બેંકોએ 10નાં સિક્કા લેવા પડશે: કલેકટર વેપારીઓ અને લોકોને પણ સિક્કાનો ઉપયોગ કરવા અનુરોધ

છેલ્લા કેટલાક સમયથી રાજકોટ જિલ્લામાં રૂ.10નો સિક્કો માન્ય હોવા છતાં વ્યવહારમાં તેનો ઉપયોગ નહિવત થતો હોઈ ગ્રાહકો, વ્યાપારીઓ તેમજ બેન્કર્સને રૂ.10ના સિક્કાને લઈને પડતી મુશ્ર્કેલીના નિવારણ અર્થે જિલ્લા કલેકટર પ્રભવ જોશીની અધ્યક્ષતામાં રાજકોટની નેશનલ અને ખાનગી બેન્કના અધિકારીઓ સાથે એક બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં કલેકટર પ્રભવ જોશીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે રૂ.10નો સિક્કો ભારત સરકાર અને આર.બી.આઈ. દ્વારા માન્યતા પ્રાપ્ત ચલણ છે. જેનો વ્યવહાર કાયદેસર છે. જેથી કરીને લોકો, વ્યાપારીઓ નિ:સંકોચપણે ચલણમાં તેનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ કરે તે ઇચ્છનીય છે. તેમજ બેન્ક પણ રૂ.10ના સિક્કાનો અસ્વીકાર કરી શકે નહીં. તમામ બેંકોમાં રૂ.10ના સિક્કા જમા કરાવી શકાય છે તેમ કલેકટરે લોકોને વિશ્ર્વાસ આપતાં જણાવ્યું હતું. કલેકટરે આ બાબતે સંપૂર્ણ સહકાર આપવા બેન્કના અધિકારીઓને જણાવ્યું હતું. બેન્કના અધિકારીઓના જણાવ્યા મુજબ રૂ.10ના સિક્કા બેન્ક દ્વારા હાલ ચલણમાં છે જ. તેમજ કોઈપણ વ્યાપારી બેન્કોમા રૂ.10ના સિક્કા જમા કરાવી શકે છે. રૂ.10નો સિક્કો વ્યાપક પ્રમાણમાં વ્યવહારમાં આવતાં છુટ્ટા રૂૂપિયાની સમસ્યા પણ હલ થઈ જશે તેમ કલેકટરએ જણાવી રૂ.10ના સિક્કાનું સર્ક્યુલેશન વધે તે માટે સર્વેને રોજીંદા વ્યવહારમાં સિક્કાની લેણદેણ વ્યાપક બનાવવા અનુરોધ કર્યો છે. આ બેઠકમાં એસ.બી.આઈ.ના લીડ બેન્કના મેનેજર નરેન્દ્ર સોલંકી, કરુણાકર બિસ્વાલ સહીત અગ્રણી બેંકોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

રિલેટેડ ન્યૂઝ