મતદાન કરવા સંસ્થાઓની અપીલ

સંસ્થાઓ દ્વારા રાષ્ટ્રહિતને ધ્યાને રાખી મતદાન કરવા અપીલ

લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કાનું મતદાન તા. 7મી મેને મંગળવારના રોજ યોજાનાર છે. ગુજરાતની 25લોકસભા સીટ ઉપર પણ મતદાન યોજાનાર છે. ત્યારે સામાજીક, રાજકીય આગેવાનો, સંસ્થાઓએ લોકોને રાષ્ટ્રના ઉત્થાનમાં મોટાપાયે અચૂક મતદાન કરવા અપીલ કરવામાં આવી છે.
સહકાર ભારતી
સહકાર ભારતી ગુજરાત પ્રાંત સંગઠન મંત્રી જીવણભાઈ ગોલે આજે રાજકોટની મુલાકાતે પધારેલ. એમના માર્ગદર્શન નીચે સૌરાષ્ટ્ર વિભાગના પ્રમુખ કાર્યકર્તાઓ ની કેન્દ્રીય બેઠક માધવભવન રાજકોટ ખાતે રાખવામાં આવી હતી. આ બેઠકમાં સહકારી ક્ષેત્રના અગ્રણીઓ રાજકોટ મહાનગરના જયેશભાઈ સંઘાણી, ડો. એન.ડી. શીલુ વગેરેએ મતદાનની અપીલ કરી છે.
સરગમ પરિવાર
લોકશાહીના આ પવિત્ર પર્વમાં મત આપવો એ આપણી નૈતિક જવાબદારી છે અને તે બધાએ નિભાવવાની હોય છે મારો એક મત નહીં આપું તો શું ફેર પડે તેવું વિચારવાને બદલે પરિવાર સાથે મતદાન કરો એજ આ પર્વની મોટી ઉજવણી છે. સરગમ ક્લબ, સરગમ લેડીઝ ક્લબ, સરગમ સિનિયર સિટિઝન ક્લબ, સરગમ કપલ ક્લબ, ઈવનિંગ પોસ્ટ અને ઈન્ડોર સ્ટેડિયમના સભ્યોને ખાસ વિનંતી કે સવારે 11 વાગ્યા સુધીમાં જ મતદાન કરીને ફરજ નિભાવો. લોકશાહી એટલે લોકો માટે લોકોથી અને લોકો દ્વારા ચાલતી સરકાર. લોકશાહીમાં લોકો જ સર્વોપરી હોય છે. તેથી મત આપવો ખુબ જ જરૂરી છે. એમ સરગમ ક્લબના ગુણવતભાઈ ડેલાવાળા, મૌલેશભાઈ, ડો. ચંદાબેન શાહ અને નિલુબેન મહેતાએ અનુરોધ કર્યો છે.
શહેર ભાજપ
શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, મહામંત્રી અશ્ર્વિન મોલિયા, ડો. માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલાની એક સંયુક્ત અખબારી યાદીમાં જણાવેલ છે કે, લોકશાહીના પર્વને ઉજવવા માટે આવતી કાલે લોકસભાની ચૂંટણીના મતદાનનો ધર્મ નિભાવવાની દરેક મતદારની ફરજ છે ત્યારે સૌએ સો ટકા મતદાન કરવા અપીલ કરાઈ છે.

રિલેટેડ ન્યૂઝ