આરંભડામાં મહિલાને મારી નાખવાની ધમકી બદલ ચાર શખ્સો સામે ગુનો

ખંભાળીયામાં મકાનમાં ચાલતી દારૂની ભઠ્ઠીમાં દરોડો: સુરજકરાડીમાં જુગાર રમતાં ઝડપાયા

ઓખા મંડળના આરંભડા ગામે રહેતા જીવીબેન લાખાભાઈ કારા નામના 45 વર્ષના હિન્દુ વાઘેર મહિલાની દીકરીએ અગાઉ કરેલી પોલીસ ફરિયાદને પાછી ખેંચી લેવાનું કહી, આરંભડા વિસ્તારમાં રહેતા આરીફ સતાર બેતારા, સત્તાર વલીમામદ બેતારા, નુરજહા સતાર વલીમામદ અને ફાતિમા બબાભાઈ બેતારાએ બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપતા આ અંગે મીઠાપુર પોલીસ મથકમાં બે મહિલાઓ સહિત તમામ ચાર સામે આઈપીસી કલમ 504, 506 (2) તથા 114 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.
ઝઘડાનું મનદુ:ખ રાખી, યુવાન પર હુમલો
ખંભાળિયામાં ભગવતી હોલ પાછળ આવેલા ચુનારા વાસ ખાતે રહેતા નિલેશભાઈ વાલાભાઈ ખરા નામના 26 વર્ષના યુવાનના ભાઈ નરેશભાઈ સાથે અગાઉ થયેલી બોલાચાલી તેમજ ઝઘડા બાબતે સમજાવવા જતા મનિષાબેન મુકેશભાઈ ધોરીયા, હેતલબેન રવિભાઈ ધોરીયા, મુકેશભાઈ ધોરીયા અને રવિ મુકેશભાઈ ધોરીયા દ્વારા ફરિયાદી નિલેશભાઈને ઢીકાપાટુ તેમજ ખરપડી વડે અને પેવર બ્લોકનો ઘા માર મારીને ઈજાઓ કર્યાની અને તેમજ બિભત્સ ગાળો કાઢી, મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસે ચારેય સામે હાથ ધરવામાં આવી છે.
વિદેશી દારૂ સાથે રાણપરનો શખ્સ ઝડપાયો: અન્ય એક ફરાર
ખંભાળિયામાં પોરબંદર હાઈવે પર આવેલી ગંગા જમના ચોકડી પાસેથી પોલીસે ભાણવડ તાબેના રાણપર વિસ્તારમાં રહેતા રામ ભીખા મોરી નામના 24 વર્ષના રબારી શખ્સને વિદેશી દારૂની 36 બોટલ તેમજ એક નંગ મોબાઈલ ફોન અને રૂપિયા 50,000 ની કિંમતના મોટરસાયકલ મળી, કુલ રૂપિયા 69,400 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.આ દરોડા દરમિયાન ગડુ ગામના પાટિયા પાસે રહેતો રમેશ દેવા મોરી નામનો શખ્સ ફરાર થઈ ગયો હોવાનું જાહેર થયું છે. આ અંગે ખંભાળિયા પોલીસ મથકમાં પ્રોહી. એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
ખંભાળિયાના મકાનમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો
ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં આવેલા શિરૂતળાવ ખાતે રહેતા હમીર માલદે ભાચકન નામના 24 વર્ષના શખ્સના રહેણાંક મકાનમાં પોલીસે દરોડો પાડી, આ સ્થળેથી દેશી દારૂ, દારૂ બનાવવાનો આથો તેમજ દારૂ બનાવવા માટેના વિવિધ સાધનો સહિત કુલ રૂપિયા 3550 નો મુદ્દામાલ કબજે કરી, આરોપી હમીર માલદેની પ્રોહી. એક્ટ હેઠળ અટકાયત કરી, આગળની તપાસ એ.એસ.આઈ. ડી.બી. ગઢવી દ્વારા હાથ ધરવામાં આવી છે.

રિલેટેડ ન્યૂઝ