરેલી, ભાવનગર, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં તાપમાનનો પારો 40 ડિગ્રી આસપાસ નોંધાયો છે. અમરેલી- ભાવનગરમાં 40, રાજકોટમાં 40.7, સુરેન્દ્રનગરમાં 40.8, દ્વારકામાં 31.5, ઓખામાન 33.4, પોરબંદરમાં 34.7, વેરાવળમાં 34, દિવમાં 33.2, મહુવામાં 35, કેશોદમાં 36.4, કચ્છનાં ભુજમાં 35.6, નલીયામાં 36, કંડલા પોર્ટમાં 38 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. રાજકોટ શહેરમાં ગઇકાલ કરતા આજે તાપમાન બે ડિગ્રી સુધી ઘટી ગયું હતું. જો કે પવનની ઝડપ વધી હતી આજે રાજકોટ શહેરમાં 40.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું અને પ્રતિ કલાક 20 કિમીની ઝડપે પવન ફુંકાયો હતો. બપોરના કારણે ગરમ પવનના કારણે લોકો ઘરમાં પુરાઇ રહ્યા હતા. પૂર્વ કચ્છમાં ગરમીથી બે લોકોના મોત થયાના બનાવ પ્રકાશમાં આવ્યા છે. ભચાઉ તાલુકાના સામખિયાળીમાં તળાવ પાસે રાપર તાલુકાના પદમપરના મોતી કરશન કોળી નામના 45 વર્ષિય આધેડ અને કંડલા નજીક હનુમાન મંદિર નકટી વચ્ચેથી અજ્ઞાત વૃદ્ધનું ગરમીના કારણે મોત થયાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.
ભાવનગર
ભાવનગરમાં આજે 40 કિ.મી ની ઝડપે ભારે પવન ફૂંકાવા છતાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી નોંધાયું હતું. ગરમીને કારણે બપોરે ગરમ લુ ફેકાઈ હતી. જોકે સાંજે અને સવારે ભારે પવનને કારણે લોકોએ રાહત અનુભવી હતી.
ગોહિલવાડ પંથકમાં ગરમીમાં વધારો થયો છે. ભાવનગર શહેરમાં આજે મહત્તમ તાપમાન 40 .0 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 26.2 ડીગ્રી નોંધાયું હતું .જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 45% રહેવા પામ્યું હતું. જ્યારે પવનની ઝડપ 40 કિ..મી. પ્રતિ કલાકની રહેવા પામી હતી. મહત્તમ તાપમાન વધતા બપોરના સમયે ગરમ લુ થી લોકો તોબા પોકારી ગયા હતા. જોકે દિવસભર તેજ પવન ફૂંકાતા સાંજે લોકોએ ગરમીમાં રાહત અનુભવી હતી.