સ્માર્ટ મીટર મામલે પીજીવીસીએલ જ ડલ પુરવાર! એનએબીએલ લેબના રિપોર્ટ વગર પધરાવાયા

સ્માર્ટ મીટર સપ્લાય કરનાર એજન્સીએ પોતાના ઇન હાઉસ રિપોર્ટ બનાવીને અબજો રૂપિયાના મીટર પીજીવીસીએલને પધરાવી ગ્રાહકોને સ્માર્ટ ડામ આપ્યા

સમગ્ર ગુજરાતમાં સ્માર્ટ મીટર લગાવ્યા બાદ વિજ બીલ વધારે આવતું હોવાની અનેક ફરિયાદો ઉઠી છે. ત્યારે આ મામલે ચોકાવનારી વિગતો જાણવા મળી છે. પીજીવીસીએલ દ્વારા કોઈપણ આઈટમની ખરીદી પહેલા તેના એનએબીએલ રિપોર્ટથી માંડી ટાઈપ ટેસ્ટ, રૂટીન ટેસ્ટ અને એકસેપ્ટન્સ ટેસ્ટના રિપોર્ટો પણ ફરજિયાત મંગાતા હોય છે. જ્યારે હાલમાં ખરીદાતા સ્માર્ટ મિટરમાં આ પ્રકારનાં કોઈપણ રિપોર્ટ માંગવામાં આવતાં નથી અને માત્ર સપ્લાય કરનાર એજન્સી પોતાના ઈન-હાઉસ રિપોર્ટ બનાવીને અબજો રૂપિયાના મિટર પીજીવીસીએલને પધરાવી દેતા હોવાનું જાણવા મળ્યું છે. પશ્ર્ચિમ ગુજરાત વિજ કંપની દ્વારા પહેલા ફેઈઝમાં કુલ 23,66,608 મિટર ખરીદીને લગાવવા માટે અબજો રૂપિયાનું ટેન્ડર ભારત સરકારની કંપની આર.ઈ.સી.પાવર ડેવલોપમેન્ટ અને ક્ધસલ્ટન્ટન્સી લીમીટેડ દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું. આ ટેન્ડર અંતર્ગત 28 માર્ચ 2023નાં રોજ અમદાવાદની અપ્રાવા એર્ન્જી પ્રા.લી. કંપનીને અંદાજીત કુલ રકમ 1969 કરોડ 36 લાખ 80 હજાર 211 રૂપિયાનું ટેન્ડર આપવામાં આવ્યું છે. આ ટેન્ડરમાં કુલ સિંગલ ફેઈઝ પ્રકારના સ્માર્ટ મિટર 20,01,895 નંગ, થ્રી ફેઈઝ પ્રકારના 2,28,041 નંગ, એલટી-સીટી ઓપરેટેડ થ્રી ફેઈઝ મિટર 27,542 નંગ અને એલટીસીટી ઓપરેટેડ સ્માર્ટ ડી.ટી.મિટર 1,09,130 નંગ ખરીદવાનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. આ ઓર્ડર કુલ 93 મહિનામાં સપ્લાય કરવાનો છે. ઉપર જણાવ્યા પ્રમાણે ખુબ મોટી સંખ્યામાં પહેલા તબક્કામાં મિટર ખરીદવામાં આવનાર હોવા છતાં કોઈપણ પ્રકારનું પ્રિ ડીસ્પેચ ઈન્પેકશન કે થર્ડ પાર્ટી ઈન્પેકશનની પણ જોગવાઈ કરવામાં આવી નથી. પરિણામે એજન્સી દ્વારા જે પણ કંડીશનમાં મિટર સપ્લાય કરવામાં આવે તે પીજીવીસીએલને ફીલ્ડમાં લાગ્યા પછી જ ફોલ્ટની ખબર પડે અને ફોલ્ટ અટકાવવા માટે કોઈપણ પ્રકારની કવોલીટી ચેક સિસ્ટમ થર્ડ પાર્ટી પાસે સ્વતંત્ર રીતે ચેક કરાવવામાં પણ નથી આવતી. આ અંગે પીજીવીસીએલના ચીફ એન્જીનીયરીંગ (પ્રોજેકટ)વાળાએ જણાવ્યું કે અમે અમારી પીજીવીસીએલની મીટર ટેસ્ટીંગ લેબમાં જ મિટરનું ટેસ્ટીંગ કરીએ છીએ. પરંતુ આ ટેસ્ટીંગ સપ્લાય પછી કરવામાં આવતું હોવાથી આ ટેસ્ટીંગ રાંડ્યા પછીનું ડાહપણ જેવું છે. કેમ કે ત્યાં સુધીમાં તો લાખો લોકોના ઘર તે બેચનાં સ્માર્ટ મિટર લાગી ચુકયા હોય છે અને જો મિટર ટેસ્ટીંગમાં ફેઈલ થાય તો ફરીથી ગ્રાહકને ઘરે જુના લોટનું મિટર ફરી પાછું ઉતારવા જવું પડે અને ફરીથી પીજીવીસીએલનો ફજેતો થાય. એજન્સીઓ માટે અગાઉથી જ ટેન્ડરમાં બધી ગોઠવણ કરી દેવામાં આવી હોય તેમ પીજીવીસીએલ પાસે નબળી ગુણવત્તા બાબતે કોઈ પણ કાર્યવાહી કરવાની સત્તા નથી. ટેન્ડર ડોકયુમેન્ટના પેનલ્ટી કલોઝમાં પણ મીટરમાંથી ડેટા બાબતે કે અન્ય કોઈપણ ભુલો આવે તો પણ વધુમાં વધુ ત્રણ ટકા જ પેનલ્ટી કાપી શકાય છે. જેને લીધે કોઈ એજન્સીના સપ્લાય કરેલ મિટરમાં 50 ટકા ફોલ્ટ આવે તો પણ એજન્સીનું પેમેન્ટ સપ્લાય લેવલ એગ્રીમેન્ટ પ્રમાણે ચાર ટકાથી વધુ કાપી શકાતું નથી. સ્માર્ટ મીટરની ખરીદીની પ્રક્રિયા જ શંકાસ્પદ, સપ્લાયર્સને અનેક છૂટછાટગુજરાતમાં પ્રી-પેઈડ સ્માર્ટ મીટર લગાવી વીજચોરી ડામવાનો સરકારાને ઉદ્દેશ્ય છે. પરંતુ સ્માર્ટ મીટર લગાવવા સરકારની ઉતાવળ શંકાસ્પદ ગણાવાઈ રહી છે. સ્માર્ટ મીટર બનાવતી કંપનીઓના લાભાર્થે જ આ યોજના આવી હોય તેવું પ્રથમ દ્રષ્ટીએ જણાઈ આવે છે કેમકે સ્માર્ટ મીટરની ખરીદીમાં એનએબીએલ (નેશનલ એક્રેડીએહન બોર્ડ ફોર ટેસ્ટીંગ એન્ડ કેલિબ્રેશન્સ લેબોરેટરીઝ) માન્ય ટેસ્ટીંગ રિપોર્ટ કરાવ્યા વગર જ વીજ મીટરો સપ્લાય કરવાની કંપનીઓને છુટ આપવામાં આવી છે. આ ઉપરાંત ઈરડા (ઈલેકટ્રીકલ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ એસો.) કે, એન.પી.એલ. (નેશનલ ફિજીકલ લેબ.) જેવી કેન્દ્ર સરકારની લેબોરેટરીઓમાં પણ સ્માર્ટ મીટરના ટેસ્ટિંગ કરાવવામાં આવતી નથી. પ્રિપેઇડ મીટર લગાવી જનતાના 500 કરોડ પડાવવાનો કારસો: અમિત ચાવડા સરકાર મીટર માટે જબરદસ્તી કરશે તો સવિનય કાનૂન ભંગની લડતની ચીમકી ગુજરાતની જનતાને મોંઘવારીમાં ઘર ચલાવવું અને બાળકોની ફી ભરવી મુશ્ર્કેલ છે ત્યારે સરકાર રાહત આપવાને બદલે સ્માર્ટ મીટરના નામે એડવાન્સમાં લોકોના ખિસ્સામાંથી રૂૂ. 500 કરોડ ખંખેરી લેવાનો કારસો ઘડ્યો હોવાનો આક્ષેપ વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ કર્યો છે. તેમણે જણાવ્યું છે કે, દેશના અન્ય રાજ્યો લોકોને 200 યુનિટ સુધીની વીજળી ફ્રીમાં આપી રહી છે ત્યારે ગુજરાત સરકાર સ્માર્ટ મીટરના નામે સ્માર્ટ લૂંટ ચાવી રહી છે.

રિલેટેડ ન્યૂઝ