થાનગઢમાં રૂપાલાની ટીકીટ રદ કરો ના નારા સાથે ક્ષત્રિય સમાજનો આક્રોશ

જો રદ નહીં કરાય તો મતદાન બહિષ્કાર-પક્ષ વિરૂધ્ધ મતદાનની ચીમકી

રાજકોટનાં ભાજપનાં ઉમેદવાર પરસોતમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલી ટીપ્પણી મામલે વિવાદ વકરતો રહે છે અને ઠેરઠેર ક્ષત્રિય સમાજમાં ઘેરા પડઘા પડેલ છે ત્યારે આ મામલે થાનગઢમાં આક્રોશભેર દેખાવો, નારાબાજી અને પુતળા દહન જેવા કાર્યક્રમો યોજીને સમાજે રોષ વ્યક્ત કર્યો હતો
સુરેન્દ્રનગર ના થાનગઢમાં ક્ષત્રિય સમાજનાં ભાઇઓ મુખ્ય આઝાદ ચૌકમાં મોટી સંખ્યામાં એકત્ર થઇ ટીકીટ રદ કરવાનાં નારા લગાવ્યા હતા અને પુતળા દહન કાર્યક્રમ સમયે ઉપસ્થિત પોલીસ સાથે પણ ચકમક ઝરી હતી
ક્ષત્રિયોના ગૌરવવંતા ઇતિહાસ બાબતે પુરૂષોતમ રૂપાલાના અણછાજતા વાણી વર્તન બાબતેનું આવેદન પત્ર ચૂટણી અધિકારી થાન મામલતદારને પાઠવ્યું હતું જેમા તાજેતરમાં રાજકોટ મુકામે ચુંટણી પ્રચાર દરમિયાન પુરૂષોતમ રૂપાલા દ્રારા ક્ષત્રિયોના ગૌરવવંતા ઇતિહાસની માન મર્યાદાનો સરેઆમ ભંગ કરીને મનફાવે તેવો વાણી વિલાસ કરેલ છે. જે તમામ બાબતો તથ્યની વેગળી હોય તથા ક્ષત્રિયોની મર્યાદાનું અપમાન કરેલ છે. જે ક્ષત્રિયો દ્રારા ભારતની અખંડીતતા માટે પોતાનું રાજ, પાટ નૌછાવર કરી આપેલ છે. તેવા ક્ષત્રિયોની માન મર્યાદા જાળવવાને બદલે પોતાની સતાને લાલસા માટે અશોભનીય ભાષણ આપ્યું છે. જેથી અમારા ક્ષત્રિય સમાજની લાગણી દુભાયેલ છે.જેની સામે અમો ક્ષત્રિયો સમાજ દ્રારા આજરોજ આ આવેદન પત્ર આપી પુરૂષોતમ રૂપાલાની લોકસભાની ઉમેદવારી રદ કરવામાં આવે તેવી અમારી માંગણી છે.
જોકે સમગ્ર મામલે ભાજપ દ્વારા પરસોતમ રૂપાલાની રાજકોટની ઉમેદવારી રદ નહીં કરાય તો વધુ આક્રમક કાર્યક્રમો યોજાશે તેમજ ક્ષત્રિય સમાજ મતદાન બહિષ્કાર અથવા ભાજપ વિરૂધ્ધ મતદાન કરશે તેવી થાનગઢનાં ક્ષત્રિય આગેવાને ચીમકી પણ ઉચ્ચારી હતી. જો કે આ મામલે પોલીસ દ્વારા કેટલાક ક્ષત્રિય આગેવાનોની અટકાયતનાં પગલા લેવાયા છે

રિલેટેડ ન્યૂઝ