મહારાષ્ટ્રથી દારૂ ભરી જૂનાગઢ લઈ જવાતો હતો: ચાલકની ધરપકડ, બે રાજસ્થાની સપ્લાયરના નામ ખુલ્યા: ગોંડલ તાલુકા પીએસઆઈ જે.એમ.ઝાલા ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા ત્યારે ભોજપરા પાસે શંકાસ્પદ ઉભેલો ટ્રક ચેક કરતા મોટો જથ્થો હાથ લાગ્યો
ગોંડલ નજીક નેશનલ હાઈવે પર ભોજપરા ગામ પાસે ભારત પેટ્રોલ પંપની સામે સર્વિસ રોડ પર ઉભેલો શંકાસ્પદ ટ્રક તપાસતા તેમાંથી દારૂની 55,34,400ની બોટલો મળી આવી હતી.રૂમ.55,34,400ની કિંમતનો દારૂ અને રૂ.15 લાખની કિંમતનો ટ્રક તેમજ એક મોબાઈલ ફોન મળી રૂમ.70,40,900નો મુદ્દામાલ જપ્ત કરી ગોંડલ તાલુકા પોલીસ મથકે ગુનો દાખલ કરાયો હતો અને ટ્રક ચાલકની ધરપકડ કરાઈ હતી.
પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ તાલુકા પીએસઆઈ જે.એમ.ઝાલાની રાહબરીમાં એએસઆઈ મહીપાલસિંહ ચુડાસમા, હેડ કોન્સ્ટેબલ પ્રતાપસિંહ સોલંકી, શકિતસિંહ જાડેજા, કોન્સ્ટેબલ હરેશભાઈ વાઘેલા, વગેરે પેટ્રોલિંગમાં હતાં ત્યારે ભોજપરા પાસે નેશનલ હાઈવે પર સર્વિસ રોડ પર રાત્રે 11.15 વાગ્યે એક શંકાસ્પદ ટ્રક ઉભો હતો.જેથી તેના ચાલકની પુછપરછ કરતા ગલ્લા તલ્લા કરવા લાગતા ટ્રક ચેક કરતા જીજે-12-એડબલ્યુ 0431 નંબર હતા.તેમાં કાપડની ગાંસડીઓ ભરી હતી.આ ગાંસડી હટાવી જોતા દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ટ્રક અને દારૂનો જથ્થો જપ્ત કરી ટ્રક ચાલક અશોક કુમાર ધર્મારામ માંજુ (ઉ.વ.20, રહે બાડમેર રાજસ્થાન)ની ધરપકડ કરી હતી. પુછપરછમાં જાણવા મળેલી કે રાજસ્થાનના સાંચોરના અશોક પુનમારામ બિશ્ર્નોઈ અને ઘેવરચંદ ભગીરથરામ બિશ્ર્નોઈએ મહારાષ્ટ્રના મનોર ગામેથી દારૂનો જથ્થો ભરી આપ્યો હતો.જે જૂનાગઢ ઉતારવાનો હતો. જૂનાગઢ પહોંચી સપ્લાયર જાણ કરવાના હતાં કે, કોને દારૂ આપવાનો છે જેથી દારૂ મંગાવનાર બુટલેગર કોણ? તે જાણવા પોલીસે રાજસ્થાનના બંન્ને સપ્લાયરની શોધખોળ હાથ ધરી છે.