સોમનાથ મંદિર પાસે થયેલા 100 જેટલા દબાણો દૂર કરતું તંત્ર

સોમનાથ શોપિંગ સેન્ટરનાં વેપારીઓનાં પ્રશ્ર્નોનાં નિવારણની દિશામાં કલેક્ટરનું પગલું

સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા વિકાસકાર્યો તથા શિવરાત્રિને લઈને સુરક્ષાને ધ્યાને લેતા કરવામાં આવેલા બેરિકેડિંગ તથા દિવાલને કારણે સોમનાથ શોપિંગ સેન્ટરના વેપારીઓને ગ્રાહકો મળવાની મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. આ બાબતે શોપિંગ સેન્ટરના વેપારીઓએ જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજા અને સોમનાથ ટ્રસ્ટને રજૂઆત કરી હતી.
સ્થાનિક વેપારીઓની આ રજૂઆતને ધ્યાનમાં લઈને કલેક્ટરશ્રીએ વેરાવળ પ્રાંત અધિકારીશ્રીના અધ્યક્ષસ્થાને 10 સભ્યોની સમિતિની રચના કરી હતી. જેમાં સોમનાથ સુરક્ષાના નાયબ પોલીસ અધિક્ષકશ્રી, પ્રભાસપાટણ, નાયબ પોલીસ અધિક્ષકશ્રી, વેરાવળ, મામલતદારશ્રી, વેરાવળ શહેર, સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજરશ્રી અને વ્યાપારી મંડળના પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે.
આ સમિતિને એક અઠવાડિયાની અંદર વેપારીઓને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવે તે માટે કલેક્ટરશ્રી દિગ્વિજયસિંહ જાડેજાએ સૂચના આપી હતી. તેનો ત્વરિત અમલ કરતાં આજે સવારે સોમનાથ મંદિર પાસે થયેલા 100 જેટલા દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
દિગ્વિજય દ્વારની સામે આવેલ કુંભારવાડામાં જૂના ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યાં હતાં. હોટલ તેમજ મકાનોની બહાર કાઢેલ શૌચાલય-બાથરૂમ, ઓટલા, કેબીન જેવા દબાણો જેસીબીની મદદથી દૂર કરવામાં આવ્યાં હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા સોમનાથ મંદિર શોપિંગ સેન્ટર ખાતે 120 દુકાનોના દુકાનમાલિકોના પ્રતિનિધિઓ સાથે કલેક્ટરશ્રીએ બેઠક યોજી વેપારીઓને અગવડરૂપ પ્રશ્નોની રજૂઆતો સાંભળી તેનું એક અઠવાડિયામાં નિરાકરણ લાવવાની હૈયાધારણ આપી હતી. જેનો અમલ કરતાં આજે તાત્કાલિક ધોરણે 100 જેટલા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહીથી રસ્તો પહોળો થવાથી દર્શનાર્થીઓ, પ્રવાસીઓ, મંદિરની આજુબાજુના રહેણાંક વિસ્તાર તથા સોમનાથ શોપિંગ સેન્ટરનાં વેપારીઓ તથા રીક્ષા-વાહનચાલકોને રાહત થઈ છે. જેથી ટ્રાફિકની સમસ્યા પણ હળવી થઈ છે. આગામી સમયમાં પઠાણવાડા વિસ્તારમાં પણ અનધિકૃત બાંધકામો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પ્રાંત અધિકારીશ્રી, વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા ચીફ ઓફિસરશ્રી તેમજ પોલીસ અધિકારીઓની હાજરીમાં આ અનધિકૃત બાંધકામ દૂર કરવામાં આવ્યાં હતાં.

રિલેટેડ ન્યૂઝ