પાણીની ઘાત: સૌરાષ્ટ્રમાં તળાવમાં ડૂબી જતા ચાર બાળક મળી પાંચના મોત

મોરબીના માળીયા મીયાણામાં તળાવમાં ન્હાવા પડેલા ત્રણ બાળકોના ડૂબી જતાં મોત: સરધારમાં બાળક-નવાગામમાં યુવાનનું મોત

ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે નગરજનો પર પાણીની ઘાત હોય તેવું સામે આવ્યું છે. મોરબીના માળીયા મીયાણામાં તળાવમાં ડુબી જતાં ત્રણ બાળક રાજકોટના સરધારમાં બાળક અને નવાગામમાં ન્હાવા પડેલા યુવાનનું ડૂબી જતાં મોત નિપજયાનું પોલીસ ચોપડે નોંધાયું છે. એક જ દિવસ મોરબી અને રાજકોટ જિલ્લામાં પાણીએ પાંચનો ભોગ લીધો છે. જયારે છેલ્લા ત્રણ દિવસમાં સૌરાષ્ટ્રમાં 1ર ના ભોગ લેવાયા છે. સરધારમાં ખેતમજુરી અર્થે આવેલા પરિવારનો સાત વર્ષનો પુત્ર પાડોશમાં રહેતા મિત્ર સાથે તળાવમાં ન્હાવા ગયો હતો ત્યારેઅકસ્માતે ડુબી જતાં મોત નિપજ્યું હતું. જ્યારે નવાગામમાં રહેતો યુવાન પણ ન્હાવા જતાં ઉંડા પાણીમાં ગરકાવ થઈ જતાં ડુબી જતા મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. માસુમ અને યુવકના મોતથી બન્ને પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મુળ મધ્યપ્રદેશના વતની અને હાલ સરધારમાં ખેતમજુરી અર્થે આવેલા પરિવારનો અનિલ એરસિંગ રાઠવા નામનો સાત વર્ષનો તરૂણ પાડોશમાં રહેતા મિત્ર સાથે સરધાર પંચાયતના તળાવમાં ન્હાવા ગયો હતો ત્યારે અકસ્માતે ડુબી જતાં મોત નિપજ્યું હતું. માસુમ પુત્રના મોતથી શ્રમિક પરિવારમાં કરૂણ કલ્પાંત સર્જાયો હતો. આ અંગે આજીડેમ પોલીસને જાણ થતાં આજીડેમ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક સીવીલ હોસ્પિટલનો સ્ટાફ દોડી આવ્યો હતો અને પોલીસે જરૂરી કાર્યવાહી કરી તરૂણના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મેડીકલ કોલેજ ખાતે ખસેડ્યો હતો. પ્રાથમિક પુછપરછમાં મૃતક અનિલ રાઠવા ત્રણ ભાઈ બે બહેનમાં નાનો અને મોટાભાઈ રમેશભાઈ સાથે રહેતો હતો અનિલ રાઠવા બાજુની વાડીમાં કામ કરતા શ્રમિક પરિવારના બાળમિત્ર સાથે તળાવમાં ન્હાવા જતાં ડુબી જવાથી મોત નિપજ્યું હતું તેમ જાણવા મળ્યું હતું. આ ઉપરાંત બીજાબનાવમાં રાજકોટના નવાગામમાં રહેતા હકાભાઈ મંગાભાઈ ઉધરેજા નામનો 42 વર્ષનો યુવાન નવા ગામમાં આવેલી નદીમાં ન્હાવા ગયો હતો ત્યારે અકસ્માતે ઉંડા પાણીમાં ગરકાવ થઈ જતાં યુવાન ડુબી ગયો હતો યુવકનું ડુબી જવાથી મોત નિપજતાં પરિવારમાં અરેરાટી સાથે કરૂણ કલ્પાંત સર્જાયો હતો. ઉપરોક્ત બન્ને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મોરબીમાં મચ્છુ 2 ડેમ ખાલી કર્યા બાદ હેઠવાસના ગામોમાં ચેતવણી આપવામાં આવી છે છતાં પણ આ ચેતવણીને અવગણીને થોડા દિવસો પહેલા જ મચ્છુ નદીમાં ન્હાવા પડેલ ત્રણ યુવકો મોતને ભેટ્યા હતા ત્યારે ફરીથી બેદરકારી ને કારણે માળીયા મિયાણા ના વરસામેડી ગામે નદીમાં ન્હાવા પડેલ ત્રણ માસૂમ બાળકો મોતને ભેટ્યા છે.
મળતી માહિતી અનુસાર, માળીયા મીયાનાંના વર્ષામેડી ગામે મેહુલ ભુપતભાઈ મહાલીયા(ઉ.10), શૈલેષ અમરશીભાઈ ચાવડા(ઉ.8), અને ગોપાલ કાનજીભાઈ ચાવડા(ઉ .12)નામના બાળકો ન્હાવા ગયા હતા.ત્યારે તળાવમાં ન્હાતી વેળાએ ત્રણેય બાળકોનો અચાનક પાણીમાં ગરકાવ થયા હતા.ત્યારે એક સાથે ત્રણ બાળકોના મૃત્યુ થતા પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. તેમજ ફાયર વિભાગ તથા સ્થાનિક તરવૈયાઓ દ્વારા બાળકોનાં મૃતદેહને બહાર કાઢી પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે.ત્યારે પોલીસે પણ તપાસ હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ