કારૂણ્ય રૂપમ કરૂણાવતારમ શ્રી રામચંદ્ર શરણં પ્રપદ્યે સૌરાષ્ટ્રભરમાં ગુંજશે શ્રીરામનો જયઘોષ, ઠેરઠેર શોભાયાત્રા

ભગવાન સ્વામિનારાયણ જયંતિની ધામધૂમથી કરાશે ઉજવણી, ચૈત્રી નવરાત્રિની થશે પૂર્ણાહુતિ: છોટીકાશી જામનગરમાં ભવ્ય રામસવારી : રાજકોટ, મોરબી, જૂનાગઢ, વેરાવળ, અમરેલી, ખંભાળિયા સહિતના શહેરોમાં શોભાયાત્રા, રામજી મંદિરોમાં ભવ્ય ઉત્સવ ઉજવાશે

તા.17 એપ્રિલના ચૈત્ર માસના શુક્લપક્ષની નવમી તિથિ, બુધવારે સૌરાષ્ટ્રમાં ગામેગામ, ઘરે ઘરે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામનો પ્રાગટય દિવસ ધામધૂમથી અને ભક્તિ સાથે ઉજવાશે. આ સાથે જ ભગવાન સ્વામિનારાયણ જયંતિની પણ ભવ્ય ઉજવણી થશે. સૌરાષ્ટ્ર ભરમાં રામનવમી નિમિત્તે આવતીકાલે દરેક શહેરોમાં શોભાયાત્રાના તથા ધર્મોત્સવના આયોજનો થયા છે. આવતીકાલે વધુ સંખ્યામાં લોકો કાર્યક્રમોમાં જોડાય તેવી શક્યતા છે. છોટી કાશી તરીકે સુપ્રસિધ્ધ જામનગરમાં ભવ્ય રામસવારીનું આયોજન કરાયું છે. જેમાં વિશાળ કદના ભગવા ધ્વજ સાથે નવયુવાનો જોડાશે. હિન્દુ ઉત્સવ સમિતિ અને મહાદેવ હર મિત્ર મંડળ દ્વારા સતત આ આયોજન થઈ રહ્યું છે જેમાં બહેનો સફેદ વસ્ત્રો સાથેની વેશભુષામાં જોડાશે. બહેનો માથામાં રંગબેરંગી સાફા અને લાલ સાડીમાં સજ્જ હશે અને રામધૂન અને રાસગરબાની રમઝટ બોલાવાશે. જામનગરના શોભાયાત્રાના રૂટ પર 10 થી વધુ સ્થળે 7 થી 8 મિનિટનું રાવણ યુધ્ધની પ્રતિકૃતિનું દ્રશ્ય રજૂ કરાશે. શોભાયાત્રા સાંજે જ્યાં અખંડ રામધૂનનો વિશ્વવિક્રમ સ્થપાયેલ છે તે બાલા હનુમાન મંદિરેથી પ્રારંભ થશે અને શહેરના મુખ્ય માર્ગો પર ફરશે. મોરબીમાં સાંજે મહારાણા પ્રતાપ સર્કલ સામાકાંઠાથી શોભાયાત્રાનો પ્રારંભ થશે અને મયુર પૂલ, મહેન્દ્ર ડ્રાઈવ રોડ, દરબાર ગઢ, ગ્રીન ચોક, નગર દરવાજા, જુના બસ સ્ટેન્ડ, રામચોક, શનાળા રોડ, નવા બસ સ્ટેન્ડ સામે, એવન્યુ પાર્ક રવાપર રોડ, સંત પ્લોટ, જેલરોડ થઈ વાંકાનેર દરવાજા પાસે પૂર્ણાહુતિ થશે. રાજકોટમાં ઈસ્કોન મંદિરમાં સાંજે ધર્મોત્સવ, શ્રી રણછોડદાસજી બાપુના આશ્રમે સવારે હવન સહિત ધાર્મિક કાર્યક્રમો, તમામ મંદિરોમાં બપોરે બાર વાગ્યે ભગવાન શ્રી રામની પ્રાગટય આરતી અને મહાપુજાધામ સ્વામિ. મંદિર સહિત મંદિરોમાં સ્વામિનારાયણ ભગવાનની રાત્રે પ્રાગટય આરતી સહિતના કાર્યક્રમો ઉપરાંત રીંગરોડ પર રાધેશ્યામ ગૌશાળાથી અને કોઠારીયા રોડ વિસ્તારમાં એમ બે સ્થળે શોભાયાત્રા યોજાઈ છે. જૂનાગઢમાં ઉપરકોટ નજીક આવેલા શ્રીરામચંદ્રજી મદિરથી હરિ ઓમ ટ્રસ્ટ દ્વારા ભગવાન રામની ભવ્ય શોભાયાત્રા નીકળશે. ભગવાન રામ ગજરાજ પર બિરાજમાન થઈને ભાવિકોને દર્શન આપવા નગરચર્યા કરશે. શોભાયાત્રામાં અયોધ્યામાં નિર્માણ થતા શ્રી રામમંદિરની પ્રતિકૃતિ સહિત ઝાંખીઓ જોવા મળશે. દિવાન ચોક, માલીવાડા ચોક, આઝાદ ચોક, એમજી રોડ, કાળવાચોક, જવાહર રોડ થઈ સ્વામિનારાયણ મંદિર ખાતે શોભાયાત્રાનુ સમાપન થશે. ખંભાળિયામાં ભગવાન શ્રી રામની શોભાયાત્રા નગર ગેઈટ ખાતે શ્રી રામ મંદિરથી પ્રયાણ કરશે જે બરછા શેરી, મોરલી મંદિર, લુહાર શાળ, હર્ષદ માતા મંદિર, મેઈનબજાર, રાજડા રોડ, જોધપુર ગેઈટ, નગર ગેઈટ થઈ પુન: રામમંદિરે પૂર્ણ થશે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં અન્ય શહેરો,ગામોમાં અનેકવિધ કાર્યક્રમોના આયોજનો કરાયા છે અને મંદિરો,ધર્મસ્થળોને શણગારવામાં આવ્યા છે. દ્વારકા જગતમંદિરે રામનવમી ઉત્સવ નિમીતે શ્રીજીના દર્શનનો કાર્યક્રમ
યાત્રાધામ દ્વારકા જગતમંદિરે રામનવમી ઉત્સવ હોવાથી શ્રીજીના દર્શનમાં શ્રીજીની મંગલા આરતી, શ્રીજીના શૃંગાર દર્શન થશે.રામ નવમી નિમીતે ઉત્સવ આરતી થશે. ઉત્સવ દર્શન થશે. ચોરવાડ પાસેના કાણેક ગામે વર્ષોની પરંપરા મુજમ રામનવમીએ કનેકશ્વરી માતાજીના મંદિરના પટાંગણમાં લોકમેળો યોજાશે. તેમજ મંદિરે 51 ફુટની ધજા ચડાવાશે. લોકમેળામાં નાટક, ડાયરો, કાનગોપી રાસ વગેરે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. મેળા દરમિયાન ચોરવાડ ઘેડિયા કોળી સમાજ દ્વારા ઢોલ, શણણાઈ, બેન્ડવાજાની રમઝટ વચ્ચે ચોરવાડથી કાણેક ગામે કનકેશ્વરી માતાજીના મંદિરે ધ્વજા ચડાવાશે તેવું જાણવા મળેલ છે.

રિલેટેડ ન્યૂઝ