સૌરાષ્ટ્રના ખેડૂતોને નકલી બિયારણ ધાબડી દેવાનું કૌંભાડ બહાર આવ્યું

ઉપલેટામાંથી રૂ. 1.28 લાખનું નકલી બિયારણ પકડાયું

સૌરાષ્ટ્રમાં ચોમાસાની સીઝન પૂર્વે ખેડૂતોને નકલી બિયારણ ધાબડવા માટે ચીટર ટોળકી સક્રિય થઈ ગઈ છે ત્યારે રાજકોટનાં શાપર વેરાવળ બાદ ઉપલેટામાં ગ્રામ્ય એસઓજીએ દરોડો પાડી રૂા.1.28 લાખની કિંમતનું નકલી બિયારણ સાથે ગોડાઉન માલિકની ધરપકડ કરી છે. અત્રે એ વાત ઉલ્લેખનીય છે કે શાપર વેરાવળમાંથી બે દિવસ પૂર્વે એસઓજીએ રૂા.2.83 લાખનું નકલી બિયારણ પકડી પાડયું હતું અને જેનું કનેકશન ઈડરનું હોવાનું ખુલ્યું હતું. ગ્રામ્ય એસઓજીએ શાપર વેરાવળ બાદ ઉપલેટામાં સતત બીજા દિવસે દરોડો પાડયો છે. ઉપલેટાના બ્રજ વિલાસ હોટલની બાજુમાં આવેલા પરેશ વલ્લભ સલારકાના ગોડાઉનમાં દરોડો પાડીને કપાસના નકલી બિયારણનો જથ્થો ઝડપી પાડયો હતો. જેમાં પોલીસે રૂા.1.28 લાખની કિંમતના નકલી બિયારણ જેમાં પીન્કપેન્થર, પીન્કગાર્ડ, ડોલર 4-જી કોટન હાઈબ્રીડ, સંકેત 5-જી અને બાહુબલી પ્રિમીયમ જેવા નકલી બિયારણનો જથ્થો કબજે કર્યો છે. ગોડાઉનના માલીક પરેશ સેલારકાની વિશેષ પુછપરછ શરૂ કરી આ કપાસનું નકલી બિયારણ કયાંથી સપ્લાય થયું તે અંગે વધુ પુછપરછ શરૂ કરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠ્ઠૌડના માર્ગદર્શન હેઠળ એસઓજીના પીઆઈ એફ.એ.પારગી સાથે પીએસઆઈ બી.સી.બિયાત્રા ઉપરાંત સ્ટાફના જયવીરસિંહ, અતુલભાઈ ડાભી, સંજયભાઈ, ઈન્દ્રસિંહ જાડેજા, વિજયભાઈ, હિતેશભાઈ, ભગીરથસિંહ, શિવરાજભાઈ ખાચર સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.

રિલેટેડ ન્યૂઝ