જેતપુરમાં તંત્રએ આશરો છીનવતા ખુલ્લામાં દીકરીનું વેવિશાળ કરવા મજબૂર થતો પરિવાર

હું તો લગ્ન કરીને સાસરે જતી રહીશ પણ ઘર વગરના મારા પિતાનું શું થશે? દીકરીએ તંત્રને ટોણો માર્યો

જેતપુર તા.8
જેતપુરના સ્વામિનારાયણ મંદિર પાછળ તંત્રએ ડિમોલીશન કરીને ગરીબોનો આશરો છીનવી લીધો છે. ત્યારે આજે પિતાએ ખુલ્લામાં તેની દિકરીના વેવિશાળ કરવા મજબૂર બન્યો હોવાની ઘટના સામે આવી છે. દીકરીએ સાસરે જતા તંત્રને ટોણો મારીને કહ્યું કે હું તો લગ્ન કરીને સાસરે જતી રહીશ પણ ઘર વગર મારા પિતાનું શું થશે?
એક ગરીબની આત્મકથા જેવી આ ઘટના જોઈએ તો જેતપુરના જૂનાગઢ રોડ પર બીએપીએસ મંદિરની પાછળ રહેતા શ્રમિકોના મકાનોનું નગરપાલિકાએ અઠવાડિયા પૂર્વે ડીમોલેશન કરી નાખ્યું હતું. તે શ્રમિકો હજુ ત્યાં ખુલ્લા જ વસવાટ કરવા મજબુર બન્યા છે. ત્યાં આજે એક પરીવારની દીકરીની સગાઈ ખુલ્લા મેદાનમાં કરવા માટે માં-બાપને મજબૂરી સહવી પડતાં ઘર વિહોણી બનેલી દીકરીના આંસુએ ઉપસ્થિત સૌની આંખો ભીની કરી નાખી હતી.
કહેવાનું તાત્પર્ય એ છે કે કરોડો-અરબો રૂપિયાના ખર્ચે આધુનિક ડોમમાં લગ્ન, સગાઈ જેવા પ્રસંગો યોજાય તેવું તો આપણે ઘણું જોયું અને સાંભળ્યું હશે. પરંતુ ખુલ્લા મેદાનમાં આજે 40 થી 42 ડિગ્રી તાપમાનમાં સગાઈ જેવા સુખદ પ્રસંગ કરવા માટે એક શ્રમિક પરીવાર મજબુર બન્યો તે પ્રસંગ અંગેના જાણકારોના દિલ પણ દ્રવી ઉઠયા હતા.
શહેરના જૂનાગઢ રોડ પર તાજેતરમાં બીએપીએસ મંદિર બનતા ત્યાં પાછળ પચાસ વર્ષથી કાચા મકાનો બનાવીને રહેતા કેટલાક શ્રમિક પરિવારોનો આશિયાનો છીનવાઈ ગયો છે. મંદિરના કેટલાક હરિભક્તોએ શ્રમિકોએ ગાડા માર્ગ પર દબાણ કર્યાની અરજીના અનુસંધાને નગરપાલિકાએ શ્રમિકોના મકાનોનું ડીમોલેશન કરી નાખ્યું છે.
ડીમોલેશનના દિવસે જ એક પરીવારની દીકરીની સગાઈ હતી તે પરીવાર ઘર વગર સગાઈ કેમ કરવી તેવા વિચારે સગાઈ મુલત્વી રાખી હતી. પરંતુ ડીમોલેશનને અઠવાડિયું થઈ જવા છતાં રહેવાની કોઈ સગવડતા ન થતા મોટા ભાગના પરીવારો પડી ગયેલા મકાનોની બાજુમાં જ ખુલ્લા મેદાનમાં ઘર વખરી સાથે રહેવા મજબુર બન્યા છે. જેમાંથી કિશનભાઈ વાઘેલાની દીકરી સુમનની સગાઈ ડીમોલેશનના દિવસે મુલત્વી રાખેલ તે આજે બંને પક્ષોના પરિવારજનોના રડમસ ચહેરાઓ વચ્ચે ખુલ્લા મેદાનમાં 40 થી 42 ડિગ્રી તાપમાનમાં વચ્ચે યોજાઈ હતી.

રિલેટેડ ન્યૂઝ